‘કેમ છો?’
‘હેપ્પી ઈન્ડીપેન્ડન્સ ડે’, હેપ્પી પતેતી
એન્ડ હેપ્પી જન્માષ્ટમી.
સ્વતંત્ર ભારતમાં રહેતા આપણને કોઇ પૂછે કે તમારી લાઈફમાં તમારા દેશનું મહત્ત્વ શું? ચોવીસ કલાકમાં 1 મિનિટ પણ આપણે દેશહિત માટે કશું વિચારીએ છીએ ખરા? જવાબ આપવા માટે માથું ખંજવાળવું પડે… ખરું ને? આઝાદી મેળવવા માટેની પીડા, લોકોનો સંઘર્ષ અને કુરબાની જેમણે જોઇ હતી એવા લોકો દેશમાં જૂજ છે તેથી બાકીનાં લોકો માટે આઝાદીની કિંમત ઓછી છે.
બાળકમાં ધાર્મિક – સામાજિક સંસ્કારનું સિંચન કરવાનો પ્રયાસ થાય પરંતુ નાગરિક ધર્મના, રાષ્ટ્રપ્રેમના કે દેશહિત માટેના સંસ્કારોનું કેટલા ટકા સિંચન કરે છે? બાળકોની વાત જવા દો. કેટલા વડીલો મનોમન સારા નાગરિક બનવા માટે સંઘર્ષ કરે છે? આ પ્રશ્નનો જવાબ પણ નિરાશાજનક જ મળશે. વ્યક્તિ તરીકેના હિતનું વર્તુળ એટલું મોટું છે કે રાષ્ટ્રહિત, રાષ્ટ્રપ્રેમ બિંદુ બનીને અટકી જાય છે. હા, આપણે ભાવનામાં વહેનારા લોકો છીએ એટલે દેશપ્રેમની ફિલ્મો જોઈને છાતી ફુલાવીએ કે આંસુ સારીએ. આ વર્ષે તિરંગો લહેરાવીને સૂતેલાં રાષ્ટ્રપ્રેમને ભાવનાની પીંછીથી થોડો જગાડીશું અને થોડા સમય મેરા ભારત મહાનનો ઊભરો આવશે. આ દેશ માટે કંઇ કરવાનો રોડમેપ આપણી પાસે છે ખરો?
રાષ્ટ્રવાદને દેશભક્તિ સાથે જોડવાથી કે મફતમાં વીજળી-પાણી મળી જવાથી આ દેશની સમસ્યાઓ હલ થઇ જશે? ભ્રષ્ટાચાર, કોમવાદ, સાંપ્રદાયિકતા, નગ્ન રાજકીય નાચ, બેરોજગારી, અસહિષ્ણુતા અને લાલચુ-નફફટ લોકો દ્વારા દેશનું જે ચીરહરણ થઇ રહ્યું છે એની સામે લડનાર છે કોઇ? આપણું યુવાધન કયાંક રાજકારણનો હાથો બન્યું છે તો કયાંક પોતાનો કીંમતી સમય ‘રીલ્સ’ દ્વારા મનોરંજન ઊભું કરવામાં વ્યસ્ત છે. કોની પાસે આશા રાખીશું? આપણે ત્યાં કહેવત છે કે આભ ફાટયું હોય ત્યારે થીંગડાં કયાં દેવાં? આજે આપણી આવી જ હાલત નથી?
