સરકારે કોન્ટેક્ટ ટ્રેસિંગના નામે આરોગ્ય સેતુ નામની એપ પર લોકોનો અંગત ડેટા લેવા માંડતા વિવાદ થયો હતો. આરોગ્ય સેતુનો હેતુ લોકોને કોવિદ-૧૯ પોઝિટિવ વ્યક્તિથી સતર્ક કરવાનો હતો, પણ તેને ફરજિયાત બનાવવામાં આવતાં લોકોની પ્રાઇવસી ભયમાં આવી ગઈ હતી.
હવે લગભગ આરોગ્ય સેતુ એપનો ઉપયોગ નહિવત્ થઈ ગયો છે ત્યારે સરકાર દ્વારા કોરોનાની રસી લેનારાં લોકોને મદદ કરવાના ઉમદા હેતુ સાથે કોવિન નામની એપ લોન્ચ કરવામાં આવી છે. આ એપ ભારતના કોઈ ટેકનિશિયનો દ્વારા નહીં પણ યુનાઇટેડ નેશન્સ, બિલ ગેટ્સની સંસ્થા ‘ગાવી’ અને એમેઝોન કંપનીએ ભેગાં મળીને બનાવી છે તેનો વિવાદ થયો છે.
કોઈ પણ વ્યક્તિ રસી લેવા માગતી હોય તો તેને ફરજિયાત કોવિન એપ ડાઉનલોડ કરવાનું કહેવામાં આવે છે. પછી તેની આરોગ્યવિષયક તમામ માહિતી તેમાં અપલોડ કરવાનું કહેવામાં આવે છે. પછી આ બધો ડેટા એમેઝોન વેબ સર્વર પર મોકલવામાં આવે છે. ભવિષ્યમાં આ ડેટાનો ઉપયોગ ભારતનાં તમામ નાગરિકોને વેક્સિન પાસપોર્ટ આપવા માટે કરવામાં આવે તેવી પણ સંભાવના છે.
ભારતની અનેક કંપનીઓ સોફ્ટવેરના ક્ષેત્રમાં મશહૂર છે, પણ કેન્દ્ર સરકાર દ્વારા કોવિન એપ બનાવવા માટે યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, ગ્લોબલ વેક્સિન એલાયન્સ (ગાવી) અને એમેઝોન વેબ સર્વિસ નામની કંપની દ્વારા બનાવવામાં આવી છે. તેનો અંકુશ આ ત્રણ સંસ્થાઓના હાથમાં રાખવામાં આવ્યો છે, પણ તેનું નિર્માણ કરવાનું કામ મુંબઇની કંપની ત્રિજ્ઞાન ટેકનોલોજીને સોંપવામાં આવ્યું છે.
ભારત સરકાર તેનો તમામ ડેટા સંગ્રહ કરવા માટે મેઘરાજ નામના ક્લાઉડ પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે, જેનું સંચાલન નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર દ્વારા કરવામાં આવે છે. સરકાર પાસે જ્યારે પોતાનું ક્લાઉડ પ્લેટફોર્મ હાજર હતું ત્યારે કોવિનનો ડેટા સંગ્રહ કરવા માટે વિદેશી કંપનીની મદદ લેવાની કઈ જરૂર ઊભી થઈ હતી? તે સમજાતું નથી.
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તા. ૧૫ ઓગસ્ટે લાલ કિલ્લા પરથી જાહેરાત કરી હતી કે ભારતના દરેક નાગરિકને ડિજિટલ હેલ્થ આઇ કાર્ડ આપવામાં આવશે. સરકારની આધાર કાર્ડની યોજનાનું સંચાલન કરનારા આર.એસ. શર્માને વેક્સિન કાર્યક્રમના વડા બનાવવામાં આવ્યા તેના પરથી ખ્યાલ આવતો હતો કે સરકાર આધાર કાર્ડની જેમ ભવિષ્યમાં જીવનના તમામ વ્યવહારો માટે ડિજિટલ હેલ્થ કાર્ડ ફરજિયાત બનાવવા માગે છે.
