વિરપુર : વિરપુર તાલુકાના જોધપુરના જેજણીકુવા વિસ્તારમાં લટકી પડેલા જીવીત વિજ વાયરોથી સ્થાનિક રહીશોમાં અકસ્માતની ભિતી સેવાઇ રહી છે. વિરપુરમાં વિજ તંત્ર દ્વારા આવા જીવીત લટકી રહેલા વાયરોને ઉંચા કરવામાં આવે તે જરુરી બન્યુ છે. વિરપુરના જેજણીકુવા વિસ્તારમાં 60થી 70 ઘરની વસતી છે. આ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી વીજ કંપનીની બેદરકારીના કારણે જીવંત વાયરો લટકી રહ્યાં છે. આ જીવીત વિજવાયરોના કારણે રહેણાંક વિસ્તારમાં મોટી દુર્ઘટનાનો ભય ઉભો થયો છે.
આ જીવીત વિજ વાયરો છેલ્લા બે માસથી લટકી પડેલી હાલતમાં છે. ઝાડી અને ઝાંખરાઓનું મોટુ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. આ ઝાડી- ઝાંખરા વધી જવાના કારણે વિજ વાયર છેક જમીન સુધી તુટી લટકી પડયો છે. આ બાબતે સ્થાનીક રહીશો દ્વારા વારંવાર મધ્ય ગુજરાત વીજ કંપની વિરપુર કચેરી ખાતે રજુઆતો કરી હોવા છતાં જવાબદાર તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાના કારણે સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો છે. આ જીવીત વિજવાયરોનુ રીપેરીંગ કરવામાં આવે તેવી સ્થાનિકોની ઉગ્ર માંગ ઉઠી છે.
જોધપુરના જેજણીકુવા વિસ્તારમાં છેલ્લા બે માસથી રહેણાંક વિસ્તારમાં જીવંત વીજ વાયરો લટકી પડયા છે. આ બાબતને લઈને વિરપુર એમજીવીસેલની કચેરી ખાતે રજુઆત પણ કરવામાં આવી છે. પરંતુ કર્મચારીઓ દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરી નથી. વિજવાયરના લીધે કોઈને શોક લાગશે તો જવાબદારી કોણ ? આ ઉપરાંત જેજણીકુવા ગામની ડીપીનો ફ્યુજ છાસવારે બળી જાય છે. આ બાબતની પણ જાણ અનેક વખત કરીએ છીએ. તો પણ કોઈ રીપેરીંગ કરવા આવતા નથી. તે માટે ફયુજને જીવના જોખમે અમારે રીપેર કરવો પડે છે.