‘હેપ્પી વીમેન્સ ડે’
નારીમુક્તિ દિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સ્ત્રી તરીકે જન્મવાનો અને જીવવાનો આનંદ તમારા હૃદયમાં દરિયો બનીને છલકાય એવી અમારી અંતરની પ્રાર્થના. દર વર્ષે આ દિવસે આપણે સ્ત્રીની મુક્તિ, સ્વતંત્રતા, સપનાંઓ, સિદ્ધિઓ અને અધિકારોની વાત કરીએ છીએ. સફળ સ્ત્રીઓને બિરદાવીએ છીએ. ધેટ્સ ગુડ… પરંતુ સ્ત્રીઓની દોડ પણ ઘણે અંશે દેખાદેખીની અથવા સ્પષ્ટતા વિનાની જોવા મળે છે. ભીતરથી અને બહારથી- બંને જગ્યાએ આનંદથી તરબતર એવી સ્ત્રીઓ કેટલી? શું દરેક સફળ, સ્વતંત્ર અને પોતાની શરતે જીવતી સ્ત્રીઓ સુખી છે? અને દરેક નિષ્ફળ અને પરતંત્ર સ્ત્રી દુ:ખી છે? સ્વતંત્રતાનું સંઘર્ષ વચ્ચેય પોતાનું સુખ છે, અસ્તિત્વ છે અને એ ભલે એ સૂર્યની જેમ નહીં પરંતુ તારાની જેમ તો ઝગમગતું રહે જ છે.
પરતંત્રતાની સગવડો વચ્ચે ય પોતાની પીડા છે અને એણે પીંજરામાં પુરાઈને ઝગમગતા તારાને સાક્ષીભાવે જોવા પડે છે. સવાલ એ છે કે દરેક સ્ત્રીઓ માટે સ્વતંત્રતા-પરતંત્રતા, સુખ-દુ:ખ, હક્ક- અધિકાર અને વ્યક્તિત્વ -અસ્તિત્વની વ્યાખ્યા એક સરખી છે? ના નથી જ. કોઇને આકાશમાં ઊડવું છે તો કોઇએ પોતાના ઘરમાં જ આકાશ બનાવવું છે. કોઇએ ભણી-ગણીને ટોચ પર પહોંચવું છે અને એ માટે તેઓ કંઇ પણ કરવા તૈયાર છે તો બીજી બાજુ ઘણાંને ભણવું અને કમાવું છે પણ એને માટે તેઓ આર-પારની લડાઈ લડવા તૈયાર નથી. કોઇને સમાજ, પરંપરા, લગ્નવ્યવસ્થા, પુરુષપ્રધાન સમાજ સામે બળવો કરવો છે તો કોઇએ વિરોધનો સૂર ઉઠાવ્યા વિના સ્થિતિને શરણે જઇને જીવવું છે.
કોઇએ પોતાની શરતે, પોતાની મરજી મુજબ અને પોતાના માટે જીવવું છે તો કોઇને પ્રેમ, પરિવાર માટે ખુદને એડજસ્ટ કરવામાં કોઇ તકલીફ નથી. આમાં કોણ સ્વાધીન અને કોણ પરાધીન અને કોણ સુખી અને કોણ દુ:ખી એ થર્ડ પર્સન કઇ રીતે નક્કી કરી શકે? કહેવાનો મતલબ એ કે આ બધા જ શબ્દો સાપેક્ષ છે. એનું દરેક વ્યક્તિની ઇચ્છા-આકાંક્ષા મુજબ અલગ અલગ અર્થઘટન કરી શકાય. જેમ બ્લેક અને વ્હાઈટ વચ્ચે ગ્રે કલરના વિવિધ શેડ્સ હોય છે એમ સમાનતા-અસમાનતા તથા સ્વતંત્રતા-પરતંત્રતા વચ્ચે પણ અનેક શેડ્સ છે. દરેકને પોતાની ક્ષમતા, ઇચ્છા, પરિવેશ અને સંઘર્ષ કરવાની તાકાતને આધારે એ મળે છે એમ છતાં કેટલીક મૂળભૂત બાબતો છે જે બંને પ્રકારની સ્ત્રીના સન્માન માટે આવશ્યક છે.
