સાપુતારા : ડાંગ જિલ્લાનાં (Dang District) ઉત્તર વન વિભાગનાં (Forest Department) ડી સી.એફ. દિનેશ રબારીનાં માર્ગદર્શન હેઠળ ભેંસકાતરી રેંજનાં આર.એફ.ઓ. એસ.કે.કોંકણીની વનકર્મીઓની ટીમે લાગુ ડાંગ અને તાપી જિલ્લાનાં સરહદીય જંગલવિસ્તારમાં (Forest Area) સઘન પેટ્રોલિંગ હાથ ધર્યુ હતુ. તે દરમ્યાન ડાંગ જિલ્લાનાં ભેંસકાતરી રેંજનાં આર.એફ.ઓ એસ.કે. કોંકણીને બાતમી મળી હતી કે શિરીષપાડાથી એક્સયુવી ગાડીમાં ગેરકાયદેસર સાગી ચોરસા ભરી લઈ જવાઈ રહ્યા છે. જે બાતમીનાં આધારે ભેંસકાતરી રેંજની ટીમે વોચ ગોઠવતા એક્સ.યુ.વી. ગાડી નં. જી.જે.01.કે.ક્યુ.6373 શંકાસ્પદ લાગતા તેને રોકવાનો પ્રયાસ કરતા આ ગાડીનાં ચાલકે ગાડીને શિરીષપાડાથી સૈરેયા રોડ પરથી વ્યારા તરફ હંકારી મૂકી હતી.
ગાડીને 50 કિલોમીટર દૂર ધનમોલીથી ઝડપી પાડી હતી
બાદમાં ભેંસકાતરી રેંજની ટીમે વ્યારા વન વિભાગની ટીમને જાણ કરી ઠેરઠેર નાકાબંધી કરી આ એક્સયુવી ગાડીનો પીછો કરતા આ ગાડીને 50 કિલોમીટર દૂર ધનમોલીથી ઝડપી પાડી હતી. જેમાં ડ્રાઈવર અંધારાનો લાભ લઈ નાસી છુટ્યો હતો. વન વિભાગની ટીમે એક્સયુવી ગાડીમાં તપાસ હાથ ધરતા તેમાંથી ગેરકાયદેસર સાગી ચોરસા નંગ-12 જેની અંદાજીત કિંમત 65,000 હજાર તથા એક્સયુવી ગાડીની કિંમત 4,50,000 મળી કુલ 5,15,000 નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
કન્ટેનરમાં લઇ જવાતો ૧૨.૯૨ લાખના દારૂના જથ્થા સાથે એક ઝડપાયો
પારડી : પારડીના બગવાડા ટોલનાકા પોલીસે બોગસ બિલ્ટીના આધારે દમણથી કન્ટેઇનરમાં બારડોલી લઇ જવાતો રૂ.૧૨.૯૨ લાખનો દારૂનો જથ્થો જપ્ત કયોઁ હતો. પોલીસે ચાલકની ધરપકડ કરી બે શખ્સને વોન્ટેડ જાહેર કયાઁ હતા. ચાલકને ભાડા પેટે રૂ.10 હજાર આપવાનું નક્કી કરાયું હતું. દારૂનો જથ્થો દમણથી અજાણ્યા શખ્સ દ્વારા ભરી બારડોલી રવાના કરાયો હતો.પારડીના બગવાડા ટોલનાકા નેહાનં. 48 વાપીથી સુરત જતા ટ્રેક ઉપર એક ટ્રેલરમાં દારૂનો જથ્થો સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો. સંઘપ્રદેશ દમણથી દારૂનો જથ્થો ભરી લઈ જતા હોવાની બાતમીના આધારે પોલીસે બગવાડા ટોલનાકા પર વોચ ગોઠવી બાતમીવાળું કન્ટેનર નંબર એમએચ 46 બી એમ 9774 ને રોક્યું હતું. જેમાં તપાસ કરતા કુલ 385 પેટીમાં દારૂની બોટલો નંગ 16,356 મળી આવી હતી.
દારૂ ભરાવનાર અને મંગાવનાર બે ઇસમને વોન્ટેડ બતાવ્યા
જે અંગે ચાલકે બોગસ બિલ્ટી રજૂ કર્યા હતા. કન્ટેનર ચાલક અશોક દાનબહાદુર યાદવ (રહે મહારાષ્ટ્ર મૂળ રહે. યુપી)ને આ દારૂનો જથ્થો કોને આપવાનો તે બાબતે પૂછતા અજાણ્યો ઈસમ ભાડા પેટે રૂ.10,000 આપી ટેલરમાં દારૂનો જથ્થો ભરાવી બારડોલી સુરત ખાતે રવાના કરવાનું જણાવ્યું હતું. પોલીસે દારૂ ભરાવનાર અને મંગાવનાર બે ઇસમને વોન્ટેડ બતાવ્યા હતા. 385 પેટીમાં દારૂની કિં.રૂ.12,92,400, કન્ટેનરની કિં.રૂ.20 લાખ, મોબાઈલ, રોકડા 10,000 સહિત કુલ 33 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. પોલીસે એક ઈસમની ધરપકડ કરી બેને વોન્ટેડ જાહેર કરી પ્રોહિબિશન હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.