સુરત : શહેરમાં શનિવારે જુદા જુદા વિસ્તારમાં ગેસ સિલિન્ડરના રેગ્યુલેટરમાં આગની ત્રણ ઘટના બની હતી. જેમાં આગની જ્વાળા લાગતા ત્રણ વ્યકિત દાઝયા હતા. જ્યારે ઘટનાને પગલે સ્થાનિકોમાં નાસભાગ મચી ગઈ હતી.
ફાયર વિભાગ (fire department) પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ગોડાદરા વુંદાવન નગરમાં રહેતા રવિન્દ્ર યાદવ તેમના ઘરની અંદર ગેસ સિલિન્ડરનું રિફિલિંગનું કામકાજ કરતા હતા. ત્યારે શનિવારે સાંજના પાંચેક વાગ્યે ગેસ સિલિન્ડરનું રિફિલિંગ (cylinder refiling) કરતી વેળાએ સિલિન્ડરના રેગ્યુલેટરમાં આગ ફાટી નિકળી હતી. આ ઘટનાની ફાયર વિભાગને જાણ થતા ડિંડોલી ફાયર સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. જ્યાં લાશ્કરો (fire fighter)એ આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આસપાસમાં રહેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. રવિન્દ્ર યાદવને ગેસની જ્વાળા લાગતા ઇજા થઇ હતી. ઘરની અંદરથી ફાયર વિભાગે 30 જેટલા ગેસ સિલિન્ડરને સહી સલામત બહાર કાઢ્યા હતા. ઘરમાં ઘરવખરીને નુકશાન થયું હતું. આ ઘટનામાં મોટી દુર્ઘટના બનાતા ટળી હતી. તેમને નોટીસ આપવામાં આવશે તેવું ફાયર ઓફિસર ફાલ્ગુન ગઢવીએ જણાવ્યું હતું.
બીજી ઘટનામાં પાંડેસરામાં દક્ષેશ્વર મંદિર પાસેના ક્રિષ્ણા નગરમાં ભાડુઆત તરીકે રહેતો 38 વર્ષીય દુખી શ્યામ પાણીગ્રહી શનિવારે સવારે 9 વાગ્યે ગેસ સિલિન્ડરના રેગ્યુલેટરમાંથી ગેસ લીકેજ થતા આગ ભડકી ઉઠી હતી. દુખી પાણિગ્રહી સામાન્ય આગ ઓલવવાનાં પ્રયાસ કરતા તેમના ખભા અને હાથના ભાગે આગની જાળ લાગતા દાઝી ગયો હતો. આ અંગે ફાયર વિભાગને જાણ કરતા મજુરા ગેટ અને ભેસ્તાન ફાયર સ્ટેશનથી ફાયરનો કાફલો તેમજ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. જોકે ફાયર જવાનો પહોંચ્યા તે પહેલા સ્થાનિક લોકોએ આગ બુઝાવી નાખી હતી. જ્યારે દાઝી ગયેલા દુખીને સારવાર માટે એમ્બ્યુલન્સમાં નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.
ત્રીજી ઘટનામાં વેલંજામાં સૌરાષ્ટ્ર ગ્રીનસિટી વિભાગ-2 માં ચોથા માળે એક ફલેટમાં ગેસ સિલિન્ડરના રેગ્યુલેટરમાં આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી. આ ઘટનાની મોટાવરાછા ફાયર સ્ટેશનને જાણ થતા ઘટના સ્થળે ધસી ગયા હતા. જ્યાં લાશ્કરોએ અડધો કલાક સુધી સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવતા આસપાસના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ઘરવખરી બળીને ખાખ થઇ ગઇ હતી. રહેવાસી મનસુખભાઇને આગની જ્વાળા કાનના ભાગે લાગતા દાઝી ગયા હતા.