આહવા (Ahwa) તાલુકામાં સમાવિષ્ટ અને ગિરિમથક સાપુતારાની ગિરિકંદરાના ખોળામાં સમતલ ભૂમિ ઉપર ધબકતું ગામ એટલે માલેગામ. જેનું નામકરણ ખેતરોની ઉપમા ઉપરથી ડાંગી બોલીમાં ‘માળ’ એટલે માલેગામ પડ્યું હોવાનું વડીલોના મુખે સાંભળવા મળે છે. ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં સમાવિષ્ટ અને ગિરિમથક સાપુતારાના (Saputara) તળેટિય વિસ્તારમાં ડુંગરોની ગોદમાં સમતલ ભૂમિ પર માલેગામ નામનું ગામ આવેલું છે. વર્ષો અગાઉ માલેગામ નજીક સમતલ ભૂમિ પર માળ એટલે ખેતરોની ખુલ્લી જમીનનો પટ હતો. જેના ખેતરોના પટામાં આદિવાસી લોકોએ વસવાટ શરૂ કર્યો હતો. અને આ સ્થળને વડીલો દ્વારા જે-તે સમયે માળ પરથી માળેગાવ + માલેગામનું નામકરણ આપવામાં આવ્યું હોવાનું જાણવા અને સાંભળવા મળે છે. આ ગામ સાપુતારાની તળેટિય વિસ્તારના ગિરિકંદરાના ખોળામાં ધબકતું હોવાથી સાપુતારા ખાતે આવતા પ્રવાસીઓ માટે આદિવાસી સંસ્કૃતિની અસ્મિતા ઉજાગર કરી રહ્યું છે. એકતરફ કુદરતી અણમોલ ખજાના સ્વરૂપે જંગલોની ભેટ અને બીજી તરફ સાપુતારાના રળિયામણા ડુંગરોની પ્રાકૃતિક દેન આ ગામને મળી છે. માલેગામ શામગહાનથી સાપુતારાને જોડતા રાષ્ટ્રીય ધોરી માર્ગને સાંકળે છે. શામગહાન ગામથી 5 કિ.મી.નું અંતર કાપવું પડે છે. જ્યારે સાપુતારાથી 4 કિમીનો ઘાટ માર્ગ કાપવો પડે છે. આ ગામમાં સો ટકા આદિવાસી લોકો વસવાટ કરે છે. જેઓ માત્ર કુનબી, કોંકણી અને ભીલ જ્ઞાતિના છે. આ ગામના 90 ટકા લોકો હિન્દુ ધર્મનું પાલન કરે છે. જ્યારે 10 ટકા લોકો ખ્રિસ્તી ધર્મ પાળે છે. આ ગામમાં હનુમાનજીનું મંદિર પણ આવેલું છે. આ ગામમાં ખ્રિસ્તી ધર્મનું નાનકડું એક ચર્ચ પણ જોવા મળે છે. ગામમાં શ્રી શ્રી જ્ઞાન મંદિર પણ આવેલું છે, જેમાં બાળકોના વ્યક્તિ વિકાસ માટે સફળ પ્રવૃત્તિ કરવામાં આવે છે.
માલેગામની ચર્ચા કરીએ તો ગામની કુલ વસતી આશરે 1935થી વધુ છે, જેમાં પુરુષોની સંખ્યા 1041 છે. જ્યારે સ્ત્રીઓની સંખ્યા 894 છે. આ ગામમાં 303થી વધુ કાચાં અને પાકાં ઘરો આવેલાં છે. સાથે 303થી વધુ નાનાં-મોટાં કુટુંબો આવેલાં છે. ગામમાં ફળિયાંની કુલ સંખ્યા 3 છે, જેમાં 303થી વધુ નાનાં-મોટાં કાચાં અને પાકાં મકાનો આવેલાં છે. માલેગામમાં વર્ષોથી માત્ર કુનબી, કોંકણી અને ભીલ જાતિના આદિવાસી લોકો વસવાટ કરે છે. આ ગામના 95 ટકા લોકો ખેતીનો વ્યવસાય કરે છે. સાથે ગિરિમથક સાપુતારા ખાતે ધંધા-રોજગાર અર્થે જાય છે. અહીં મોટા ભાગના પરિવાર ચોમાસાની ખેતી ઉપર નિર્ભર હોવાના પગલે ખેતીની સાથે પ્રવાસન સ્થળ ખાતે રોજગારી મેળવી આર્થિક સધ્ધરતા પ્રાપ્ત કરી તેમનો નિર્વાહ કરી રહ્યા છે. માલેગામ ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ માલેગામના જ કુલ 5 વોર્ડ આવેલા છે. ગામના ગ્રામ પંચાયતના વોર્ડમાં સભ્યોમાં શિવદાસભાઈ ડી.ઠાકરે, ધન્યાભાઈ આર.પવાર, રેખાબેન બી.ગાયકવાડ, ચંદાબેન પ્રકાશભાઈ પવાર, કમળાબેન દેવરામભાઈ ચૌર્યા સભ્ય તરીકે ચુંટાઈ આવ્યાં છે.
