Business

પ્રિય સન્નારી

કેમ છો? દિવાળીની તૈયારી કેવી ચાલે છે? ગયા વર્ષની દિવાળીનું સાટું વાળવા આ વખતે ડબલ ખર્ચા ન કરતાં. બજેટમાં જ દિવાળીનું શોપીંગ અને સેલિબ્રેશન કરવા માટે આગ્રહભરી વિનંતી. સન્નારીઓ, આજે આંતરરાષ્ટ્રીય ‘ફૂડ ડે’ છે. ભોજન યાને રોટી માનવીની પ્રથમ જરૂરિયાત છે અને આ દુનિયામાં રોજ રાત્રે ખાધા વિના ભૂખ્યાં સૂનારા 811 લાખ લોકો છે. જેમાં 14 મિલિયન તો માત્ર પાંચ વર્ષથી નાનાં બાળકો છે અને આ ભૂખમરો ગરીબી, અતિવૃષ્ટિ, દુકાળ, યુદ્ધ અને ધરતીકંપ જેવી આપત્તિને કારણે પણ છે. ભૂખ્યાને ભોજન એ આપણે ત્યાં ધર્મ કહેવાયો છે પરંતુ દુ:ખની વાત એ છે કે આજે મોટાભાગનાં લોકોનો ધર્મ મંદિરના ભગવાન સાથે નિસબત ધરાવે છે જયારે આ પૃથ્વી પર એક માણસ ભૂખ્યું સૂએે છે ત્યારે એનાં નિસાસા અને પીડાની અસર આખા બ્રહ્માંડ પર થાય છે. એનાં પીડાગ્રસ્ત વાઇબ્રેશન દુનિયામાં પીડાના અણુઓ ઉમેરે છે.

આટલી નવી શોધો, બેમર્યાદ સગવડો, સુખની રેલમછેલ અને ધાર્મિક પ્રવૃત્તિઓ વચ્ચે પણ આપણે અશાંતિની આગમાં બળીએ છીએ કારણ કે ભૂખ્યાને ભોજન મળે એ માટેની પ્રવૃત્તિ આપણે કરતાં નથી… લોકોને મફત ભોજન આપવાની જરૂર નથી પરંતુ તેઓને ભોજન પ્રાપ્ત થાય એટલું કમાઇ લે એવી વ્યવસ્થા ઊભી કરવી જરૂરી છે. આ વાંચીને મનમાં પ્રશ્ન થાય કે આ બધું કરવાનું આપણું શું ગજું? માંડ ખુદના બે છેડા ભેગા કરીએ છીએ ત્યાં બીજાની પળોજણ કયાંથી કરવી? એકઝેટલી…. પણ દરેક વ્યકિત પોતાના સ્તરે પોતાની આજુબાજુની વ્યકિતને કોઇ ને કોઇ રીતે હેલ્પ કરી શકે. તમારા ઘરમાં બચતી વસ્તુઓનું ફૂડપેકેટ બનાવીને ફૂટપાથ પરની કોઇ એક વ્યકિતનું પેટ તો ભરી જ શકે. ખુશીના પ્રસંગે એકાદ વ્યકિતને ભરપેટ જમાડી તમારી ખુશી બેવડાવી શકો. પેલું ગીત યાદ છે ને?’ ‘ચાંદ મિલતા નહીં સબકો સંસારમેં’, હે દિયા ભી બહોત રોશની કે લિયે…’ સન્નારીઓ, જીવનની સાર્થકતા બીજાને મુશ્કેલીમાં મદદ કરવાની છે. એ વાત સાચી… પરંતુ ઘર બાળીને તીરથ ન કરાય.

અને ખુદ સતત સમસ્યામાં રહી અન્યને મદદ કરતાં રહીએ તો લાંબાગાળે મુશ્કેલીઓ વધી શકે. આપણી આજુબાજુ ઘણાં એવા લોકો જોવા મળશે કે જેઓ પોતાના પ્રશ્નો ઉકેલતા નથી, પોતે ખુશ કે આનંદિત રહેવાના પ્રયત્નો કરતા નથી અને બીજાના પ્રશ્નોના ઉકેલ શોધવા મંડી પડે છે. વાસ્તવમાં જેઓ સ્વસ્થ, આનંદિત અને ઓછી મુશ્કેલીવાળું જીવન જીવે છે એમનો હોંસલો પરોપકાર કે સપોર્ટ માટે વધારે વાજબી હોવાનો… અગર આ વાત તમને ન સમજાઈ હોય તો એક ઉદાહરણ લઈએ… આઈસ્ક્રીમ એ સ્વાદિષ્ટ ડેઝર્ટ છે પરંતુ આઈસ્ક્રીમ પાછળનો સિધ્ધાંત બહુ સુંદર છે. જીવન સમાપ્ત થઈ જાય તે પહેલાં તેનો આસ્વાદ માણી લો. તમારી જિંદગીની દરેક ક્ષણને મોજથી જીવી લો. આઈસ્ક્રીમની સામે મીણબત્તી છે એનો સિધ્ધાંત છે ઓગળી જવા પહેલાં બીજાને રોશની આપો.

મીણબત્તી અને આઈસ્ક્રીમ બંને ઓગળે છે પરંતુ તેમનાં ખતમ થવાનાં કારણો અલગ છે. મીણબત્તીનો હેતુ પ્રકાશ આપવાનો છે. આ મીણબત્તીની નિ:સ્વાર્થપણાની પ્રકૃતિ છે પરંતુ આપણી વાસ્તવિકતા એ છે કે ન તો આપણને સંપૂર્ણ નિ:સ્વાર્થી બનવું ગમે છે અને ન સંપૂર્ણ સ્વાર્થી. આનંદિત અને અર્થપૂર્ણ જિંદગી જીવવા માટે વચ્ચેનો રસ્તો શોધવાનો છે. આપણે પ્લેનમાં જઈએ અને ઓક્સિજનનો પુરવઠો ઓછો થાય તો ઓક્સિજન માસ્ક આપણે બરાબર બાંધવો પડે. બાજુમાં બેઠેલા બાળક કે વૃધ્ધને બાંધતા ન આવડતો હોય તો પણ પહેલાં તમે બાંધશો પછી એમને હેલ્પ કરશો કારણ કે તમે સલામત હશો તો જ બીજાને હેલ્પ કરી શકશો. પહેલાં પોતાના માટે વિચારવું હંમેશાં સ્વાર્થી નથી હોતું. આપણી પાસે સંપત્તિ હોય તો જ બીજાને આપી શકીએ, આપણી પાસે આશા હોય તો બીજાની જિંદગીમાં આશાનાં બીજ વાવી શકીએ. જો આપણી લાઈફમાં ગરબડ હશે તો સહાનુભૂતિથી પીડાશું. બીજાની ચિંતા ન કરનાર જો પોતાની ચિંતા ન કરે તો વિનાશક વર્તન તરફ વળી જાય છે. આપણી જિંદગી આઈસ્ક્રીમથી મીણબત્તી વચ્ચેની યાત્રા છે- સ્વાર્થી છતાં નિ:સ્વાર્થી. ચાલો, આ યાત્રા તરફ કદમ માંડવાનો પ્રયાસ કરીએ.
– સંપાદક

Most Popular

To Top