કેમ છો?
મજામાં ને?
એક નવા ચૈતન્યને જન્મ આપીને આ દુનિયાને વધુ સમૃધ્ધ કરનાર દરેક માતાઓને મધર્સ-ડે ની શુભેચ્છાઓ…
કહેવાય છે કે ઇશ્વર આખી દુનિયાનું સર્જન ન કરી શકે એ માટે એણે માતા બનાવી. આ વાત ખોટી પણ નથી. માતા માટે બાળક એ એની જિંદગીનો ભાગ નહીં પણ જિંદગી બનીને રહ્યું છે. બાળકની આજુબાજુ જ ફરતી માતાની જિંદગીને જોઇને જ કવિઓને માતૃકાવ્યો સ્ફૂર્યા હશે…. પરંતુ દુ:ખની વાત એ છે કે અત્યાર સુધી માતાના ત્યાગની સાથે સમાધાન, સંઘર્ષની સાથે પીડા, સમપર્ણની સાથે ફરજ અને સ્નેહની સાથે જવાબદારી જોડાયેલી રહેતી…. એના ગૌરવમાં કયાંક કયાંક બિચારાપણાનો અહેસાસ વર્તાતો. એનું માતૃત્વ સ્ત્રીત્વને હાંસિયામાં ધકેલી દેતું. એના માતૃત્વમાં પડકારની ખુમારીની સાથે ગુમાવવાની વેદના પણ અદૃશ્ય રીતે વર્તાતી.
કદાચ, એ સમયની માતાની એ તાસીર હતી. સામાજિક – પારિવારિક જરૂરિયાતોનું એ પ્રતિબિંબ હશે પણ આજે સ્ત્રીની સાથે માતા પણ બદલાઇ છે. એ બિચારી – બાપડી નહીં જાજરમાન બની છે. એ બાળક માટે માત્ર સહેતી નથી શીખે પણ છે, લડે પણ છે અને એના પોતાના આનંદના આભમાં એ ઊડે પણ છે. બહુ સમજણપૂર્વક એ માતૃત્વ અને સ્ત્રીત્વને અલગ રાખી પોતાની રીતે, પોતાની જિંદગી જીવતી થઇ છે એટલે જિંદગીનાં પાંચ – દસ વર્ષ પાછળ ધકેલાઇ જવાને બદલે સમયની સાથે તાલ – મિલાવીને ચાલે છે. માતૃત્વ એ એમના માટે કરિયર, શોખ કે હરવા – ફરવાનું ફુલ સ્ટોપ નથી માત્ર થોડા જ સમયનું અલ્પવિરામ છે.
જરા આજની મમ્મીઓને જુઓ… એકદમ કોન્ફિડન્ટ… ન ફીગર માટે કોઇ અફસોસ… નવમે મહિને બિંદાસ ડ્રોપ ટોપ પહેરીને ફોટો શૂટ કરાવે અને સોશ્યલ મીડિયામાં મૂકે…. ચાર માણસ બેઠા હોય તો સહજતાથી ઊંધી ફરીને ફીડીંગ કરાવી લે. ડાયપર પહેરાવીને કિડસ ટ્રોલીમાં બેસાડીને એ રેસ્ટોરાંથી લઇને પાર્ટીમાં મ્હાલી લે છે. રાત્રે બાળક જાગે તો જાત પર જુલમ કરીને સવારે વહેલી જાગીને ફરજની ગાડીમાં જોડાતી નથી. ચા-કોફી પીને ફરી સૂઇ જવામાં એ ગિલ્ટ નથી ફીલ કરતી. સાસુમાને ‘સોરી’ કહીને રસોઇની ડયુટી પ્રેમથી સોંપી શકે છે. એ પ્રેકટીકલ છે. એણે મહાન નથી બનવું અને નથી પોતાની જાતને કોઇ નુકસાન પહોંચાડવું. જે સમયે જે ઠીક લાગે એ કોઇ પણ જાતની ગુનાહિત લાગણી અનુભવ્યા વગર તે કરી શકે છે તેથી એ ખોટાં સમાધાનો નથી કરતી અને પોતાની જાત સાથે ખુશ રહેવા માટે જે કરવું પડે તે કરે છે.
એનો અર્થ એવો નથી કે આજની મમ્મીઓ સેલ્ફ સેન્ટર્ડ કે સેલ્ફિશ છે. એ બાળકને ભણાવે છે. ટયુશન લેવા – મૂકવા જશે. સ્કૂલના પ્રોજેકટ માટે મોડી રાત સુધી જાગશે, સ્પોર્ટસ માટે બાળકો સાથે દોડાદોડ કરશે. ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન માટે જાતે ડ્રેસ ડિઝાઇન કરશે. પેરન્ટસ મીટિંગમાં ભૂલ્યા વિના હાજરી આપશે. બાળકોને ગાર્ડન, જંપીંગ, ગેમઝોન કે એમ્યુઝમેન્ટ પાર્કમાં પણ લઇ જશે અને જોબ તથા ઘર પણ બેલેન્સ કરશે…. આટલું બધું કરવા છતાં એનાં સ્પા, પાર્લર સાથે કોઇ સમાધાન નહીં કરે, એ લઘરવઘર નહીં રહે, મોબાઇલનાં લાસ્ટ વર્ઝનથી અપડેટ રહેશે. કિટી પાર્ટી અને લેટ નાઇટ પાર્ટીઝ પણ એન્જોય કરશે. એ શોપીંગ કરશે. ઇચ્છશે તો નવી – નવી વાનગીઓ બનાવશે અને નહીં મૂડ હોય તો ઝોમેટો – સ્વીગી પર ઓર્ડર કરશે પણ ત્યારે એ બાળકોની હેલ્થનો વિચાર કરી દુ:ખી નહીં થાય. બે ઘોડા પર દોડવું હોય તો બંને બાજુ થોડું જતું કરવું પડે. ઇટસ લાઇફ… એ માટે દુ:ખી થવાની જરૂર નથી. આ વાસ્તવિકતા એણે સ્વીકારી છે.
