બાથરૂમમાં ગેસ ગીઝરમાંથી ગેસ લીક થતાં સુરતમાં નાનપુરામાં મુક-બધિર યુગલનું ગુંગળાઈને મોત થઈ જવાની ઘટના બની હતી. બોલી નહી શકતાં અને સાંભળી નહી શકતાં આ યુગલની હજુ 17 દિવસ પહેલાં જ સગાઈ થઈ હતી. ઘટનાની કરૂણતા એ હતી કે ગેસ લીકેજ થવાને કારણે ઉભી થયેલી પરિસ્થિતિમાં બંને મુક-બધિર હોવાને કારણે કોઈને મદદ માટે પણ બોલાવી શક્યાં નહોતાં અને મોતને ભેટી ગયા હતા. મુક-બધિર યુવાન નહાવા માટે ગયા બાદ તેને બચાવવા ગયેલી યુવતી પણ દુર્ઘટનાનો ભોગ બની હતી. બંને એક કલાક સુધી ગુંગળાયા હતાં અને બાદમાં તેમણે જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ, નાનપુરાના ગાંધીસ્મૃતિ ભવનની સામે શ્રીરંગ સોસાયટીમાં રહેતા અને આયુર્વેદિક દવાનો સ્ટોર ચલાવતા મનોજભાઇ પટેલનો પુત્ર અર્પિત (ઉ.વ.24)ની કામરેજના રાજનગરમાં રહેતા અને ટેલરિંગનું કામ કરતા જયેશભાઇ ટેલરની પુત્રી ધૃતિ (ઉ.વ.21)ની સાથે ગત તા. 31મી જાન્યુઆરીના રોજ સગાઇ થઇ હતી. અર્પિત અને ધૃતિ બંને મુક-બધીર હતા અને તેઓ નવસારીના કોઠારી મુંગા-બહેરાની શાળામાં અભ્યાસ કરતા હતાં. સ્કૂલમાં જ બંને વચ્ચે પ્રેમસંબંધ થયો હતો અને સ્કૂલ સંચાલકોની મધ્યસ્થીના કારણે બંનેની સગાઇ થઇ હતી. દરમિયાન અર્પિતના માતા-પિતા વતનમાં એક સંબંધીના લગ્નપ્રસંગમાં હાજરી આપવા માટે ગયા હતા. સુરતમાં અર્પિત અને તેની બહેન એકલા જ રહેતા હતા.
બીજી તરફ લગ્નની તૈયારી અને ખરીદી કરવા માટે ધૃતિ અઠવાડિયા અગાઉ જ અર્પિતના ઘરે રહેવા માટે આવી હતી. મંગળવારે સવારના સમયે અર્પિતની બહેન નોકરી ઉપર ગઇ હતી, અર્પિત અને ધૃતિ ઘરમાં એકલા જ હતા. દરમિયાનમાં અર્પિત ન્હાવા માટે ગયો ત્યારે બાથરૂમમાં ગીઝરમાંથી ગેસ લીકેજ થતો હતો. થોડી વારમાં અર્પિતને ગુંગળામણ થવા માંડી. બાથરૂમમાં પાણીમાં અર્પિતનું બેલેન્સ રહ્યું ન હતું અને તે નીચે પટકાતા જમણા હાથની પાછળના ભાગે ઇજા પણ થઇ હતી. કંઈક અજુગતું બની રહ્યું હોવાનું ધ્યાને આવતાં ધૃતિ પણ આવી પહોંચી હતી અને અર્પિતને બચાવવાના પ્રયત્નો કર્યા હતા. પરંતુ બાથરૂમ અને બાદમાં કિચનમાં પણ ગેસ ફેલાઇ જવાને કારણે ગુંગળામણ વધી હતી અને બંને બેભાન થઇ ગયા હતા.
સાંજે ચાર વાગ્યે અર્પિતની બહેન ઘરે આવી ત્યારે અંદરથી કોઇએ દરવાજો ખોલ્યો ન હતો. અર્પિતની બહેનએ અન્ય ચાવીથી દરવાજો ખોલીને જોયું ત્યારે ગેસની દુર્ગંધ આવતી હતી અને તપાસ કરતા બંને બાથરૂમમાં બેભાન હાલતમાં પડ્યા હતા. બંનેને તાત્કાલિક સારવાર માટે 108 મારફતે નવી સિવિલ હોસ્પિટલ લઇ જવાયા હતાં, પરંતુ ત્યાં બંનેને મૃત જાહેર કરવામાં આવ્યાં હતાં. ઘટનાને પગલે અઠવા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
હિસ્થોપેથો અને ફેફસાના નમૂના લેબોરેટરીમાં મોકલાયા
અર્પિત અને ધૃતિનું પોસ્ટમોર્ટમ કરનાર સિવિલ હોસ્પિટલના ડો. નિશા ચંદ્રાએ માહિતી આપતા કહ્યુ કે, ધ્રુતિકુમારી અને અર્પિતના હિસ્થોપેથો અને ફેફસાના નમૂના લેબોરેટરીમાં મોકલાયા છે. બન્નેના મૃત્યુનું કારણ ગેસ ગૂંગળામણ કહી શકાય છે. જો કે, આખરે લેબોરેટરીમાંથી રિપોર્ટ આવી ગયા બાદ જ મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે.
