આણંદ : આણંદ શહેરના ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે રાવડાપુરાથી કરમસદ સુધીના ડીપી રોડને સર્જાયેલી મડાગાંઠમાં હવે સાંસદે પણ આગળ આવી એન્જિનીયર સાથે બેઠક યોજી હતી. આ ઉપરાંત માર્ગ અને મકાન વિભાગના સચિવ અને નાયબ સચિવ સાથે પણ મળી ઝડપથી કામ ચાલુ કરવા રજુઆત કરી હતી. આણંદ શહેરના વિકાસ સાથે વકરી રહેલી ટ્રાફિક સમસ્યા માટે ડેડ કેનાલ પર રોડ બનાવવા માટે પ્રોજેક્ટ મંજુર થયો છે. પરંતુ આણંદના માર્ગ મકાન વિભાગ દ્વારા વિવિધ કારણસર પ્રોજેક્ટ હાથ પર લેવામાં ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યાં છે. અગાઉ જમીન માલીકીનો મુદ્દો આગળ કરી કામ અભેરાયે ચડાવી દીધું હતું.
જોકે, આ રસ્તો ઝડપથી બનેતે માટે જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઈ પટેલની સાથેસાથે સાંસદ મિતેશભાઈ પટેલ (બકાભાઈ) પણ આગળ આવ્યાં છે. તેઓએ આ મુદ્દે હાલમાં જ માર્ગ અને મકાન વિભાગના એન્જિનિયર સાથે બેઠક યોજી હતી. જેમાં અધિકારીઓએ રસ્તા પર આવતાં વિવિધ વળાંકનું બહાનું આગળ કર્યું હતું. આ વળાંક ન લેવા પડે તે માટે વધુ જમીન સંપાદન કરવા માંગણી કરી હતી. જોકે, આ પ્રક્રિયામાં વધુ સમય લાગે તેમ હોવાથી વળાંક સાથે રસ્તો બનાવવા સાંસદે જણાવ્યું હતું. આ ઉપરાંત સાંસદે આ બાબતે અંગત રસ લઇને પણ માર્ગ અને મકાન વિભાગના સચિવ અને નાયબ સચિવ સાથે બેઠક યોજી હતી. જોકે, વળાંકને મુદ્દો બનાવી પ્રોજેક્ટ લટકાવી રાખવાના બદલે ઝડપથી કામ પૂર્ણ કરવા રજુઆત કરી હતી.
રસ્તો બન્યા બાદ વળાંકનો ઉકેલ લાવી શકાશે
રાવડાપુરાથી કરમસદનો બાયપાસ રસ્તો મંજુર થઇ ગયો છે. ડીપીમાં પણ તે છે. વળાંકના કારણે પ્રોજેક્ટ મોડો થાય તો વધુ ખર્ચ કરવો પડે. આથી, બને તેમ ઝડપથી રસ્તો બની જાય, બાદમાં વળાંક મુદ્દે ઉકેલ કાઢી શકાશે.
ભાલેજ ઓવરબ્રિજનો ભાર હળવો થશે
આણંદ શહેરમાં ટ્રાફિકથી વ્યસ્ત ભાલેજ ઓવરબ્રિજ પર દરરોજ સવાર – સાંજ ટ્રાફિકનું ભારણ રહે છે. જો રાવડાપુરાવાળો બાયપાસ રસ્તો બને તો ટ્રાફિકથી ભારણ હળવું થશે અને અહીં ટ્રાફિક સમસ્યામાં પણ રાહત રહેશે.