માલેગામ ગ્રુપ ગ્રામ પંચાયતની વાત કરીએ તો અગાઉનાં વર્ષોમાં બહુમતીથી કોંગ્રેસની બોડી ગ્રુપ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં દબદબાભેર ચુંટાઈ આવતી હતી. પરંતુ બાદમાં અહીં ભાજપા અને કોંગ્રેસના ડખા વચ્ચે અપક્ષનાં શિક્ષિત અને યુવા મહિલા ઉમેદવાર તન્મયબેન દેવરામભાઈ ઠાકરેની લોકમત દ્વારા પસંદગી ઉતારાતાં તેઓ સરપંચ તરીકે ચુંટાઈ આવ્યાં છે. માલેગામના વતની મહિલા સરપંચ ગ્રુપ ગ્રામ પંચાયત માલેગામ ખાતે સત્તાની કમાન સંભાળી આદિવાસી લોકોની સમસ્યા નિવારવા માટે સફળ રહ્યાં છે. હાલ આ યુવાન મહિલા સરપંચ ભાજપા સાથે જોડાઈ ગયાં છે. અને ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ ગામોમાં વિકાસકીય કામોને વેગ આપી રહ્યાં છે. તથા 3 ગામની સત્તાની કમાન સંભાળી રહ્યા છે.
માલેગામના લોકોના શિક્ષણ ક્ષેત્રની વાત કરીએ તો કુલ 83.35 ટકા સાક્ષરતા દર છે. અહીં પુરુષોનો સાક્ષરતા દર 90.03 ટકા છે. જ્યારે સ્ત્રીઓનો 75.42 ટકા સાક્ષરતા દર છે. માલેગામના પ્રાથમિક સુવિધાની વાત કરીએ તો આ ગામ શામગહાનથી સાપુતારાને સાંકળતા રાષ્ટ્રીય ધોરી માર્ગને અડીને આવેલું હોવાથી અહીંના ગ્રામજનોને મુખ્ય મથક કે દવાખાને જવા માટે ઉનાળા, શિયાળા કે ચોમાસાની ઋતુમાં સરળતાવાળી સગવડ જોવા મળે છે. આ ગામને જોડતો મુખ્ય માર્ગ ચાર-પાંચ વર્ષ પહેલાં જિલ્લા પંચાયત માર્ગ-મકાન વિભાગની ગ્રાંટમાંથી નવીનીકરણ કરવામાં આવ્યો હતો. ગામમાં સરપંચ દ્વારા મોટા ભાગના તમામ આંતરિક રસ્તા પેવર બ્લોકના બનાવવામાં આવ્યા છે. જે પેવર બ્લોક માર્ગોની હાલત એકંદરે ખૂબ જ સારી છે.
ગામમાં પાણીની સુવિધા વિશે પણ સારી છે. આ ગામને જૂથ પાણી પૂરવઠા યોજના હેઠળ આવરી લેવામાં આવ્યું છે. જેથી ઘર દીઠ નળ કનેક્શનની સુવિધા પૂરી પાડી ઘરે ઘરે પાણી પહોંચાડવા માટે ચાર મોટી ટાંકી પણ બનાવવામાં આવી છે. આ ચારેય ટાંકીમાંથી ઘર ઘર નળ કનેક્શન દ્વારા પાણી પહોંચાડવામાં આવે છે. ગામમાં સરકાર દ્વારા 35થી વધુ બોર આપવામાં આવ્યા છે, જે તમામ બોર કાર્યરત છે. જ્યારે 6 જેટલા બોરની લાઈનો તૂટી ગઈ છે તેવું ગામલોકો જણાવે છે. આ ગામમાં ઉનાળાની ઋતુમાં બે મહિના દરમિયાન પાણીની તંગી પડે છે. જેથી ગ્રુપ ગ્રામ પંચાયતનાં મહિલા સરપંચ લોકોને સ્વખર્ચે પાણીનાં ટેન્કર થકી પાણી પૂરું પાડે છે.