જેમ કે દરેક સ્ત્રીને પોતાની ઇચ્છા વ્યક્ત કરવાની આઝાદી મળવી જોઇએ. માતા-પિતા, પતિ, બાળકો કે મિત્રો… પોતાની ઇચ્છારૂપી આંગળી પર સ્ત્રીને નચાવતા રહે અને સ્ત્રી પરાણે નાચતી રહે તો એનું અસ્તિત્વ ક્ષણ ક્ષણ મરતું રહે છે. બની શકે કે દરેક ઇચ્છાઓ પૂરી ન પણ થઇ શકે પરંતુ એ જે ઇચ્છે છે તે એના સહજીવનના સાથીઓને ભય વિના જણાવી શકે એટલું ફ્રીડમ મળે એ બહુ મોટી વાત નથી. આપણી આજુબાજુ એવી અનેક સ્ત્રીઓ હશે કે જેઓએ કોઇ ડર-સંકોચ કે ઉપેક્ષાને કારણે પોતાની લાગણીઓ કયારેય વ્યકત જ ન કરી હોય. પરિવારનું કેન્દ્રબિંદુ એવી સ્ત્રી એના મનને વ્યક્ત કરી શકે એવું વાતાવરણ, એવા સંબંધો અને એવી સમજણ ના હોય ત્યાં સ્ત્રી પરતંત્ર છે, કઠપૂતળી છે. આ વાતાવરણ સર્જવાની હિંમત દરેક સ્ત્રીએ ખુદ કેળવવી પડે છે.
સ્વતંત્રતા સાથે બીજી વાત છે ના પાડવાનો અધિકાર. આજે ય અનેક સ્ત્રીઓ શિક્ષણ-કરિયર અને લગ્ન જેવી બાબતે બીજાની ઇચ્છાને આધારે નિર્ણય લે છે અને ના પાડી શકતી નથી. એને ગમે કે ન ગમે એની ચિંતા વિના બીજાની ખુશી માટે આખી જિંદગી દુ:ખની આગમાં બળતી રહે છે. એને સાડી નથી ફાવતી તો એને ના પાડવાનો અધિકાર મળવો જોઈએ. એને છોકરો નથી ગમતો તો લગ્ન માટે ના પાડવાનો અધિકાર મળવો જોઇએ. સેક્સની ઇચ્છા નથી તો પરાણે સરન્ડર થવાની મજબૂરીથી એ મુકત હોવી જોઇએ. બે તાવ હોય તો સવારે ઊઠીને ચા બનાવવાની ના પાડવાનો એને હક છે. ટૂંકમાં તન-મનને દબાવીને કરવા પડતાં કામોમાં એને ના પાડવાનો અધિકાર મળવો જોઇએ. આ ના પાડવાના અધિકારને જયારે સ્વીકારવામાં આવશે ત્યારે જ સમાજમાં ગ્રીષ્મા હત્યા જેવા કેસો બંધ થશે.
સ્વતંત્રતા સાથે જોડાયેલી ત્રીજી બાબત છે નિર્ણય લેવાનો અધિકાર અને નિર્ણયોમાં ભાગીદારીની સરખી તક. સ્ત્રીને પોતાના જીવનના નિર્ણયો જાતે લેવાનો હક મળવો જોઇએ. આજે પણ નોકરી કરવી કે ન કરવી અથવા તો કઇ કંપનીમાં કરવી એનો નિર્ણય પતિ લે છે. સ્ત્રીના પોતાના પૈસાનું ઈન્વેસ્ટમેન્ટ કરવાનું હોય તો પણ એનો અભિપ્રાય પુછાતો નથી. બાળકોની ભૂલની જવાબદારી સ્ત્રીના માથે નંખાય છે, નાનાં-નાનાં હોમવર્ક, સ્કૂલ જેવા નિર્ણયો સ્ત્રી લઇ શકે પરંતુ મોટા નિર્ણયોમાં આજે ય પુરુષોનું આધિપત્ય છે પછી ભલે એ સ્ત્રી પુરુષ કરતાં વધારે હોંશિયાર કેમ ન હોય! સન્નારીઓ, આ ત્રણ બાબતો સ્ત્રીને પીડતી રહે છે. અંદર ને અંદર બાળતી રહે છે. એના અસ્તિત્વને મારતી રહે છે. જો એટલું એને મળી જાય તો જીવનમાં એ ધારે તે કરી શકે. એ શિખર પર હોય કે તળેટી પર સ્ત્રી હોવાનું ગૌરવ એ જરૂર અનુભવશે. જીવન પાસેથી એની ફરિયાદ નહીંવત્ રહેશે. શું માનવું છે તમારું?
– સંપાદક