આપણે સહુ પોત-પોતાના સુખના બગીચામાં મહાલીએ છીએ. જયાં સુધી કોઇ ઘટનાની, નિર્ણયની, અવળચંડાઈની કે બદમાશીની આપણા પર સીધી અસર ન પડે એટલે કે પગ તળે રેલો ન આવે ત્યાં સુધી પેટનું પાણી હાલતું નથી. આ દેશની સમસ્યાનું મૂળ દુર્જનોની સક્રિયતા નહીં સજ્જનોની નિષ્ક્રિયતા છે. આપણે બીજું કંઇ નહીં તો નાગરિક ધર્મ તો બજાવી શકીએ ને? વૃક્ષો ઉગાડીએ, ટેક્સ ભરીએ, ટ્રાફિકના નિયમોનું પાલન કરીએ, કામચેરીથી બચીએ, પોતાનું જે શ્રેષ્ઠ છે તે દરેક સ્તરે આપવાનો પ્રયત્ન કરીએ, અનાજનો બગાડ અટકાવીએ, બે-ચાર બાળકોને ભણવામાં મદદ કરીએ, ભ્રષ્ટાચારથી દૂર રહીએ. લોકોમાં પોતાના હક્ક-અધિકાર માટે જાગૃતિ લાવીએ, અન્યાયનો, શોષણનો અને ખોટા આર્થિક -રાજકીય કાવા-દાવાનો વિરોધ કરીએ. સગવડોની કેદમાં પુરાઈ રહેવાને બદલે સાહસ અને સંઘર્ષની સફરમાં જોડાઈએ, વિજ્ઞાન અને ટેકનોલોજીનાં સંશોધનને પ્રોત્સાહન આપીએ, ઉદ્યોગધંધા દ્વારા રોજગારીનું સર્જન કરીએ. આપણી અંદરની અકર્મણ્યતાને ખંખેરીને કર્મની દિશામાં ગતિશીલ બનીએ. એકાદ એવું બીજ રોપીએ કે જે વિકાસ પામીને વટવૃક્ષ બને અને દેશની દશા અને દિશા બદલવામાં નાની તો નાની સહાય કરે.
કર્મની વાત કરીએ ત્યારે કૃષ્ણ યાદ ન આવે તો કેમ ચાલે?
કૃષ્ણ એ કર્મનું પ્રતીક છે. એમણે બંસી વગાડવામાં પણ પોતાનું 100% આપ્યું અને સુદર્શનચક્ર ચલાવવામાં પણ. દર વર્ષે જન્માષ્ટમીએ કૃષ્ણને નામે કરોડોનો જુગાર રમનારા, ખુદને કૃષ્ણભકત કહેનારા અને કાનાજીની ઈચ્છા કહીને જંગથી ભાગનારા આપણે ખરેખર કૃષ્ણને ચાહીએ છીએ ખરા? કૃષ્ણે જીવનમાં પ્રેમ અને યુદ્ધ બંનેને સરખું મહત્ત્વ આપ્યું. દ્રૌપદી સાથેની મૈત્રી નિભાવી અને અર્જુનને ખરે સમયે ફરજનું ભાન કરાવી ગીતા પણ આપી… જયારે જે જરૂરી હતું તે કર્મ કર્યું. ન પરિણામથી ભાગ્યા કે ન સંબંધોની શેહમાં આવ્યા.
સતત પ્રેમની ઊર્જા ફેલાવતા રહ્યા છતાં નિષ્પૃહી રહ્યા. બેશક, આપણે કૃષ્ણ નથી. કૃષ્ણના પેંગડામાં પગ નાખવાની આપણી કોઇ હેસિયત નથી પણ જેના નામની માળા આખો દિવસ જપીએ છીએ એ કૃષ્ણે આપેલા જીવનસંદેશનો અંશભાર તો જીવનમાં ઉતારીએ ને? મે, બી આપણે નિ:સ્વાર્થી નથી પરંતુ આપણા હક-અધિકાર માટે, અન્યાય અને શોષણ માટે તો લડતા શીખીએ. આપણા જીવનને એક દિશા મળે એ માટે તો કર્મ કરીએ. જે પણ કરીએ એમાં 100% આપીએ, પ્રેમમાં વફાદાર રહીએ. સંબંધોમાં કર્તવ્યશીલ બનીએ અને જીવનના જંગમાં ભાગ્યા વિના પરિણામ ન મળે ત્યાં સુધી લડત આપતા રહીએ. આપણા માટે એ જ જન્માષ્ટમીની સાચી ઉજવણી છે. યોગી નહીં તો કર્મવીર બનીએ અને આપણા અસ્તિત્વને સાર્થક કરીએ. ફરી,
હેપ્પી જન્માષ્ટમી ઇન્ડીપેન્ડન્સ ડે.
પતેતી મુબારક
– સંપાદક