ભરૂચ તા, 9: નવા વર્ષના પ્રારંભમાં ગુજરાતમાં (Gujarat) દીકરીઓને (Girls) જાણે ગ્રહણ લાગ્યું હોય તેમ હત્યા (Murder) અને રેપની(Rape) ઘટનાઓ એક પછી એક બહાર આવી રહી છે. અમદાવાદ, સુરત બાદ હવે ભરૂચ જિલ્લામાં ૧૪ વર્ષીય બાળકીની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ભરૂચ જિલ્લાના આમોદ નજીક સરભાણ ગામની આદિવાસીની દીકરીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળતા રેપ વિથ મર્ડર થયાની આશંકા વ્યક્ત કરાઈ છે. પોલીસે મૃતદેહ પર કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. આમોદ પોલીસ સ્ટેશનમાં અકસ્માતનો ગુનો નોંધીને પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરી દીધા છે. આમોદ પોલીસ સ્ટેશને લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ભરૂચના એસપી પણ આમોદ ખાતે પહોંચી ગયા હતા. તપાસની વધુ કાર્યવાહી શરૂ કરી દીધી છે.
જોકે, અહીં પ્રશ્ન એ ઉભો થાય છે કે શું ગુજરાત રાજ્યમાં દીકરીઓ સુરક્ષિત નથી. નવા વર્ષના પ્રારંભ સાથે જ એક બાદ એક માસૂમ દીકરીઓના બળાત્કાર અને હત્યાની ઘટનાઓએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે. આ સાથે જ રાજ્યના પોલીસ તંત્રની કાબેલિયત સામે પ્રશ્નો ઉભા થયા છે. એક દીકરીના વાલીઓને શોધવા માટે આખાય રાજ્યના પોલીસ તંત્રને કામે લગાડનાર ગૃહમંત્રી હર્ષ સંઘવી આટઆટલા બળાત્કાર અને હત્યાની ઘટના બાદ કેમ ચૂપ છે તે પણ અકળાવનારી બાબત છે.
સુરતમાં પોર્ન વીડિયો જોઈ પાડોશમાં રહેતી અઢી વર્ષની બાળાને નરાધમે પીંખી નાંખી હતી
સુરતના પાંડેસરા ખાતેના વડોદ ગામમાં ભગવતીનગરમાં રહેતા શ્રમજીવીની અઢી વર્ષની બાળકી દિવાળીના દિવસે એટલે કે 4 તારીખે સાંજે ઘર આગળ રમતી વખતે ગુમ થઈ ગઈ હતી. પરિવારે બાળકીની શોધખોળ કરતા ક્યાંય પણ મળી આવી નહોતી. જેથી પાંડેસરા પોલીસનો સંપર્ક કરતા પોલીસે બાળકીની શોધખોળ આરંભી હતી. દરમિયાન ગઈકાલે સવારે આંબેડકર કમલા ચોક રોડ આર્મી ડાંઇગમીલની બાજુમાં આવેલા ઝાડી ઝાંખરામાંથી બાળકીની કોહવાયેલી ડેડ બોડી મળી આવી હતી. પોલીસે ગુડુકુમાર મધેશ યાદવ (ઉ.વ.35, રહે. ભગવતિનગર , ગોકુલધામ આવાસની સામે, વડોદ, પાંડેસરા તથા મુળવતન ગામ- ખૈરા મઠીયા , જી – જહાનાબાંદ, બિહાર ) ને તેના રૂમમાંથી પકડી પાડ્યો હતો. આરોપી પાંડેસરા ખાતે આર્મો ડાઈંગ મીલમાં નોકરી કરે છે. પાંડેસરા પોલીસે બાળકીનું નવી સિવિલમાં ફોરેન્સીક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. ફોરેન્સીક વિભાગના વડા ડો.ગણેશ ગોવેકરના જણાવ્યા મુજબ બાળકીનું મોત મોઢું દબાવવાને લીધે શ્વાસ રૂંધાવાથી થયું છે. બાળકીની સાથે નરાધમે રાક્ષસી કૃત્ય કર્યું છે. બાળકીની સાથે દુષ્કર્મ અને સૃષ્ટિવિરૂધનું કૃત્ય પણ કરાયું છે. બાળકીના યોનીમાંથી આંતરડા બહાર આવી ગયા હતા. અને તેને હાથમાં ચકામા તથા નાકના ભાગે ઇજા હતી. બાળકીના કેમિકલ એનાલીસીસ અને નેઈલ ક્લીપીંગના સેમ્પલ લેવાયા છે.
અમદાવાદમાં સિરિયલ રેપિસ્ટ ઝડપાયો, બે દિવસમાં 3 બાળાને ચૂંથી હતી
આ અગાઉ અમદાવાદમાં સિરીયલ રેપિસ્ટ પકડાયો છે. આ રેપિસ્ટે બે દિવસમાં 3 બાળાને ચૂંથી નાંખી હતી જેમાંથી 1ની હત્યા પણ કરી છે. રાંચરડા, ખાત્રજમાં તે બિન્દાસ્ત બાળકીઓને બાઈક પર બેસાડીને લઈ જતો જોવા મળ્યો છે. હાલ પોલીસે તેને પકડી લીધો છે.