Business

પ્રિય સન્નારી

મેઘરાજાનાં અમીછાંટણાંથી આપનું તન-મન તરબતર થયું હશે…. વરસાદી માહોલ દરેક જીવંત વ્યકિતનાં હૃદયમાં લાગણીની, યાદોની અને પ્રેમની ભીનાશનું ઝરણું વહેતું કરે છે. વરસાદ ખોવાઇ ગયેલા બાળપણને અને સ્ટ્રેસમાં થીજી ગયેલા અંદરના યૌવનને જીવંત કરે છે. કોરોનામાં અસ્તવ્યસ્ત થયેલાં જીવનને આ મોસમ નવો સ્પર્શ આપે એવી શુભેચ્છાઓ…. સન્નારીઓ, ચાતુર્માસના શુભારંભ સાથે આવતા સપ્તાહથી વિવિધ વ્રત – તપ અને જપનો આરંભ થશે. એમાં એક વ્રત છે અલૂણાં અને જયાપાર્વતી… જે માત્ર ને માત્ર સ્ત્રીઓ માટે છે. આમેય ભારતીય ધર્મોની ધૂરા ભલે પુરુષોના હાથમાં રહી છે પરંતુ એનો અમલ કરવાનું કામ બહુધા સ્ત્રીઓ જ કરે છે. પરંતુ આજની શિક્ષિત – સ્વતંત્રતા અને સમાનતા પ્રેમી સ્ત્રીઓનાં મનમાં એક સહજ પ્રશ્ન જરૂર જન્મે છે કે સ્ત્રીઓએ જ શા માટે આવાં વ્રત કરવા જોઇએ? જયાં વિષય શ્રધ્ધાનો હોય ત્યાં તર્ક નથી કામ આવતા. કદાચ, આ પરંપરા પાછળનું કારણ ધાર્મિક ઓછું અને સાયકોલોજીકલ વધારે હશે…. પહેલું તો એ કે પુરુષ  ઘરનો મોભી હતો.

એ બ્રેડવીનર હોવાથી એનાં સ્વાસ્થ્ય અને લાંબી ઉંમરનું મહત્ત્વ વધારે હોવાનું. વળી, વિદેશ વેપાર, યુદ્ધ વગેરેને કારણે પુરુષોની સલામતીનું જોખમ સ્ત્રીઓની સરખામણીએ વધારે રહેતું… અને સંકલ્પ અને શ્રદ્ધાનાં બળે થતી પ્રાર્થના કે વ્રતનું ફળ મળે છે એવું માયથોલોજી અને સાયકોલોજી બંને કહે છે અને ચાર્તુમાસમાં એ સમયે બીજી પ્રવૃત્તિઓ ઓછી રહેતી અને ઉપવાસ વગેરે કરવાથી વર્ષાઋતુમાં સ્વાસ્થ્ય સારું રહે. તેથી આ સમયે પ્રાર્થના, સંકલ્પ – શ્રધ્ધા, ઉપવાસ વગેરેનાં સમન્વય સાથે આવાં વ્રતની શરૂઆત થઇ હશે… કદાચ ઉપવાસમાં ફૂ્ટસ, ડ્રાયફૂટ્સ જ ખવાતાં હોવાથી છોકરીઓને વ્રત  દરમ્યાન પૌિષ્ટક આહાર મળે એવું લોજીક પણ હોઇ શકે.

ભગવાન એ સર્વશકિતમાન હોવાથી એની પૂજા – અર્ચના દ્વારા સ્ત્રીઓ પતિના દીઘાર્યુની ઝંખના કરતી… એમાં પુરુષને મહાન ગણવાના અને સ્ત્રીઓને ઊતરતી ગણવાના કોઇ લોજીક ન હોય શકે. સ્ત્રીઓ માટે એ સ્પેશ્યલ રિફ્રેશમેન્ટ જેવું પણ હતું. જે લોકોએ આવાં વ્રત કર્યાં છે એમને ખબર છે કે આ દિવસોમાં સજવા – સંવરવાનો સ્ત્રીઓનો શોખ પૂરો થતો. ઘરનાં કામોમાંથી થોડી મુકિત મળતી. મહોલ્લાની સરખી સહિયરો ભેગી થતી. પૂજાની સાથે મજાક-મશ્કરી કરતી. પાંચ – સાત વર્ષે વ્રત પૂર્ણ થાય ત્યારે એની ઉજવણી થતી. સ્ત્રીઓ માટે એમના અસ્તિત્વના સેલિબ્રેશનની  આ એક તક મળતી જેને સ્ત્રીઓ મન ભરીને માણતી કારણ કે આજથી વીસ – પચ્ચીસ વર્ષ પહેલાં ગામડાંઓ કે નાનાં શહેરોમાં સ્ત્રીઓ માટે પાર્ટી વગેરેનો માહોલ ન્હોતો. વાસ્તવમાં વ્રતને બહાને એ મનભરીને જીવતી પરંતુ સમયાંતરે નાની દીકરીઓ પર શિક્ષણનો બોજ વધ્યો. સ્ત્રીઓ નોકરી કરતી થઇ અને એમની જવાબદારી પણ વધી.

થોડી ફેમિનિઝમની હવા ફૂંકાઇ અને રેશનાલિઝમ પણ એમાં ભળ્યું એટલે હવે આ વ્રતનો ક્રેઝ ઘટયો. પતિ પત્ની માટે આવાં કોઇ વ્રત નથી કરતા તો પત્નીઓએ શા માટે કરવા જોઇએ? સવાલ ખોટો તો નથી જ. પહેલાં પતિ પરમેશ્વર ગણાતા. હવે મિત્ર છે. જીવનમાં બંનેનો સંઘર્ષ સમાન બની રહ્યો છે. જેન્ડર ગેપ ઘટયો છે. તો શુભેચ્છાઓ અને પ્રાર્થનાની જરૂર પત્નીને પણ પડે જ અને પતિ પત્ની માટે આવાં વ્રત કરે તો પત્નીને પણ સારું લાગે જ…. હમણાં એક ટી.વી. સીરિયલમાં ઘરના બધા પુરુષોને વડસાવિત્રીનું વ્રત કરતા બતાવ્યા હતા. પત્ની માટે કશું કરવામાં પતિનો ઇગો વચ્ચે નહીં આવવો જોઇએ. બલકે આનંદ થવો જોઇએ… જો કે લોકોની આવા વ્રત-જપ  પરથી શ્રધ્ધા જ ઊઠી રહી છે અને સ્ત્રીઓ પણ આ બધાંથી દૂર થઇ રહી છે ત્યારે પુરુષો આ બધાંમાં જોડાય એ કહેવું વધારે પડતું છે. સન્નારીઓ, ધર્મ સાથે જોડાયેલી ક્રિયા કરવી કે ન કરવી એ સહુની અંગત માન્યતા છે પણ પતિ-પત્ની એમના જીવનમાં એક-બીજાનું ખરાબ ન ઇચ્છે, અને એકબીજાનાં સુખદુ:ખમાં સતત સાથે રહે એ જ વ્રત છે. શું માનવું છે  તમારું?                                                       – સંપાદક

Most Popular

To Top