આ કાર્ડમાં દરેક નાગરિકે રસી લીધી છે કે કેમ? લીધી છે તો કેટલા ડોઝ લીધા છે? ક્યારે લીધા છે? તેની માહિતીનો સંગ્રહ કરવામાં આવશે. સરકાર દ્વારા જે કોવિન એપનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, તેનો જ ઉપયોગ ભવિષ્યમાં ડિજિટલ હેલ્થ કાર્ડ તરીકે કરવામાં આવે તેવું બની શકે છે. આ કાર્ડ મુજબ જે નાગરિકે વેક્સિન લીધી હશે તેને જ વિમાનમાં કે ટ્રેનમાં કે થિયેટરમાં પ્રવેશ કરવા દેવામાં આવે તેવું પણ બની શકે છે.
હકીકતમાં યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ ફંડ અને ‘ગાવી’ મળીને ૨૦૧૭ ની સાલથી ભારતના ઇલેક્ટ્રોનિક વેક્સિન ઇન્ટેલિજન્સ નેટવર્ક (ઇવિન) માટે ભંડોળ આપી રહ્યા છે. તેની પાછળ તેઓ અત્યાર સુધી ૩.૧ કરોડ ડોલર (આશરે ૨૨૫ કરોડ રૂપિયા) નો ખર્ચો કરી ચૂક્યા છે.
કોવિન એપ તૈયાર કરવા માટે યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ ફંડે આશરે ૨૫ કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો છે. તે પૈકી પાંચેક કરોડ રૂપિયા ત્રિજ્ઞાન કંપનીને આપવામાં આવશે અને બીજા ૨૦ કરોડ રૂપિયા એમેઝોન વેબ સર્વિસિસને આપવામાં આવશે. જો આ કામ નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટરને સોંપવામાં આવ્યું હોત તો તેઓ મેઘરાજ ક્લાઉડનો ઉપયોગ કરીને તે કામ અડધા ખર્ચમાં કરી શકે તેમ હતા.
તા. ૧૬ જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય સ્તરે રસીકરણના કાર્યક્રમનો પ્રારંભ કરવાનો હતો તેના આગલા દિવસ સુધી કોવિન એપનું લોન્ચિંગ કરવામાં આવ્યું નહોતું. લોન્ચિંગ થયા પછી પહેલા જ દિવસે એપમાં ગરબડ જોવા મળી હતી, જેને કારણે રસીકરણના કાર્યક્રમમાં ‘પ્રથમ ગ્રાસે મક્ષિકા’ જેવો અનુભવ થયો હતો. કહેવાય છે કે કેન્દ્રના આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કોવિનમાં કોઈ વિદેશી કંપનીને સામેલ કરવાનો વિરોધ કર્યો હતો.
તેમણે તે માટે મેઘરાજનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખ્યો હતો. આ ગડમથલમાં કોવિનના લોન્ચિંગમાં વિલંબ થયો હોય તેવું બની શકે છે. બહુ ઓછાં લોકોને ખબર હશે કે ‘ગાવી’ અને માસ્ટર કાર્ડ કંપની દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે ‘ટ્રસ્ટ સ્ટેમ્પ’ નામનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં વેક્સિન લેનારા દરેકને ડિજિટલ આઇડી આપવામાં આવશે. કોવિનના ડેટાનો ઉપયોગ આ કાર્યક્રમ માટે કરવામાં આવે તેવી સંભાવના પણ રહેલી છે.
ભારત સરકારે પણ વન નેશન, વન હેલ્થ કાર્ડની મહત્ત્વાકાંક્ષી યોજના જાહેર કરી છે. આ યોજના મુજબ દેશના દરેક નાગરિકને ડિજિટલ હેલ્થ કાર્ડ આપવામાં આવશે, જેમાં એક ચિપ બેસાડવામાં આવી હશે. આ ચિપમાં નાગરિકના આરોગ્યવિષયક તમામ ડેટાનો સંગ્રહ કરવામાં આવશે.
