સાપુતારા : અંગ્રેજોની આધિનતા નહીં સ્વીકારનારા ડાંગના (Dang) રાજવીઓની શૌર્યગાથાનો ઉલ્લેખ કરીને, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ (Governor Acharya Devvrat) ડાંગ દરબારમાં પધારેલા મહાનુભાવોનું સ્વાગત કર્યુ હતુ. કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યા બાદ રાજ્યપાલે આદિવાસી (Adivasi) સમાજની જીવનશૈલી, તેમનો પ્રકૃત્તિપ્રેમ, કલા વારસાને જાણવાનો અવસર પુરો પાડતા ડાંગ દરબારની પૃષ્ઠભૂમિનો ઉલ્લેખ કર્યો હતો.
રાજા, રજવાડાઓની માતૃભૂમિ પ્રત્યેની દેશભક્તિની અપ્રતિમ ચાહનાને યાદ કરતા આ ઐતિહાસિક મહોત્સવને કારણે, દેશની શુરવીરતા, શૌર્યગાથા, અને આદિવાસી ગૌરવને જાણવાનો અવસર પ્રદાન થાય છે તેમ પણ રાજ્યપાલે ઉમેર્યુ હતું. ડાંગના રાજવીઓની ઉચ્ચત્તમ દેશભક્તિની ભાવનાને પ્રણામ કરી રાજ્યપાલે, આદિવાસી પ્રદેશના વિકાસમાં, તેમના યોગદાનની નોંધ લઇ આ પ્રદેશના લોકો પણ હવે વિકાસની મુખ્યધારામાં જોડાઇ રહ્યા છે તેમ જણાવ્યું હતું.
પ્રાકૃતિક પ્રવાસન સ્થળોના સર્વાંગિણ વિકાસની સાથે સાથે દર્શનીય યાત્રાધામો ખાતે આવતા સહેલાણીઓ માટે પાયાકિય સુવિધાઓનો વ્યાપ વધારવા ઉપર ભાર મુકતા રાજ્યપાલએ, પ્રાકૃતિક સૌંદર્યના ખજાના સમાન ડાંગ જિલ્લાના ધાર્મિક, ઐતિહાસિક સ્થળોને કારણે અહીં પ્રવાસન પ્રવૃત્તિના વધી રહેલા વ્યાપને કારણે, ડાંગ જિલ્લો વિકાસની નવી ઊંચાઇને આંબી રહ્યો છે તેમ જણાવ્યુ હતુ.
દરમિયાન સાંસદ ડો.કે.સી.પટેલ, ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ મંગળ ગાવિત, અને ધારાસભ્ય વિજય પટેલે તેમના સંદેશામા, ડાંગના આ પોતિકા ઉત્સવને વર્ષો વર્ષ ગરિમા પ્રદાન કરવા બદલ સરકાર પ્રત્યે અહોભાવ પ્રગટ કર્યો હતો. દરમિયાન રાજ્યપાલના હસ્તે ડાંગના માજી રાજવીઓનુ યથોચિત સન્માન કરાયુ હતુ. ડાંગ દરબારના ઐતિહાસિક કાર્યક્રમમાં રાજ્યપાલના હસ્તે માજી રાજવીઓ, નાયકો અને તેમના ભાઉબંધોને વાર્ષિક પોલિટિકલ પેન્શનની ટોકન રકમ પણ અર્પણ કરી હતી. રાજભવન વતી પણ વિશેષ મોમેન્ટો અર્પણ કરીને, રાજ્યપાલએ સન્માન કર્યુ હતુ. પ્રત્યુત્તરમા ડાંગના રાજવીઓએ પણ ડાંગ પ્રદેશના સમગ્ર પ્રજાજનો વતી રાજ્યપાલને ધનુષબાણ અર્પણ કરી, અને પાઘડી પહેરાવી સન્માન કર્યુ હતુ.
કેટલાક લોકો, ડાંગમાં મોટા ડેમ બાબ તે ભ્રમ ફેલાવી રહ્યા છે
જિલ્લાના પ્રભારી મંત્રી નરેશ પટેલે રાજ્ય સરકારના હકારાત્મક અભિગમ સાથે ટૂંક સમયમાં રાજવીઓને અપાતા પોલિટિકલ પેન્શનની રકમમાં વધારો થશે, તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. સરકારના એક જવાબદાર મંત્રી તરીકે ફરી એકવાર કેટલાક લોકો, ડાંગ વિસ્તારમાં મોટા ડેમો બાબતે ખોટો ભ્રમ ફેલાવી રહ્યા છે, તેનાથી કોઈએ ભરમાવવાની જરૂર નથી તેમ સ્પષ્ટપણે મંત્રી નરેશ પટેલે જણાવ્યુ હતુ.
જનમેદનીને ડાંગી નૃત્યો સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો નીહાળવા મળ્યા
ઉપસ્થિત જનમેદનીને ડાંગની સાંસ્કૃતિક ઝલક રજુ કરતા ડાંગી નૃત્યો સહિત દેશના અન્ય પ્રદેશના સાંસ્કૃતિક કાર્યક્રમો પણ નિહાળવા મળ્યા હતા. ડાંગની ઐતિહાસિક પ્રણાલી અનુસાર ડાંગના માજી રાજવીઓની જિલ્લા સેવા સદન ખાતેથી નીકળેલી ભવ્ય શોભાયાત્રા, નગરના મુખ્ય માર્ગ ઉપર ફરી હતી. શણગારેલી બગીઓમા નિકળેલી રાજવીઓની સવારી દરમિયાન, તેમણે પ્રજાજનોનુ અભિવાદન ઝીલ્યુ હતુ.