કેમ છો?
મજામાં ને?
ગરમીમાં આપનો મૂડ કેવો છે? વેકેશનની શરૂઆત કેવી રહી? ઘઉં, મરી-મસાલાની સીઝન આવી ગઇ છે પરંતુ એનો ભાવવધારો આસમાને છે. મધ્યમ વર્ગને સ્વાભાવિક ચિંતા થાય પણ આ એવી વસ્તુઓ છે કે જેના વિના ચાલવાનું નથી એટલે મેનેજ કર્યા વિના છૂટકો નથી. ખરું ને? સન્નારીઓ, એક સમય હતો કે આ સીઝનમાં બધી સ્ત્રીઓ બિઝી થઇ જતી. વેકેશન અને ઉપરથી મસાલાની માથાકૂટ! મરચાં જાતે ડીચીને દળાવવા જનાર સ્ત્રીઓ પણ અનેક હતી. હવે ઠેર ઠેર મસાલાના સ્ટોલ જોવા મળે છે. ચીવટવાળી સ્ત્રીઓ ત્યાં ઊભા રહીને મસાલા દળાવે છે. બાકીની તૈયાર લાવીને બરણીમાં ઠાલવી દે… આજે સ્ત્રીઓ માટે ન તો આ બધા માટે સમય છે કે ન તો આવડત… અને આ બધી બાબતે ખાસ વરણાગી પણ નથી.
જો કે, એક વર્ગ સ્ત્રીઓનો એવો છે કે તેઓ સીઝન ભરવામાં માનતી નથી. દર મહિને જોઇતી વસ્તુ લઇ આવવાની. આજે થોડા પૈસા વધારે ખર્ચો એટલે બધું જ ચોખ્ખું મળી જાય એવી એમની દલીલ… વળી, સાચવવાની માથાકૂટમાંથી મુકિત… એમની દલીલ ઘણે અંશે સાચી છે પરંતુ સીઝનમાં વસ્તુના ભાવ ઓછા હોય, એટલું જ નહીં દર મહિને યાદ રાખીને લાવવાની મગજમારીથી છુટ્ટી મળે.. અચાનક પ્રસંગ આવે તો મેનેજ થઇ જાય. આર્થિક મુશ્કેલી આવે તો પણ દાળ-ભાત, રોટલી તો મળી જ રહે અને ખાસ કોરોના જેવી મહામારી આવે તો કાલે શું મળશે? એવી ચિંતાથી મુકિત મળે. એક સિક્કાની બે બાજુ જેવો આ ઘાટ છે. છેલ્લે તો પસંદ અપની અપની… બરાબર ને?
સન્નારીઓ ગઈ કાલે અર્થ ડે હતો. અર્થ એટલે પૃથ્વી… ધરતી માતા… પંચતત્ત્વમાંનું એક તત્ત્વ… જે આપણને જીવન આપે છે. બદલામાં આપણે એને શું આપ્યું? એને માત્ર રકતરંજિત નથી બનાવી ઉજ્જડ પણ બનાવી છે. જંગલો કપાઇ રહ્યાં છે. પ્રદૂષણને કારણે પહાડો પીગળે છે. પીવાલાયક પાણીની ટકાવારી ઘટી છે. હવા ઝેરીલી બની છે. સિમેન્ટ કોંક્રિટનાં જંગલો ઊભાં કરીને એની ભીનાશ તથા લીલાશ બંને ખતમ કરી રહ્યાં છીએ. પૃથ્વી છે તો આપણે છીએ. પરંતુ ભૌતિક સુખસગવડની લાલચથી આપણે ખનીજ સંપત્તિથી લઇને પૃથ્વીનાં પોષક તત્ત્વોને પાયમાલ કરી રહ્યાં છીએ. ધરતી પર વ્યાપ્ત પોલ્યુશનથી દુનિયામાં 100 મિલિયન લોકો પ્રભાવિત થાય છે. 1 બિલિયન લોકોને પીવાનું ચોખ્ખું પાણી નથી મળતું અને દરરોજ ખરાબ પાણીને કારણે દુનિયામાં 5000 લોકો મરે છે.