આરોગ્યની સુવિધા વિશે વાત કરીએ તો આ ગામમાં આરોગ્યનું સબ સેન્ટર આવેલું છે, જેમાં જિજ્ઞાસાબેન સોમલુભાઈ પઢિયાર ફરજ બજાવે છે. તથા અહીં સબ સેન્ટરમાં નિયમિત હાજર રહી આરોગ્યલક્ષી સેવા બજાવે છે. ગ્રામજનો દ્વારા ગામની વાર-તહેવારે સાફસફાઈ કરવામાં આવે છે. તથા પંચાયતે ગામમાં દરેક ઘરોમાં શૌચાલયની વ્યવસ્થા કરી આપી છે. અહીં દરેક ઘરમાં શૌચાલયો હોવાથી સ્વચ્છ ભારતનું સપનું સાકાર બનેલું નજરે પડે છે. માલેગામની વર્ષો જૂની સમસ્યામાં સ્મશાનની સમસ્યાનો અંત આવ્યો છે. ગામના સરપંચ દ્વારા 14મા નાણાપંચમાંથી નવા સ્મશાનગૃહનું નિર્માણ કરાતાં હવે ચોમાસામાં મરણ થાય તો અંતિમવિધિમાં ગામના લોકોને રાહત થઈ છે.
સિંચાઈની દૃષ્ટિએ ગામ નજીક નાના-મોટા ચેકડેમો બનાવવામાં આવ્યા છે. પરંતુ આ ચેકડેમોમાં માત્ર ચોમાસા તથા શિયાળાની ઋતુમાં જ પાણી સંગ્રહ જોવા મળે છે. બાદ ઉનાળામાં લીકેજ હોવાના પગલે પાણી વગર કોરાકટ બની જાય છે. જેથી ઢોરઢાંખરને પાણી માટે વલખા મારવાની નોબત ઊભી થાય છે. આ ગામમાં ચોમાસા દરમિયાન ખેડૂતો દ્વારા ડાંગર, નાગલી, શાકભાજી, કઠોળ વગેરે પાકોનું ઉત્પાદન કરવામાં આવે છે. જ્યારે કેટલાક ખેડૂતોએ પાણીની સુવિધાઓ માટે સ્વ ખર્ચ ખેતરોમાં બોર અને કૂવા દ્વારા પાણીની સુવિધાઓ કરી છે. પરંતુ ઉનાળામાં આ ગામમાં કૂવા તથા નજીકના કોતરડા વિસ્તારના નાનકડા ચેકડેમોમાં પાણીનાં સ્તર નીચાં જતાં ખેડૂતોએ માત્ર ચોમાસાની ઋતુમાં જ મોટા ભાગે ખેતી ઉપર નિર્ભર થઇ ગુજરાન ચલાવવું પડે છે. પશુપાલનનો વ્યવસાય અહીં પૂરક વ્યવસાય બની ગયો છે. ગામમાં નાના-મોટા ખેડૂતો ગાય, ભેંસ, બકરાંનો ઉછેર કરી આર્થિક આવક મેળવે છે. ગામમાં દક્ષિણ ગુજરાત વિ.પ્રા.લિ.નું 66 કે.વી.નું જી.ઈ.ટી.સી.ઓ.નું જેટકોનું વીજ સબ સ્ટેશન પણ આવેલું છે. વીજકંપની દ્વારા આ ગામમાં 24 કલાક વીજળી આપવામાં આવે છે. ગામમાં 20થી વધુ સખીમંડળ પણ છે. જેઓ પૈસાની બચત કરી જરૂરિયાતમંદ લોકોને વ્યાજ ઉપર આપી મદદ કરે છે.
