કેમ છો? લગ્નની સિઝન પૂરજોશમાં ખીલી છે. તમે એક જ દિવસે બે-ત્રણ લગ્નમાં હાજરી આપતા હો તો પણ નવાઇ નહીં. લગ્ન એટલે ભારતીય સંસ્કૃતિને ખાસ બનાવતી વ્યવસ્થા. આજના મોડર્ન સમયમાં જયારે લીવ-ઇન સંબંધો જે રીતે વધી રહ્યા છે ત્યારે જતે દિવસે લગ્નમાં જવાનું પણ લ્હાવો જ ગણાશે તો નવાઇ નહીં. મારાં દાદી હંમેશાં કહેતાં ‘છોકરીનું રૂપ જોવાય ને છોકરાનાં ગુણ જોવાય.’ બદલાતા સમય સાથે લગ્નનાં ધારાધોરણો પણ બદલાતાં ગયાં. દરેક સ્ત્રીને સંપૂર્ણ પુરુષ અને પુરુષને સંપૂર્ણ સ્ત્રી જોઇએ છે. હવે સ્ત્રી-પુરુષના કોઇ અલગ ધારાધોરણ રહ્યાં જ નથી.
સ્માર્ટનેસ, રમૂજવૃત્તિ, સારું ભણતર ધરાવતા, જીવનને જીવતા આવડે એવા પાર્ટનરની શોધ થઇ રહી છે. હા, પણ સ્ત્રીઓ માટે એ તો એટલું જ સાચું રહ્યું છે કે ‘વહુ મોડર્ન પણ હોવી જોઇએ, કમાતી પણ હોવી જોઇએ અને ઘર અને વડીલોની સારસંભાળ લઇ શકે એવી ઘરરખ્ખુ પણ હોવી જોઇએ.’ તો સામા પક્ષે આજના સમયમાં દીકરી પણ આશા રાખતી થઇ છે. પોતાનો પતિ જમાઇ તરીકે ‘જમ’ જેવો ન બની દીકરો જ બનીને રહે. આશા-અપેક્ષાઓ તો બંને જ પક્ષે રહેવાની અને એ પૂરી રીતે નિભાવવાની જવાબદારી લેવી એટલે જ ‘સપ્તપદીના સાત ફેરા.’ આપણે લોકોને આજકાલ કહેતાં સાંભળીએ છીએ, ‘સાત જન્મ?’ ‘આ જન્મ તો નીકળે તો બહુ, આપણો તો આ જ જન્મ છેલ્લો સાથનો.’ આ તો રમૂજ થઇ પરંતુ હકીકતમાં પણ આવું બનતું હોય છે.
અઢળક ખર્ચા સાથે વાજતેગાજતે, ઢોલ-નગારા સાથે, વિધિવિધાન સાથે, ખૂબ જ ઉત્સાહ અને જોશથી લગ્નો તો થાય છે પણ વિચારવાનું ત્યાં આવે છે કે આ જ જોશ, ઉમંગ, સાથ નિભાવવાના વચન કયાંક તો તરત તૂટી જાય છે અથવા થોડાં જ વર્ષોમાં ફિક્કા પડતા જાય છે. આવું કેમ થતું હશે? લગ્નમાં ફેરા ફરતી વખતે લેવામાં આવેલા સાત નિયમોનું પાલન થાય છે ખરું? આમ તો કોઇ સંબંધ નિયમો પર ટકેલો ન જ હોવો જોઇએ પણ આપણે બધા કશેક ને કશે નિયમો સાથે જોડાઇએ જ છીએ.
એક દીકરી પોતાનું ઘર, માતા-પિતા, ભાઇ-બહેન, બાળપણ બધું છોડીને એક નવા ઘરે આવે છે. એક સાથે અનેક નવા સંબંધો અચાનક જ જન્મ લઇ લે છે. નવા વાતાવરણમાં નવાં લોકો સાથે ‘એડજસ્ટ’ થવું ઘણું જ અઘરું છે પણ જો આ સમયે સાસુ-સસરા, દિયર, જેઠ, જેઠાણી અને સૌથી મહત્ત્વનો પતિ જો સાચવી લે, થોડું સમજાવટથી, લાગણીથી, પ્રેમથી આ દીકરીને નવા ઘરમાં એડજસ્ટ થવામાં સાથ આપે તો આ અઘરું જણાતું કામ, સહજતાથી થઇ જાય છે.
