પારડી : પારડી (Pardi) હાઇવે (Highway) પર ઓડિટોરિયમ હોલની સામે વલસાડથી (Valsad) વાપી (Vapi) જતા ટ્રેક ઉપર કન્ટેઇનર ચાલકે બાઇકને (Bike) અડફટે લેતા અકસ્માત (Accident) સર્જાયો હતો. વલસાડના મોટા પારસીવાડ ખાતે રહેતા અઝીમ અફરોઝ શેખ પલ્સર બાઈક નં. જી.જે. 06 એમ.કે. 8129 લઈને વાપી ખાતે ગેરેજ પર નોકરીએ જઈ રહ્યો હતો. તે દરમ્યાન પારડી હાઈવે પર કન્ટેનર નં. એન.એલ. 01 એ.એફ. 5692ના ચાલકે પૂરઝડપે હંકારી અઝીમની બાઈકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલક અઝીમ શેખને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે કન્ટેનર ચાલક અકસ્માત સર્જી સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. મૃતકની લાશને પારડી સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવી હતી. ઘટના અંગે પારડી પોલીસ મથકે મૃતકના ભાઈ ફૈયાદ અફરોઝ શેખે કન્ટેનર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.
વાપીમાં મોપેડ સાથે બાઈકના અકસ્માતમાં મહિલા પ્રોફેસરને પગમાં ફ્રેકચર
વાપી : વાપી ટાઉનમાં રહેતી તેમજ ચણોદમાં કેબીએસ કોલેજમાં પ્રોફેસર તરીકે સેવા આપતી ધ્રુવી વિપુલભાઈ દેસાઈ કોલેજથી છૂટીને ઘરે જતી હતી. દરમિયાન તેની જ્યુપીટર મોપેડ સાથે વાપી જીઆઈડીસીના સર્વિસ રોડ ઉપર નવજીવન હોટલ સામે એક પલ્સર બાઈક ચાલક સામેથી અથડાવી દેતા મોપેડ બંને નીચે પડી ગયા હતા. બાઈક ચાલક ફરાર થઈ ગયો હતો. જોકે ધ્રુવી દેસાઈને જમણા પગમાં ઈજા થઈ હોવાથી ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી જનસેવા હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાઈ હતી. આ અકસ્માત અંગે વાપી જીઆઇડીસી પોલીસ મથકમાં ધ્રુવી દેસાઈના પિતા વિપુલ મોહનલાલ દેસાઈએ અજાણ્યા બાઈક ચાલક સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ધ્રુવીને જમણા પગમાં ફ્રેકચર થયું હતું. તેની સારવાર ચાલે છે.
દેવધા ગામે ઘાસચારો કાપીને રેલવે ટ્રેક ઓળંગતા વૃદ્ધનું ટ્રેન અડફેટે મોત
બીલીમોરા : બીલીમોરા નજીકના દેવધા ગામના ભેંસલા ફળીયા ખાતે રહેતા કીકાભાઈ ભગાભાઈ પટેલ (71) નજીકના રેલ્વે ટ્રેકને ક્રોસ કરીને ઢોરો માટે ઘાસચારો કાપવા માટે ગયા હતાં. જ્યાંથી ઘાસ કાપીને પરત ઘરે પરત આવતી વખતે ભેંસલા ફળીયાનો રેલ્વે ટ્રેક ક્રોસ કરતા હતા. તે સમયે ટ્રેનની અડફેટે આવી જતા તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બાદમાં તેઓને મેંગુસી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ તેમને આવેલી ગંભીર ઇજોને કારણે તેમનું મૃત્યુ થયું હતું. આ ઘટના અંગે મૃતકના ભાઈએ બીલીમોરા પોલીસને જાણ કરી હતી. બીલીમોરા પોલીસે અકસ્માત મોત નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.