આણંદ: આણંદ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી કથળતી આરોગ્ય સેવાની જિલ્લા વિકાસ અધિકારીએ દવા શોધી કાઢી છે. તેઓએ જિલ્લાવાસીઓને અપીલ કરી છે અને ક્યાંક પણ આરોગ્ય સેવામાં કચાસ જોવા મળે તો તાત્કાલિક મેસેજ અથવા મેઇલ કરવા જણાવ્યું છે. આ ઉપરાંત આ ફરિયાદ કે સૂચન કરનારની ઓળખ ગુપ્ત રહેશે. તેની પણ ખાત્રી આપી છે.
આણંદ જિલ્લા પંચાયત હસ્તક આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામુહિક આરોગ્ય કેન્દ્રો અને શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે આરોગ્યની તપાસણી-ચકાસણી અર્થે આવતાં નાગરિકોને ઘણીવાર આરોગ્ય સેવાઓ પ્રતિ સંતોષ હોતો નથી કે ફરિયાદ રહેતી હોય છે. આવા નાગરીકો માટે જિલ્લા વિકાસ અધિકારી મિલિન્દ બાપનાએ નવતર પહેલ રૂપ કાર્ય આરંભ્યુ છે. જેમાં જિલ્લાના તમામ આરોગ્ય કેન્દ્રો ખાતે આરોગ્ય સેવાઓ અર્થે આવતા નાગરિકો વાંચી શકે તે રીતે “આપણું ગામ નિરોગી ગામ” આરોગ્યની સેવાઓ આપનો અધિકાર છે, તેવું બોર્ડ મૂકવામાં આવી રહ્યું છે.
આ બોર્ડમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે ઉપલબ્ધ આરોગ્ય સેવાઓની સાથે નાગરિકોને માટે તબીબી તપાસણી-ચકાસણીનો સમય, તેની સાથે આ સમયગાળા દરમિયાન ડૉકટર નિયમિત સમયે હાજર રહે છે ? નીચેની આરોગ્યની સેવાઓ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં નિ:શુલ્ક મળે છે ? જેવી કે, દર્દીની તપાસ, નિદાન અને સારવાર મળે છે ? પ્રા.આ.કેન્દ્ર ખતે દર સોમવારે મમતદા દિવસ યોજાય છે ? પેટા પ્રા.આ. કેન્દ્ર ખાતે દર બુધવારે મમતા દિવસ યોજાય છે ? સગર્ભા માતા અને બાળકોનું રસીકરણ અને સાર-સંભાળ મળે છે ? વાહકજન્ય રોગો જેવાં કે, મેલેરિયા, ચિકનગુનિયા, ડેંગ્યુ, હાથીપગોનું નિદાન તેમજ સારવાર થાય છે ? ટી.બી.રોગનું નિદાન અને સારવાર મળે છે ?
રકતપિત્ત રોગનું નિદાન અને સારવાર મળે છે ? બિનચેપી રોગો જેવાં કે, ડાયાબિટીસ, બી.પી., કેન્સર, અંધત્વ, વગેરે રોગોનું નિદાન અને સારવાર મળે છે ? કુટુંબ કલ્યાણની તમામ સેવાઓ જેવી કે, નિરોધ, છાયા, કોપર-ટી, માલા, અંતરા, ઇ.સી. પિલ્સ..વિગેરે મળે છે ? કુટુંબ નિયોજન ઓપરેશનની સેવાઓ મળે છે ? લેબોરેટરીની સેવાઓ જેવી કે, લોહી, પેશાબ તપાસ, મેલેરિયા, કમળો, ક્ષય, લેપ્રસીરોગ વિગેરેની તપાસ થાય છે ? તેવા પ્રશ્નો મૂકવામાં આવ્યા છે.સાથે સાથે સરકારની યોજનાઓ જેવી કે, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (આયુષ્યમાન ભારત કાર્ડ), કસ્તુરબા પોષણ સહાય યોજના, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના, જનની સુરક્ષા યોજના, કુટુંબ કલ્યાણની દિકરી યોજન અને જનની શિશુ સુરક્ષા યોજના પણ દર્શાવવામાં આવી છે.
આ બોર્ડમાં આ વિગતો સાથે તમે સંતુષ્ટ છો / નથી ? અથવા આપની કોઇ ફરિયાદ અથવા સૂચન છે તો વોટસઅપ નંબર +91 7567028111 ઉપર ફોન કરવા અથવા વોટસઅપ કરવા અથવા તો cdho.health.anand@gmail.com પર મેલ કરનારની ફરિયાદ કે સૂચન કરનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે તેમ જણાવી “આવો આપના સાથ-સહકારથી આરોગ્ય તંત્રને મજબૂત બનાવીએ” તેવું દર્શાવવામાં આવ્યું હોવાનું જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાએ એક જણાવ્યું છે.