સુરત(Surat) : લાંબા સમયથી યુએસ(US) , યુકેના (UK) બજારોમાં પોલિશ્ડ ડાયમંડની (PolishedDiamond) માંગના અભાવે મંદીનો (Recession) સામનો કરી રહેલાં સુરતના હીરા ઉત્પાદકો (Diamond Manufacturer) માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ખાણ કંપની ડી બિયર્સે (De Beers) રફની (Rough Diamond Price Cut) કિંમતોમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. કંપનીએ હીરાની અલગ અલગ જાતોમાં સરેરાશ 10થી 15 ટકાનો ઘટાડો કર્યો છે.
કમૂરતાં પૂરા થતાની સાથે જ હીરા ઉત્પાદકો માટે રાહતના સમાચાર આવ્યા છે. ડી બિયર્સ કંપનીએ ચાલુ અઠવાડિયે રફ હીરાની કિંમતમાં સરેરાશ 10થી 15 ટકાનો ઘટાડો જાહેર કર્યો છે. રફના વેચાણને પ્રોત્સાહ આપવાના હેતુથી કંપની દ્વારા આ નિર્ણય લેવાયો છે.
બજારના સૂત્રોએ જણાવ્યું કે, ખાણ કંપનીએ 0.75 કેરેટથી ઓછી રફ માટેની કિંમતમાં 5 ટકાથી 10 ટકા જેટલો ઘટાડો કર્યો છે, જેમાં મેલે કરતા નાની ક્વોલિટીના ડાયમંડ માટે સામાન્ય અથવા બિલકુલ ઘટાડો કર્યો નથી. 0.75થી 2 કેરેટનું વજન ધરાવતા રફમાં સરેરાશ 10થી 15 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે 2 કેરેટના મોટા માલના ભાવમાં લગભગ 15 ટકાનો ઘટાડો થયો છે. સિલેકટ મેકેબલ્સ 2થી 4 કેરેટ રફ પત્થર જેમાંથી એસ12 થી 12 ક્વોલિટીના હીરાનું ઉત્પાદન થાય છે તેની કિંમતમાં 20થી 25 ટકા સુધીનો તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે.
જણાવી દઈએ કે પાછલા વર્ષ 2023માં મિડલ ઈસ્ટ અનેયુએસના બજારોમાં કુદરતી હીરાની માંગ ઘણી અસરગ્રસ્ત રહી હતી. લેબગ્રોન ડાયમંડ સામેની સ્પર્ધાનો પણ સામનો કરવો પડ્યો હતો. તેથી રફની માંગ ઘટી હતી. આ પરિબળોએ ડી બિયર્સને રફની કિંમતો ઘટાડવા પર મજબૂર કરી છે.
ડી બિયર્સ કંપનીએ મંદી દરમિયાન ઓછા વોલ્યુમમાં રફનું વેચાણ કરવાની રણનીતિ અપનાવી હતી જેથી પોલિશ્ડ માર્કેટમાં સુધારા દરમિયાન કિંમતો ઘટાડી શકાય. 2023માં 1 કેરેટનું વજન ધરાવતા રફ હીરાની કિંમતો રેપનેટ ઈન્ડેક્સ અનુસાર 21 ટકા ઘટાડો નોંધાયો હતો. આ કેટેગરીના ડાયમંડ માટે વર્ષ 2023 સૌથી ખરાબ વર્ષ રહ્યું હતું, પરંતુ હોલિડે શોપિંગ સિઝન શરૂ થઈ ત્યાર બાદ યુએસમાં આ ક્વોલિટીના ડાયમંડની માંગમાં સાધારણ વધારો જોવા મળ્યો હતો. જોકે, હજુ પણ ચાઈનીઝ બજાર નબળું છે.
આ તરફ દિવાળી પહેલાં ભારતીય હીરા ઉત્પાદકોએ બે મહિના માટે રફની ખરીદી પર મુકેલા સ્વૈચ્છિક પ્રતિબંધે વૈશ્વિક ડાયમંડ માર્કેટને સ્થિર બનવામાં મદદ કરી હતી.
હીરા ઉદ્યોગના સૂત્રો અનુસાર ભૂતકાળમાં ડી બિયર્સ કંપની કિંમતોમાં ફેરફાર કરવા રાજી થતી ન હતી. તેઓ જાણતા ન હતા કે પોલિશ્ડ માર્કેટની સ્થિતિ શું છે. જોકે, હવે તેઓ પોલિશ્ડ બજાર અંગે સારી રીતે વાકેફ થયા છે તેથી જ પોલિશ્ડ માટે રફની કિંમતો એડજસ્ટ કરી રહ્યાં છે.
જોકે, કેટલાંક હીરા ઉત્પાદકોનું માનવું છે કે ડી બિયર્સની રફની કિંમતો હજુ પણ બહારના ટેન્ડરો અને હરાજીઓ કરતા વધુ છે. કિંમતમાં ઘટાડો છતાં લગભગ 300 મિલિયન ડોલરના વેચાણ બાદ પણ માંગ મર્યાદિત રહે તેવી ધારણા છે. ઉલ્લેખનીય છે કે ડી બિયર્સની વર્ષની પહેલી સાઈટ સોમવારે બોત્સવાના ગેબોરોનમાં શરૂ થઈ છે, જે શુક્રવાર સુધી ચાલશે.