Columns

ભગવાનને પ્રિય

એક દિવસ વૈકુંઠમાં ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી અલકમલકની વાતો કરી રહ્યાં હતાં.ત્યાં ભગવાન નારદજી જઈ પહોંચ્યા અને ‘નારાયણ ..નારાયણ’બોલી પ્રણામ કરી વાતોમાં જોડાયા.નારદજીએ પૂછ્યું, ‘પ્રભુ ,હમણાં જ પૃથ્વી પર જઈને આવ્યો.બ્રહ્માજીએ આટલી સુંદર પૃથ્વી બનાવી છે.તમે સદા સુંદર સંચાલન કરો છો.તેમ છતાં મને પૃથ્વી પર દરેક માણસ દુઃખી જ દેખાયો.દરેકને કોઈ ને કોઈ કમી હતી અને એટલે દરેક જણ દુઃખી જ હતો. પ્રભુ આવું કેમ છે પૃથ્વી પર દરેક માણસ દુઃખી કેમ છે?’ ભગવાન વિષ્ણુજી બોલ્યા, ‘નારદજી, વાત એમ છે કે પૃથ્વી પર દરેક માણસને જીવન મળ્યું છે.

જીવન સુંદર બનાવવા શરીર અને મગજ મળ્યાં છે.માણસ ઈચ્છે તે સુખ મેળવી શકે છે.એટલે સુખ બધા પાસે છે અને બધા તેને મેળવી શકે તેમ છે.પણ બધાને તે તરફ નથી જોવું.બીજાના સુખ સમક્ષ જોવું છે અને એટલે બધા એકબીજાના સુખથી પરેશાન છે અને એટલે એકના સુખથી બીજો દુઃખી અને પરેશાન થાય છે અને આ ચક્ર ફરતું રહે છે એટલે બધા દુઃખી જ છે.’ લક્ષ્મી દેવીએ કહ્યું, ‘પ્રભુ, મારે પણ એક પ્રશ્ન તમને કરવો છે.મારા પ્રિય માણસો એ છે જેઓ તમારી ભક્તિ કરે છે, જે તમને મારા શ્રી હરિને સતત યાદ કરે છે.

હું તેમની પર સદા પ્રસન્ન રહું છું તે તો તમે જાણો જ છો.આજે મારે જાણવું છે કે તમને સૌથી વધારે પ્રિય કોણ લાગે છે?’ આ પ્રશ્ન સાંભળી નારદજીને થયું કે કદાચ પ્રભુ મારું નામ લેશે કારણ કે ‘હું આખો દિવસ સતત તેમનું નામસ્મરણ કરી સમગ્ર સંસારમાં તેમની ભક્તિ ફેલાવું છું.’ ભગવાન વિષ્ણુએ કહ્યું, ‘નારદજી મને સાચા હદયથી મારી ભક્તિ કરતા મારા દરેક ભક્ત પ્રિય છે.પછી ભલે તેઓ એક વાર મારું નામ લેતા હોય કે સતત નામસ્મરણ કરતાં હોય.

એથી વધુ મને પ્રિય છે જેઓ મારી સાચી ભક્તિ કરે છે તેથી દેવી લક્ષ્મી તેમની પર કૃપા કરે છે ત્યારે તેઓ મારા ભક્તોની મદદ કરે છે. મારા ભક્તોની સેવા કરે છે અને એથી પણ વધુ મને પ્રિય છે જેઓ દરેક રીતે શક્તિશાળી અને સક્ષમ છે.જેઓ સાચા છે …જેઓ પોતાની સાથે અન્યાય કરનારની સાથે ઝઘડો કરવાની ,તેની સાથે બદલો લેવાની બધી તાકાત ધરાવે છે છતાં તેમ નથી કરતા…ઝઘડો કરવાના સ્થાને, વેર લેવાના સ્થાને તેઓ માફ કરી આગળ વધી જાય છે.’ ચાલો, પ્રભુના પ્રિય બનીએ.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top