દીકરી એક સમજણ સાથે જ આવે છે કે હવે આ ઘર જ તેનું છે. ફરજો પૂરી કરવી, માન આપવું, ઘરના વડીલોને સાચવવા તેની નૈતિક જવાબદારી છે અને પોતાના સંસ્કારોમાંથી તે ઊણી ઉતરવા નથી ઇચછતી. હોંશભેર અને ઉત્સાહપૂર્વક તે બધાને વહાલી થવાની ઇચ્છા રાખે છે અને તે માટે હંમેશાં પ્રયત્નશીલ રહે છે. જો કે આ સમયમાં એ પણ એટલી જ વાસ્તવિકતા છે કે બીજી બાજુ, દીકરીઓ આજે એવા ‘માઇન્ડસેટ’ સાથે આવે છે કે ‘મને મારું ફ્રીડમ જોઇએ’. મારા નિયમોમાં હું કોઇ બાંધછોડ નહીં કરું. મારી મરજીથી જીવીશ. સાસુ-સસરા સાથે રહેવાથી જે બાંધછોડ કરવી પડે એની મારી તૈયારી નથી. હું ભલી ને મારો પતિ અને મારું બાળક. તો મોડર્ન સાસુઓ પણ આજે બંધાવા નથી ઇચ્છતી. અમે આખું જીવન કામ કર્યું, ઢસરડા કર્યા, હવે તો શાંતિથી, મરજીથી જીવીએ. વહુ નોકરી કરતી હોય તો એનાં બાળકોની જવાબદારી, એમનું શિડયુલ, એમના પ્રમાણે એડજસ્ટ થવું પડે. એ કરવાની સાસુઓની પણ તૈયારી નથી.
સાથે રહેવું કે ન રહેવું અગત્યનું નથી. સમય, સંજોગો સાથે દરેક વ્યકિત બદલાય જ છે. જરૂરી છે સમજણપૂર્વકના લાગણીભર્યા સંબંધો. તેને સૌથી વધારે જરૂર પોતાના પતિના સાથની હોય છે. આ એક જ વ્યકિત છે જેને તે બીજા બધા કરતાં વધુ સારી રીતે ઓળખે છે, જેના પર ભરોસો છે, જેની સાથે આગળ વધવા ઉત્સાહી છે, જેની સાથેનો સંબંધ રોમાંચ અને રોમાન્સથી ભરપૂર છે. આવા સમયે જો પતિ થોડી વધુ કાળજી રાખી, થોડો વધારે સમય પત્નીને સમજવામાં આપી શકે તો કદાચ ખૂબ સારા અને સૌહાર્દભર્યા કૌટુંબિક સંબંધોનું નિર્માણ થઇ શકે.
બીજી બાજુ પત્નીએ એ પણ સમજ દાખવવી રહી કે તેનો પતિ ‘સાસુમાનો વહાલો દીકરો છે.’ આટલાં વર્ષોથી તેઓ જ પુત્રની બધી ઇચ્છાઓ પૂરી કરી રહ્યાં છે, પુત્રને સમજી, સમજાવી રહ્યાં છે, લાડ લડાવી રહ્યાં છે. હવે આ નવું આગમન આનંદ સાથે થોડી ઇર્ષ્યાવૃત્તિ પણ જન્માવે છે. પોતાનો અધિકાર ઓછો થઇ જવાની અજાણી બીક પણ હોય છે. જો નાની નાની થોડી વાતોને નજરઅંદાજ કરવામાં આવે, સાસુને વહુ કરતાં વધારે તમારામાં ‘દીકરી’ દેખાશે તો જતે દિવસે આ સંબંધ કદાચ ‘મા-દીકરા’ના સંબંધ કરતાં પણ વધુ મજબૂત બની જતા કિસ્સા જોવા મળશે.
આ તો થઇ ઘરના વડીલો સાથે એડજસ્ટ થવાની વાત. પણ ખરું એડજસ્ટમેન્ટ અને અન્ડરસ્ટેન્ડિંગ તો પતિ-પત્ની વચ્ચે હોવું જોઇએ. પતિ-પત્ની વચ્ચે આ સંબંધ કરતાં પણ વધુ મજબૂત સંબંધ ‘મિત્રતા’નો હોવો જોઇએ. મિત્રો જેમ મસ્તી કરી શકે, લડી શકે, મનાવી શકે, વિચાર્યા વગર પોતાના મનની બધી વાત કહી શકે એવું જ પતિ-પત્નીના સંબંધમાં પણ હોવું જોઇએ. પતિ-પત્નીમાં પ્રેમ હોવો જરૂરી છે પણ પઝેસીવનેસ ‘માલિકીપણાની ભાવના’ આ સંબંધનું નબળું પાસું બની જાય છે. બંને પાર્ટનર જો એકબીજાને સ્વતંત્રતા આપે, એકબીજા પર અતૂટ વિશ્વાસ રાખે અને જયારે જરૂર પડયે ખુલ્લા મને ચર્ચા કરીને પ્રશ્નોનું નિરાકરણ લાવી શકે તો આ સંબંધ જીવનનો અમૂલ્ય સંબંધ બની રહેશે.
-સંપાદક