સુરત: સુરતમાં (surat) વિચિત્ર ફરિયાદ પોલીસ ચોપડે (Police Complaint) નોંધાઈ છે. અહીં એક પુત્રવધુએ લાતો મારીને સસરાની છાતીની પાંસળી તોડી નાંખી હોવાનો મામલો સામે આવ્યો છે. માથાભારે પુત્રવધુએ સસરાની હાલત એટલી કફોડી કરી નાંખી તેમણે નાછૂટકે દીકરાની પત્ની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવી પડી છે.
- રૂંઢ મગદલ્લાની વીરભદ્ર હાઈટ્સની ઘટના
- પતિ-પત્નીના ઝઘડામાં સમાધાન માટે વચ્ચે બોલવા જતા સાસુ-સસરાને માર પડ્યો
- પુત્રવધુ લજ્જાએ સસરા મહેશચંદ્ર શાહને જમીન પર પછાડી માર માર્યો: સાસુને પણ નખોડીયા માર્યા
- સસરા મહેશચંદ્ર શાહે પુત્રવધુ લજ્જા વિરુદ્ધ ઉમરા પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી
પ્રાપ્ત માહિતી અનુસાર મગદલ્લાના વીરભદ્ર હાઈટ્સમાં રહેતા શાહ દંપતિ વચ્ચે ચાલતા ઝઘડામાં સમાધાન કરાવવા માટે સાસુ-સસરા ગયા હતા. ત્યારે સાસુ-સસરા સાથે પણ પુત્રવધુ ઝઘડી પડી હતી અને ગુસ્સામાં આવીને પુત્રવધુએ સસરાને ધક્કો મારી જમીન પર પછાડી છાતીના ભાગે લાતો મારી હતી, જેના લીધે સસરાને છાતીની પાંસળીમાં ફ્રેક્ચર થઈ ગયું હતું. જ્યારે સાસુને મૂઢમાર વાગ્યો હતો. પોલીસ સસરાની ફરિયાદને આધારે પુત્રવધુ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ ઘટના ઉમરા પોલીસ મથકના ચોપડે નોંધાઈ છે. ફરિયાદ અનુસાર રૂંઢ મગદલ્લા વીરભદ્ર હાઈટ્સમાં રહેતા મહેશચંદ્ર બાબુલાલ શાહ (ઉં.વ. 68) ગઈ તા. 15 એપ્રિલના રોજ પુત્ર કેયુર અને પુત્રવધુ લજ્જા વચ્ચે ચાલતા ઝઘડાના સમાધાન માટે વચ્ચે પડ્યા હતા. ઝઘડો ચાલતો હતો ત્યારે સસરાએ બંનેને શાંત કરાવવા પ્રયાસ કર્યા હતા.
પરંતુ ત્યારે લજ્જા વધુ ગુસ્સામાં આવી ગઈ હતી અને સસરા સાથે જ બાખડી પડી હતી. લજ્જાએ સસરા સાથે ઝપાઝપી કરી તેમને ધક્કો મારી નીચે પાડી દીધા હતા અને ત્યાર બાદ છાતીના ભાગે લાતો મારી પાંસળી તોડી નાંખી હતી. પાંસળીમાં ફ્રેક્ચર થઈ ગયું હતું, બીજી તરફ સસરાને બચાવવા વચ્ચે પડેલા સાસુને નખો મારવા સાથે મૂઢ માર માર્યો હતો. સાસુને પણ ઈજાઓ થઈ હતી.
આ ઘટના મામલે સસરા મહેશચંદ્રએ તા. 10 મે ના રોજ પુત્રવધુ લજ્જા વિરુદ્ધ ફરિયાદ આપતા ઉમરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.