ગામનાં બાળકોના વિકાસ માટે 2 જેટલી આંગણવાડી આવેલી છે. આ ગામમાં આંગણવાડી વર્કર તરીકે મીરાબેન ચીંતામણભાઈ ગાયકવાડ તથા ગુંતાબેન સી.પવાર ફરજ બજાવે છે, જેમાં 78 જેટલાં નાનાં ભૂલકાંને પાયાનું શિક્ષણ આપવામાં આવે છે. જ્યારે ગામમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાના 1થી 8 ધોરણમાં 233 બાળક મફત શિક્ષણનો સરકારની યોજનાનો લાભ લઈ અભ્યાસ કરી રહ્યા છે. શાળાનાં મુખ્ય શિક્ષક તરીકે કુસુમબેન એમ. માહલા તથા કેન્દ્ર શિક્ષક તરીકે નવીનભાઈ જે. માહલા તથા મદદનીશ શિક્ષકોમાં વલ્લભભાઈ કે.કનસ્યા, વનાભાઈ બી. પ્રજાપતિ, જ્યોતિબેન કે.ગામીત, ઈલાબેન આર.પટેલ, સંગીતાબેન ડી.પટેલ, સંજયકુમાર એમ.ભોયેના ફરજ બજાવે છે. શાળામાં બાળકોને પીવાના પાણી માટે આર.ઓ. પ્લાનની સુવિધા નથી. તથા આ શાળાના શિક્ષકો નિયમિત રીતે શાળામાં આવી આદિવાસી ભૂલકાંને શિક્ષણ આપે છે. પરંતુ હાલમાં કોરોનાની મહામારીમાં શાળાઓ બંધ હોવાથી ગામમાં બાળકોનાં ઘરે ઘરે જઈ શિક્ષકો સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ઓટલા શિક્ષણ કાર્ય કરાવી રહ્યા છે તેવું ગ્રામજનો જણાવી રહ્યા છે.
ગામનાં તલાટી કમ મંત્રી તરીકે માધુરીબેન એસ. ઠાકરે કામગીરી કરે છે. તેમના ચાર્જમાં અન્ય ગ્રુપ ગ્રામ પંચાયતનાં ગામડાં પણ આવે છે. આ તલાટી કમ મંત્રી પણ પંચાયતની કામગીરી નિયમિત કરી રહ્યાં છે. ગ્રુપ ગ્રામ પંચાયતની કચેરી માલેગામ ખાતે કાર્યરત હોવાથી ગામના લોકોને દાખલા સહિત અન્ય કામગીરી માટે સરળતા પડે છે. ગામના લોકોની એકતા પણ અનેરી છે. અહીં ગ્રામજનો નવરાત્રિ, ગણેશ ઉત્સવ, જમાષ્ટમી, હોળી, ડુંગરદેવ, તેરા, નાગપંચમી, રક્ષાબંધન, મકરસંક્રાંતિ, દિવાળી, નાતાલ જેવા તહેવારોમાં સાથે મળી શ્રદ્ધા તથા ધામધૂમપૂર્વક ઉજવણી કરે છે. સરપંચ તન્મયબેન ઠાકરેએ જણાવ્યું હતું કે, છેલ્લાં ઘણાં વર્ષોથી હું સેવા આપી રહી છું. અને ગામમાં જ રહું છું. જેથી ગામના તમામ લોકો સાથે સંપર્કમાં રહું છું. ગામલોકોનાં સલાહ-સૂચન મુજબ ગામમાં વિકાસનાં કામોની ચર્ચા કરી ઉપલા લેવલે રજૂઆત કરી યોજના સફળ બનાવીએ છીએ. અમારા ગામમાં શાંતિનો માહોલ જોવા મળે છે. અને તેઓ ગામના હિતેચ્છુને સારી રીતે ઓળખે છે. સરપંચ તરીકે ચુંટાયા બાદ સરકારની ગ્રાન્ટ થકી ગામનો વિકાસ સારી રીતે કરવામાં આવી રહ્યો છે. વધુમાં માલેગામમાં આવતા પ્રવાસીઓ સાથે પણ ગામના લોકો સારો વ્યવહાર કરી સાથ સહકાર આપે છે.