અર્પિત અને ધૃતિ મોબાઇલમાં ચેટીંગ મારફતે વાતો કરતા હતા – એપ્રિલ મહિનામાં લગ્નની તૈયારીઓ થઇ રહી હતી
પ્રાપ્ત વિગતો મુજબ અર્પિત અને ધૃતિ મોબાઇલમાં ચેટીંગ મારફતે વાતો કરતા હતા. બે મહિના પહેલા જ તેઓની સગાઇ કરવાનું નક્કી થયુ હતુ અને ગત તા. 31મી જાન્યુઆરીના રોજ તેઓની સગાઇ પણ થઇ હતી. બંને વાતો કરવા માટે મોબાઇલમાં મેસેજનો ઉપયોગ કરતા હતા. એકબીજાના પરિવારના હાલ-ચાલ પણ તેઓ મેસેજ મારફતે જ પુછતા હતા. આ ઉપરાંત બંનેના લગ્ન આગામી એપ્રીલ-2021માં થવાની તૈયારીઓ થઇ રહી હતી. અર્પિતના માતા-પિતા વતનમાંથી આવીને લગ્નની તારીખ જોવડાવવાના હતા પરંતુ તે પહેલા જ બંનેના મોતના સમાચાર સાંભળતા પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી.
મોંઢાથી અબોલ બંને પાસે કુદરતી શક્તિનો ભંડાર હતો
નવી સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી મુજબ અર્પિત અને ધૃતિ મોંઢાથી અબોલ હતા અને તેઓ કશુ બોલી શકતા ન હતી. પરંતુ તેઓની પાસે કુદરતી શક્તિનો ભંડાર હતો. ધૃતિ પોતાના ઘરમાં આર્થિક રીતે પણ મદદરૂપ થતી હતી. ઘરમાં તેની માતા જોબવર્કનું કામ લાવતા તેમાં ધૃતિ મદદરૂપ થતી હતી. આ ઉપરાંત ધૃતી જે સ્કૂલમાં અભ્યાસ કરતી હતી ત્યાં પણ ભણવામાં હોશિયાર હતી અને મોટાભાગે તેનો પ્રથમ પાંચ ક્રમાંકમાં જ નંબર આવતો હતો. બીજી તરફ અર્પિત પણ ભણવામાં હોશિયાર હતો. અર્પિત મુકબધીર હોવા છતાં શહેરના એક પ્રાઇવેટ મોલમાં નોકરી કરીને પરિવારને આર્થિક મદદરૂપ થતો હતો.
પોસ્ટમોર્ટમ રૂમ પાસે હૃદયદ્રાવક દર્શ્યો સર્જાયા
અર્પિતના માતા-પિતા વતનમાં હતા ત્યાં જ તેઓને અર્પિત અને ધૃતિના મોતના સમાચાર મળતા તેઓ તાત્કાલીક સુરત આવી પહોંચ્યા હતા. બીજી તરફ ધૃતિના માતા-પિતા પણ મંગળવારે રાત્રીના સમયે જ સુરતની નવી સિવિલમાં આવી ગયા હતા. બુધવારે સવારે જ્યારે બંનેના પોસ્ટમોર્ટમ થયા ત્યારે ત્યાં હૃદયદ્રાવક દૃશ્યો સર્જાયા હતા. વતનમાંથી આવેલા અન્ય સંબંધીઓ તેમજ ત્યાં હાજર મોટાભાગના લોકોની આંખમાં આંસુ જોવા મળ્યા હતા.
અર્પિતે માતા-પિતાને વીડિયોકોલમાં વાત કરી હતી
અર્પિતના માતા-પિતા વતનમાં લગ્નમાં ગયા હતા. મંગળવારે બંને ઘરે હતા ત્યારે સવારના સમયે અર્પિતે માતા-પિતાને વીડિયો કોલ કરીને વાતો કરી હતી. વતનમાં અન્ય સંબંધીઓ પણ હાજર હતા તેઓની સાથે પણ અર્પિતે ઇશારામાં વાતો કરીને હાલ-ચાલ પુછ્યા હતા. વીડિયો કોલ કર્યાના પાંચથી છ કલાક બાદ જ તેઓના મોતના સમાચાર સાંભળવા માળ્યા હતા.
બંનેના પરિવારજનોને માનસિક રીતે હિંમત તેમના મિત્રો આપતા હતા
પ્રાપ્ત વિગતો મુજબ ધૃતિ અને અર્પિત બંને મધ્યમ વર્ગમાંથી આવતા હતા અને આર્થિક રીતે પણ નબળા હતા. બંનેના સંબંધીઓ જ તેમના પરિવારને માનસિક રીતે હિંમત આપતા હતા. ઘરમાં કાંઇ કામકાજ હોય કે પછી કોઇ વસ્તુઓ લાવવાની હોય ત્યારે અન્ય સંબંધીઓ અને મિત્રો જ તાત્કાલીક આવી પહોંચતા હતા. સંબંધીઓએ બંનેના લગ્નની તૈયારીઓ પણ પુરજોશમાં શરૂ કરી દીધી હતી પરંતુ ત્યાં જ બંનેના એકસાથે જ મોત નીપજ્યા હતા.