સુરત: (Surat) શહેરમાં જે રીતે કોરોનાના (Corona) કેસો વધી રહ્યા છે તે રીતે જોતાં આવનારા 15 દિવસ ખૂબ જ જોખમી હોવાનું મનપા કમિશનર (SMC Commissioner) બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું. શહેરમાં છેલ્લા 15 જ દિવસમાં કોરોનાના 15,000 કેસ નોંધાઈ ચૂક્યા છે. તેમજ આવનારા દિવસોમાં એક જ દિવસમાં સાતથી આઠ હજાર જેટલા કેસ નોંધાશે તેવી શક્યતા તંત્ર દ્વારા સેવાઈ રહી છે. જેથી શહેરીજનો આવનારા 15 દિવસ ખૂબ જ વધારે સાવચેતી રાખે તેમ જણાવાયું છે.
- જે લોકોએ હજી સુધી વેક્સિન નથી લીધી તેમજ જેમની ઉંમર 60 વર્ષથી વધારે છે તેમને હાલ વધુ સાવચેતી રાખવાની જરૂર
- શહેરીજનો કોરોના ગાઈડલાઈનનું યોગ્ય રીતે પાલન કરે એ હાલમાં ખૂબ જરૂરી : મ્યુ. કમિશનર
- લોકો આ પરિસ્થિતિને હળવાશથી ન લે અને સાવચેતી રાખે તે ખૂબ જરૂરી છે
મનપા કમિશનરે શહેરીજનોને સાવચેત કરતા જણાવ્યું છે કે, જો 1 મિનીટ માટે પણ માસ્ક નીચે ઉતાર્યુ તો સંક્રમિત થવાની શક્યતા 100 ટકા જેટલી છે. જેથી લોકો કોરોના ગાઈડલાઈનનું યોગ્ય રીતે પાલન કરે એ હાલમાં ખૂબ જરૂરી છે. મનપા કમિશનર બંછાનિધિ પાનીએ હાલની કોરોનાની પરિસ્થિતિ અંગે લોકોને સાવચેત રહેવા અપીલ કરતાં જણાવ્યું હતું કે, જે લોકોએ હજી સુધી વેક્સિન નથી લીધી તેમજ જેમની ઉંમર 60 વર્ષથી વધારે છે તેમને હાલ વધુ સાવચેતી રાખવાની જરૂર છે. શહેરીજનોએ રિવર્સ ક્વોરન્ટાઈન મેથડ પર ચાલવું પડશે. વડીલોને ઘરની બહાર ન નીકળવા માટે અપીલ કરવામાં આવી રહી છે.
હોસ્પિટલાઈઝેશન 2.5 ટકાથી વધીને 4 ટકા પર પહોંચ્યું
શહેરીજનો કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનને હળવાશથી લઈ રહ્યા છે કે નવા વેરિઅન્ટથી વધારે ગંભીર પરિસ્થિતિ નથી થઈ રહી. પરંતુ હકીકત અલગ છે. કારણ કે, સંક્રમણ વધવાની સાથે સાથે હોસ્પિટલાઈઝેશન પણ વધી રહ્યું છે. જેથી લોકો આ પરિસ્થિતિને હળવાશથી ન લે અને સાવચેતી રાખે તે ખૂબ જરૂરી છે. 1 જાન્યુઆરીએ હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યા માત્ર 20 જ હતી. જે હવે વધીને 250 સુધી પહોંચી છે. એટલે કે, હોસ્પિટલાઈઝેશન 2.5 ટકાથી વધીને 4 ટકાએ પહોંચ્યું છે.
ધન્વંતરી રથની સખ્યા 221 અને સંજીવની રથની સંખ્યા 92 કરાઈ
મનપા દ્વારા પોઝિટિવ કેસ વધતાં જ કોન્ટેક્ટ ટ્રેસિંગ પણ વધારવામાં આવી રહ્યું છે. કોન્ટેક્ટ ટ્રેસિંગ માટે મનપા દ્વારા ડોર-ટુ-ડોર સર્વેલન્સની ટીમ પણ વધારવામાં આવી છે. અને તે માટે આજદિન સુધી જે ધન્વંતરી રથ દોડાવાતા હતા તે પણ વધારાયા છે. ગઈકાલ સુધી શહેરમાં 188 ધન્વંતરી રથ દોડાવાતા હતા, જે વધારીને 221 કરાયા છે. તેમજ સંજીવની રથ 63થી વધારી 92 કરાયા છે.