માલેગામના વડીલ આગેવાન શિવદાસભાઈ દેવાજી ઠાકરે, રતનભાઈ ઝીપરભાઈ પવાર તથા કાશીરામભાઈ સોમા ઠાકરે, જીવલ્યાભાઈ જાન્યાભાઈ ચૌર્યા, રામદાસભાઈ શુકરેભાઈ ગાયકવાડ, બાળુભાઈ શુકરે ગાયકવાડ છેલ્લાં ઘણાં વર્ષોથી અગ્રણી અને લોકસેવક તરીકે સેવા આપી રહ્યા છે. ગામમાં કોઈપણ મુશ્કેલી તથા કોઈપણ તકરાર હોય તો તેઓ બંને પક્ષને ગામના પંચમાં ભેગા કરી મધ્યસ્થી બની સુખદ સમાધાન પણ કરાવી આપે છે. તથા ગામના શિક્ષિત યુવાનોને પણ યોગ્ય માર્ગદર્શન આપે છે. સાપુતારાની તળેટીમાં આવેલા માલેગામ ખાતે ત્રણ વૈધરાજમાં અર્જુનભાઈ ગોવિંદભાઈ ભોયે, કેવજીભાઈ લાહનુભાઈ પવાર તથા ભાસ્કરભાઈ બી.ભોયે લોકોને અસાધ્ય બીમારીઓમાં જડીબુટ્ટી આપી યોગ્ય સારવાર પણ આપી રહ્યા છે.
પ.પૂ.પી.પી.સ્વામીજી પ્રયોશા પ્રતિષ્ઠાન ટ્રસ્ટની સેવાની ધૂણી
ડાંગ જિલ્લાના અંધાર મુલકમાં 1998થી પ.પૂ.પી.પી.સ્વામીજી પ્રયોશા પ્રતિષ્ઠાન ટ્રસ્ટ સેવાની ધૂણી ધખાવે છે. પ.પૂ.પી.પી.સ્વામીજીની વાત કરીએ તો લગભગ 1998ના સાલમાં તેઓએ ડાંગ જિલ્લામાં ભ્રમણ કર્યું અને શેરડીનાં ખેતરોમાં મજૂરીકામ માટે પરગામ જતા આદિવાસી માતાપિતાનાં સંતાનોની શૈક્ષણિક કારકિર્દી પર પડતા મોસમી ગાબડાંના અકસીર નિવારણ માટે તેમણે સૌપ્રથમ તંબુ શાળાઓની શરૂઆત કરી આદિવાસી ભૂલકાંને અક્ષરજ્ઞાન, આરોગ્ય, અન્નદાનની સેવાઓ પૂરી પાડી હતી. અહીં સેવા અને શિક્ષણની ધૂણીનો ઉજાસ પ્રજ્વલિત રહે એ માટે તેમણે પ્રયોશા પ્રતિષ્ઠાન ટ્રસ્ટની સ્થાપના કરી હતી અને ગોવિંદભાઈ ધોળકિયા, કેશુભાઈ ગોટી, લાલજીભાઈ પટેલ, માવજીભાઈ સવાણી, અનુભાઈ તેજાણી, લવજીભાઈ બાદશાહ, ડો.ગીરીશભાઈ શાહ, પ્રફુલભાઈ શાહ, મહેશભાઈ સવાણી, મુકેશભાઈ પટેલ, મનહરભાઈ સાસપરા, તુષારભાઈ ઘેલાણી, કિશોરભાઈ માવાણી, હરિભાઈ કથીરિયા, પરેશભાઈ પટેલ, કાનજીભાઈ ભાલાળા, રમેશભાઈ વઘાસીયા, જનકભાઈ બગદાણા, તુષારભાઈ ઘેલાણી, સુરેશભાઈ ડાંખરા, સવજીભાઈ વેકરિયા, સવજીભાઈ પટેલ તથા વરજાગભાઈ ઝીલડિયા સુરતના દાનવીર અગ્રણીઓની મદદથી વર્ષ-2002માં સાપુતારાની તળેટિય વિસ્તારમાં આવેલા માલેગામ ખાતે આદિવાસી વિદ્યાર્થીઓનાં ઉત્થાન માટે સંતોકબા ધોળકિયા વિદ્યામંદિર સંકુલનું નિર્માણ કર્યું. અને શિક્ષણની સફળ જ્યોત પ્રગટાવી સેવાની ધૂણી સાર્થક કરી. સંતોકબા ધોળકિયા વિદ્યામંદિર-માલેગામ શાળામાંથી પ.પૂ.પી.પી.સ્વામીજીનાં સાંનિધ્યમાં આજદિન સુધીમાં 142 વિદ્યાર્થીઓ એન્જિનિયર, 12 વિદ્યાર્થી ડોક્ટર, 8 વિદ્યાર્થીઓ ડેન્ટિસ્ટ, 1 વિદ્યાર્થી આર્કિટેક્ટ, 136 વિદ્યાર્થી બી.એસ.સી નર્સિંગ, 5 વિદ્યાર્થી ફિઝિયોથેરાપીસ્ટ, 7 વિદ્યાર્થી ફાર્માસિસ્ટ, 28 વિદ્યાર્થી શિક્ષક, 16 વિદ્યાર્થી વર્ગ-2 તથા 20 વિદ્યાર્થી વર્ગ-3ની નોકરી મેળવી સ્થાયી બન્યા છે. વધુમાં આ શાળામાં અભ્યાસ કરી રહેલા આદિવાસી ગરીબ વિદ્યાર્થી અવિરાજ એસ. ચૌધરી થોરપાડા-ડાંગએ ગત વર્ષે આઈ.આઈ.ટી. દિલ્હીમાં પ્રવેશ મેળવી ડાંગનું નામ રોશન કર્યું છે.