દરિયામાં દર વર્ષે 44 બિલિયન પાઉન્ડ પ્લાસ્ટિક યુકત કચરો નંખાય છે. જેમાંથી દર વર્ષે 1 મિલિયન દરિયાઇ પક્ષી અને 100 મિલિયન સસ્તન પ્રાણીઓ મરે છે. એર પોલ્યુશનને કારણે ફેફસાના કેન્સરનું પ્રમાણ 20% વધ્યું છે. 5 વર્ષની અંદરના 3 મિલિયન બાળકો પ્રદૂષણ સંબંધિત રોગોને કારણે મરે છે. જમીનનાં પાણીમાં પ્રદૂષણને કારણે 73 પ્રકારનાં પેસ્ટીસાઇડસ જોવા મળે છે. જેનો ઉપયોગ પીવાનાં પાણી તરીકે થાય છે… આ છે આપણી જીવનદાતા માતા પૃથ્વીની હાલત… પૃથ્વી માટે ઇમોશનલી વિચારવાની સંવેદના તો ખતમ થઇ ચૂકી છે પણ રેશનલી તો વિચારીએ ને? એક કાર દિવસમાં અડધો ટન કાર્બન ડાયોકસાઇડ છોડે છે… અને આ દુનિયામાં કારની સંખ્યા 500 મિલિયન છે. આ ઉપરાંત ન્યૂકિલયર વેસ્ટ જે સૌથી ટોક્સિક ગણાય છે એનું પ્રમાણ વધી રહ્યું છે.
આવનારાં થોડાં જ વર્ષોમાં આ પૃથ્વી રહેવા માટે પ્રતિકૂળ બનશે. આપણા હાથનાં કર્યાં હૈયે વાગશે.
સન્નારીઓ, આપણને આ બધું જાણીને દુ:ખ તો થાય પણ એમાં એક સીંગલ વ્યકિત તરીકે આપણે શું કરી શકીએ એ સવાલ આપણને મૂંઝવે છે. એકચ્યુઅલી આપણે વ્યકિતગત સ્તરે કેટલાક નિર્ણયો લઇ શકીએ જેમ કે પ્લાસ્ટિકની વસ્તુઓનો (સીંગલ યુઝ) ઉપયોગ ટાળીએ. પાણી બચાવીએ. પેસ્ટીસાઇડનો ઓછામાં ઓછો ઉપયોગ કરીએ, વૃક્ષો કાપવાને બદલે ઉગાડીએ, ઓછું પ્રદૂષણ ફેલાવે એવાં વાહનોનો ઉપયોગ કરીએ. અંતે જીવસૃષ્ટિની નેચરલ રીધમમાં ખલેલ ન પાડીએ. પર્યટન સ્થળો પર જઇને ગંદકી ન ફેલાવીએ. બીજું, આવનારી નવી પેઢી કે જેના જીવનની પાટી કોરી છે એના પર પર્યાવરણ સુરક્ષા અને ધરતી માટેના પ્રેમના પાઠ ભણાવીએ… દરેક વ્યકિત જાગૃત બનીને થોડું વિચારે અને બનતા પ્રયત્નો કરે તો થોડું પરિણામ તો ચોક્કસ મળે અને કદાચ ન મળે તો પણ ખુદને કંઇક કરવાનો સંતોષ તો અવશ્ય જ મળશે. આપણાં તો શાસ્ત્રમાં પણ કહ્યું છે કે ધરતી માતાનું સંરક્ષણ માતાની જેમ કરવું જોઇએ… તો ચાલો દેર આયે દુરસ્ત આયે… બેમર્યાદ બનતાં અટકી ધરતીનાં સંસાધનોનો કરકસરથી ઉપયોગ કરીએ…
અંતમાં એક કવિતા સાથે અલવિદા…
ધરતી કહ રહી કે બાર બાર
સુન લો મનુષ્ય મેરી પુકાર
બડે બડે મહલો કો બના કે
મત ડાલો મુજ પર ભાર
પેડ પૌધો કો નષ્ટ કરકે
મત ઉજાડો મેરા સંસાર
ધરતી કી બસ યહી પુકાર
મેં હું સબ કી જીવનદાતા
મેં હું સબ કી ભાગ્યવિધાતા
કરને દો મુજે સબ જીવો પર ઉપકાર
મત કરો મેરે પહાડો પર વિસ્ફોટક વાર
મત ઉજાડો મેરા સંસાર
ધરતીકી બસ યહી પુકાર
મેં રૂઠી તો જગ રૂઠા
અગર મેરે સબર કા બાંધ તૂટા
નહીં બચેગા કોઇ
મેરે સાથ અગર અન્યાય કરોગે
તો ન્યાય કહાં સે પાઓગે
કભી બાઢ તો કભી સુખા
ઔર ભૂકંપ સહેતે જાઓગે
ધરતી કી બસ યહી પુકાર
મત ઉજાડો મેરા સંસાર
– સંપાદક