બારડોલી તાલુકા પંચાયતની બાબેન–2 બેઠક પરથી ચુંટાયેલી મહિલા સભ્યનો દારૂ વેચતો વિડીયો વાયરલ થવાના મુદ્દે કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કોંગ્રેસે તાલુકા પંચાયત સભ્યનું સભ્ય પદ રદ કરવાની માંગ કરી હતી. આ અંગે મળતી માહિતી અનુસાર બારડોલી તાલુકા પંચાયતની બાબેન–2 બેઠક પરથી ચુંટાયેલી શકુંતલાબેન રાઠોડ ખુલ્લેઆમ દારૂનું વિતરણ કરતાં હોવાનો વિડીયો વાયરલ થયો હતો.
જે અંગે બારડોલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સોમવારના રોજ બારડોલી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં શકુંતલા રાઠોડને સભ્ય પદેથી દૂર કરવાની માંગ કરવામાં આવી છે. તેમજ નૈતિકતાના ધોરણે રાજીનામાની પણ માગ કરવામાં આવી હતી. રાજીનામું નહીં આપે તો સભ્યપદ પરથી બરતરફ કે સસ્પેન્ડ કરવા જણાવ્યું હતું. જો તેમ નહીં થાય તો આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી હતી.