બંને બાજુ બેલેન્સ કરવા જતાં વુમનહુડ અને મધરહુડ વચ્ચે એમના મનમાં સંઘર્ષ થાય જ છે પરંતુ કયારે પ્રેક્ટિકલ અને કયારે ઇમોશનલ બનવું એ કળા આજની સ્ત્રીઓને હસ્તગત છે. એ બાળકની એકઝામ વખતે કપાતા પગારે લીવ લઇ શકે છે તો ઓફિસનું કામ વધારે અગત્યનું હોય તો એ બીમાર બાળકને મૂકીને પણ જઇ શકે છે પણ એ ગીલ્ટ પોતાના પર હાવી નથી થવા દેતી. બીજું, એ બાળકને પોતાની સ્પેસ આપે છે અને પોતે પણ પોતાની સ્પેસ મેળવી લે છે. પોતે કમાય છે, મહેનત કરે છે, ઘર-બાળકો સાચવે છે પણ એ સિવાય પોતાની મનગમતી એક જિંદગી છે. ફ્રેન્ડઝ, પાર્ટી, ડાન્સ, ગેમ્સ એ બધા માટે સમય મેળવી લે છે. મે, બી કયાંક અતિરેક થતો હશે પરંતુ ૯૦% સ્ત્રીઓ પોતાની જિંદગી જીવવામાં બાળકો કે પરિવારને નીગ્લેક્ટ નથી કરતી.
તો શું આજની મમ્મીઓના ચાર હાથ છે? ના હાથ ચાર નથી પરંતુ જીવવાની, માણવાની, પામવાની અને જીતવાની ઝંખના ચાર ગણી છે. પહેલાંની મમ્મીઓ કરતાં આજની મમ્મીઓ પાસે પોતાના જીવનનું સ્પષ્ટ ધ્યેય છે, જિંદગીમાં સેક્રિફાઇસ કરતા ‘એન્જોયમેન્ટ’ એમના માટે મહત્ત્વનું છે. બીજું, તેઓ એજયુકેટેડ છે, ટેકસાવી છે, વ્હીકલ્સ ચલાવે છે, ઇન્ટરનેટ દ્વારા નોલેજનો દરિયો એમની પાસે છે, એમની પાસે કરવા જેવી અનેક પ્રવૃત્તિઓ છે, જોબ કરતી સ્ત્રીઓ આર્થિક રીતે સ્વતંત્ર છે, પતિ જેટલી જ નોલેજેબલ હોવાથી એ જાતે નિર્ણયો લઇ શકે છે. તેથી એ ઘર – બાળકની સાથે પોતાનું કામ અને પોતાના શોખ જાતે મેનેજ કરી શકે છે.
સ્કૂલ – કરિયર -સ્પોર્ટસ જેવી બાળકોની બાબતોમાં મમ્મીનું નોલેજ પપ્પાના નોલેજ કરતાં જરાય ઓછું નથી. તેથી એને કોઇ અટકાવતું નથી. સ્ત્રી તરીકે મુકાયેલો વિશ્વાસ માતાના વિશ્વાસને વધારે બુલંદ બનાવે છે. આજની મમ્મીઓ પાસે બે નહીં અનેક પાંખો છે જેમ કે સ્વતંત્રતા, આત્મનિર્ભરતા, આવડત અને હોંશિયારી તથા રૂઢિચુસ્તતામાંથી બહાર આવીને સપોર્ટીવ બનેલો પરિવાર…. મમ્મીઓનાં સપનાંઓ હવે સ્વીકાર્ય છે તેથી એ ઊડી શકે છે, દોડી શકે છે. પરિવાર ચલાવવાની જવાબદારી – બાળઉછેરની ફરજ હવે પિતાઓ પણ નિભાવે છે, તેથી મમ્મીને મોકળાશ મળે છે. મમ્મીઓનો હોંસલો અને સમાજની બદલાયેલી તાસીરે મધરહુડને વધુ પોઝેટિવ લાઇવ અને મીનીંગફુલ બનાવ્યું છે…. એક દબાયેલી માતા કરતાં એક આનંદિત માતા બાળકને જીવનનો મર્મ વધુ પોઝિટિવ રીતે શીખવી શકે. શું માનવું છે તમારું?
– સંપાદક