આ હેલ્થ કાર્ડનો ડેટા સર્વર પર પણ અપલોડ કરવામાં આવશે. કોઈ પણ નાગરિક તેના ક્યુઆર કોડનો ઉપયોગ કરીને આ ડેટા ગમે ત્યારે પ્રાપ્ત કરી શકશે. આ કાર્યક્રમ બાહ્ય નજરે તો આકર્ષક જણાય છે, પણ તેનું ભયસ્થાન એ છે કે દેશના દરેક નાગરિકના આરોગ્યની રજેરજની બાતમી સરકારના હાથમાં આવી જશે. વળી તેના સંગ્રહ માટે વિદેશી સંસ્થાઓની મદદ લેવામાં આવતી હોવાથી ભારતનાં નાગરિકોની સંવેદનશીલ માહિતી વિદેશી હાથોમાં પહોંચી જશે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ભારત સરકારના સહયોગમાં ‘કોવિદ-૧૯ સર્વેલન્સ પ્રોગ્રામ’ નામની યોજના શરૂ કરી છે. આ યોજનામાં ભારતના દરેક નાગરિકની કોરોના સંલગ્ન માહિતી એકત્ર કરવામાં આવશે. તેમાં કોઈને કોરોના થયો હોય તો તેની માહિતીનો અને રસી લીધી હોય તો તેની માહિતીનો પણ સમાવેશ કરવામાં આવશે.
આ માહિતીનો ઉપયોગ ભારતમાં ભવિષ્યમાં કોરોના ન ફેલાય તે જોવા માટે કરવામાં આવશે. ભારત સરકાર દ્વારા જે કોવિન એપ તરતી મૂકવામાં આવી છે તેનો હેતુ પણ કોરોનાવિષયક માહિતીનો સંગ્રહ કરવાનો છે. આ માહિતીનો ઉપયોગ ડિજિટલ હેલ્થ કાર્ડ બનાવવા માટે પણ થઈ શકે છે. જો દેશના બહુમતી લોકોને રસી આપવામાં સરકારને સફળતા મળશે તો ભવિષ્યમાં જીવનના તમામ વ્યવહારો માટે તેને ફરજિયાત કરવામાં આવે તો જેમણે અત્યાર સુધી વેક્સિન ન લીધી હોય તેમને પણ વેક્સિન લેવાની ફરજ પડશે.
સરકાર દ્વારા પ્રારંભમાં કોવિનના માધ્યમથી દરેક નાગરિકનો આરોગ્યવિષયક ડેટા એકઠો કરવામાં આવશે. પછી તેના આધારે ડિજિટલ હેલ્થ કાર્ડ આપવામાં આવશે, જેમાં ક્યુઆર કોડ હશે. આ કોડમાં વેક્સિન બાબતની માહિતીનો સંગ્રહ પણ કરવામાં આવશે. ત્યાર બાદ હેલ્થ કાર્ડમાં ચિપ બેસાડવામાં આવશે, જેમાં દરેક નાગરિકના આરોગ્ય બાબતમાં તમામ માહિતી હશે.
ત્યાર બાદ માણસની હથેળીમાં કે કાંડામાં પણ આ ચિપ બેસાડવામાં આવશે. જો કોઈ વ્યક્તિ કોરોનાની રસી લેશે તો રસીના પ્રમાણપત્ર તરીકે આ ચિપ બેસાડવામાં આવશે. જેમના શરીરમાં આ ચિપ હશે તેમને જ વિમાનમાં, ટ્રેનમાં, બસમાં કે સિનેમા થિયેટરમાં પ્રવેશ આપવામાં આવશે. ભારતનાં નાગરિકોને ગુલામ બનાવવાના આ કાર્યમાં વિદેશી કંપનીઓની સામેલગીરી શંકા ઉપજાવે તેવી છે.
- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.