છેવાડાના વિસ્તારમાંથી પ્રથમ વખત આઈ.આઈ.ટી.માં પ્રવેશ મેળવનાર આદિવાસી વિદ્યાર્થીનો સંતોકબા ધોળકિયા વિદ્યામંદિરના પ.પૂ. પી.પી.સ્વામીજીએ તમામ ખર્ચો ઉપાડી સેવાનું સચોટ ઉદાહરણ બતાવી દીધું છે. સંતોકબા ધોળકિયા વિદ્યામંદિર માલેગામ વર્ષ-2018થી 2020 સુધીમાં ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાની શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ મેળવી ચૂકી છે. આ શાળામાં હાલમાં 9થી 12ના સુવિધાયુક્ત વર્ગખંડો છે. આ શાળામાં કુમાર અને કન્યાઓ માટે સુવિધાયુક્ત હોસ્ટેલ પણ છે. હાલમાં ધોરણ-9થી 12માં 350 જેટલા વિદ્યાર્થી નોંધાયેલા છે. કોરોનાની મહામારીમાં શાળાઓ બંધ હોવાથી શિક્ષકો ઓનલાઈન અને ઓટલા શિક્ષણના માધ્યમથી શિક્ષણ આપી રહ્યા છે. સંતોકબા ધોળકિયા વિદ્યામંદિરમાં પી.પી.સ્વામીજીનાં સાંનિધ્યમાં કેમ્પસ ડાયરેક્ટર તરીકે કરશનભાઈ ધામેલીયા સેવા આપી રહ્યા છે. આ શાળામાં આચાર્ય તરીકે વિરલકુમાર ડી.ટંડેલ તથા શિક્ષકોમાં પંકજભાઈ એમ.પટેલ, વિજયભાઈ આર.પવાર, ઈંદુબેન બી.જાગાણી, પ્રદીપભાઈ બી.પવાર, દિનેશભાઇ ડી.ધૂમ, અરુણભાઈ એમ.ચૌર્યા અને ક્લાર્ક તરીકે હિતેશભાઈ બી.ભોયે ફરજ બજાવી રહ્યા છે. સંતોકબા ધોળકિયા વિદ્યામંદિર માલેગામ શાળાનું ધોરણ-10 એસ.એસ.સી. બોર્ડનું પરિણામ (1) વર્ષ-2015-16માં 97.60 ટકા, (2) વર્ષ 2016-17માં 92.17 ટકા, (3) વર્ષ 2017-18માં 89.52 ટકા, (4) વર્ષ 2018-19માં 90.08 ટકા, (5) વર્ષ 2019-20માં 77.78 જેટલુ સફળ રહ્યું છે. જ્યારે ધોરણ-12 એચ.એસ.સી. બોર્ડ વિજ્ઞાન પ્રવાહનું (1) વર્ષ 2015-16માં 81.82 ટકા, (2) વર્ષ 2016-17માં 91.11 ટકા, (3) વર્ષ 2017-18માં 85.71 ટકા, (4) વર્ષ 2018-19માં 77.36 ટકા, (5) વર્ષ 2019-20માં 69.09 ટકા જેટલું નોંધપાત્ર સારું પરિણામ નોંધાયું છે.
