સાપુતારા : જય જોહાર અને જય આદિવાસીનાં સૂત્ર સાથે ડાંગ (Dang) જિલ્લાનાં વિવિધ આદિવાસી સંગઠનનાં (Tribal organization) ગૃપોએ પાર તાપી (Par tapi) અને નર્મદા લીંક (Narmda link) પ્રોજેક્ટ અંતર્ગત નિર્માણ થનારા મહાકાય ડેમોનાં (Dam) વિરોધ અંગેની ઝુંબેશ સોશિયલ મીડિયાનાં (Social media) ગ્રુપોમાં ચલાવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
સંસદનાં બજેટમાં દક્ષિણ ગુજરાતમાં રીવરલીંકનાં જોડાણ માટે મંજૂરી આપવામાં આવી હતી. જે પ્રોજેક્ટની વાત સામે આવતાની સાથે જ આદિવાસી સમાજમાં વિરોધ ઉભો થયો છે. સાથે આ ડેમ હટાવો અંતર્ગત આદિવાસી સમાજની અનેક સ્થળોએ બેઠકનો દોર પણ શરૂ થઈ ચૂક્યો છે. અગાઉ ડેમનાં વિરોધમાં મીટિંગ પણ યોજાઈ હતી અને સરકાર સામે લડત આપવા ચર્ચા થઈ હતી ત્યારે હાલમાં આદિવાસી સંગઠનો દ્વારા જય જોહાર અને જય આદિવાસીનાં સૂત્ર સાથે સોશિયલ મિડિયામાં ડાંગ બચાવો અને નર્મદા પાર તાપી લિંક હટાવોનું અભિયાન હાથ ધર્યુ છે. જેમાં જણાવ્યુ છે કે સૌ ભેગા મળીને અવાજ ઉઠાવશે તો કેમ શક્ય નહી બને.
આપણા આદિવાસી સમાજની જગ્યા અને જમીન પર જ આવા મોટા કામો કેમ લેવામાં આવે છે. જો આવું જ કરવામાં આવશે તો આપણા આદિવાસી સમાજમાં આપણુ અસ્તિત્વ રહી શકે એમ નથી. સરકારનું આ મોટુ કાવતરુ છે. જેના દ્વારા આપણા સમાજને સ્થળાંતર કરી એનો લાભ બીજા જિલ્લાઓમાં પોહચાડવા માટે કરવામાં આવી રહ્યો છે. એમાં આપણા ડાંગમાં જે ગામોનું સ્થળાંતર થવાનું છે. એ લોકો તેમજ ત્યાનાં મૂળ રહેવાસીઓનું જંગલ જમીન બધુ જ ડૂબી જશે. એ ન થાય એ હેતુથી આપણે એક થઈ એના વિરોધમાં ઉભા થવુ જોઈએ.
ડાંગ જિલ્લામાં મહાકાય ડેમ હટાવો અંતર્ગત સોશિયલ મીડિયામાં વિરોધ
આ રીવર લીંક પ્રોજેક્ટ અંતર્ગત ડાંગનાં આદિવાસીઓ ભેગા મળીને તેનો વિરોધ કરવો જોઈએ. જેથી પ્રોજેક્ટ રોકી શકાય. જો આદિવાસી સમાજ અવાજ નહીં ઉઠાવે તો સરદાર પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં સ્થળે રહેનારા સ્થાયી આદિવાસીઓ જેવી ડાંગનાં રહેવાસીઓની હાલત પણ થશે. જય જોહાર અને જય આદિવાસીનાં સૂત્ર સાથે ડાંગ જિલ્લામાં ડેમ હટાવો અને ડાંગ બચાવો અંતર્ગત સોશિયલ મીડિયામાં લોકોનું સમર્થન અંગેનું આહવાન કરાતા આ મુદ્દો ગરમાયો છે.
અંબિકાનાં ચીકાર પાસે ડેમ બનશે તો 345થી વધુ પરિવારો વિસ્થાપિત બનશે
ડાંગનાં અંબિકા નદી પરનાં ચીકાર ગામ નજીક બનનાર મહાકાય ડેમમાં સાકરપાતળ, ખીરમાણી, કુંડા, બાજ, બારખાંદિયા, ચીકાર, રંભાસ, ચીખલદા, લહાનદાબદર, સાદડમાળ અને સુસરદા ગામ સંપૂર્ણ ડૂબાણમાં જશે. જેમાં 750 હેકટર જમીન ખેડૂતોની ડૂબશે. જંગલ ખાતાની 350 હેક્ટર જમીન તેમજ 150 હેક્ટર નદીઓનાં પટ ડૂબી જશે. જેમાં 10 ગામડાનાં 345થી વધુ પરીવારોને અન્યત્ર ખસેડવાની નોબત ઉઠશે.