આદિવાસી વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે અદ્યતન સુવિધાઓની સાથે શિક્ષણ પ્રસરાવતી એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ માલેગામ…
ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા સંચાલિત એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ-માલેગામ ખાતે વર્ષ-2014ના વર્ષથી શરૂ કરાઈ છે. આ એકલવ્ય મોડેલ સ્કૂલમાં ધોરણ-6થી ધોરણ-10ના વર્ગો છે. માલેગામની એકલવ્ય મોડેલ સ્કૂલમાં કુલ 233 વિદ્યાર્થી નોંધાયેલા છે. એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ-માલેગામ ખાતે આદિવાસી વિદ્યાર્થીઓ માટે શાળામાં અદ્યતન કમ્પ્યૂટર લેબ, સ્માર્ટ ક્લાસ, રમતગમતનું મેદાન, સ્પોર્ટ્સ ઓથોરિટી દ્વારા એથ્લેટિક્સ અને હોકી માટે કુશળ ટ્રેનરોની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં અભ્યાસ કરતા આદિવાસી વિદ્યાર્થીઓ માટે આદિજાતિ વિભાગ દ્વારા તમામ અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ-માલેગામ ખાતે અભ્યાસ કરતા આદિવાસી વિદ્યાર્થીઓને સરકાર દ્વારા તમામ સુવિધાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે. એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ-માલેગામ ખાતે આચાર્ય તરીકે કલ્પેશકુમાર.એમ પટેલ તથા 8 શિક્ષક ફરજ બજાવી રહ્યા છે. એકલવ્ય મોડેલ સ્કૂલ માલેગામનું ધોરણ-10 એસ.એસ.સી. બોર્ડનું પરિણામ (1) વર્ષ-2016-17માં 82.50 ટકા, (2) વર્ષ-2017-18માં 73.33 ટકા, (3) વર્ષ 2018-19માં 94.44 ટકા, (4) વર્ષ 2019-20માં 85.71 ટકા, (5) 2020-21માં 100 ટકા માસ પ્રમોશન.
માલેગામની ગિરિકંદરાઓમાં વિકાસમાન અંબિકા વૂડ હાઉસ વેલી, ટેન્ટ સિટી, ટેન્ટ એડ્વેન્ચર પાર્ક પ્રવાસીઓને નવલું નજરાણું પૂરું પાડે છે
માલેગામમાં પણ પ્રવાસીઓને કુદરતી સૌંદર્યમાં રહેઠાણની સુવિધાઓ ઉપલબ્ધ થતાં આ ગામમાં નવું મોરપીંછ જોવા મળી રહે છે. રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારાની તળેટિય વિસ્તારમાં આવેલ માલેગામ પણ હવે પ્રવાસન ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે. માલેગામના વનાચ્છાદિત સમતલ જગ્યામાં અંબિકા વૂડ હાઉસ વેલી પ્રવાસીઓ માટે રહેવાની સગવડમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સાથે માલેગામમાં બેથી ત્રણ જગ્યાએ વિકસિત ટેન્ટ સિટી અને ટેન્ટ એડ્વેન્ચર સિટી હાઉસ પ્રવાસીઓને અદ્યતન સુવિધાઓ પૂરી પાડે છે. ટેન્ટ એડ્વેન્ચર સિટી હાઉસમાં રહેવાની સગવડ સાથે વિવિધ એડ્વેન્ચર એક્ટિવિટીઓનો પ્રવાસીઓ ભરપૂર આસ્વાદ માણે છે. પ્રકૃતિની ગોદમાં આ ટેન્ટ સિટીઓ આવેલી હોવાના પગલે અહીં પ્રવાસીઓની પહેલી પસંદગી જોવા મળે છે. વેલી અને ટેન્ટ સિટીમાં ઓનલાઈન બુકિંગ દ્વારા રૂમો બુક કરાવી કુદરતી અણમોલ ખજાનાનો આસ્વાદ માણી શકાય છે. માલેગામમાં ટેન્ટ સિટી હાઉસના પગલે સ્થાનિકોને રોજગારી પણ મળી રહે છે.
માલેગામ ટોલબૂથ પર પ્રવેશકરથી સરકારની આવકમાં વધારો
માલેગામ ટોલબૂથ પર ઉઘરાવાતો પ્રવેશકર સરકારની આવકમાં વધારો કરે છે. માલેગામમાં સાપુતારાનાં પ્રવેશકર પેટે દરેક વાહનો પાસે પ્રવેશ કર ઉઘરાવવામાં આવે છે. આ ટોલબૂથ ગ્રામ પંચાયત હસ્તક નથી. આ પ્રવેશ કર ટોલબૂથ નોટિફાઈડ કચેરી હસ્તક હોવાથી સરકારની આવકમાં વધારો કરે છે. સાથે આ ટોલબૂથ ઉપર માલેગામના સ્થાનિક યુવાનોને રોજગારી પણ ઉપલબ્ધ થાય છે.