મોઢામાં શિકાર લઇને ફરતો દીપડાનો વિડીયો વાયરલ #ગુજરાતમિત્ર #viralvideo #Gujarat #dang pic.twitter.com/Dc5avlMB9m
— Gujaratmitra (@Gujaratmitr) October 18, 2023
ઘેજ : ચીખલીના વિવિધ ગામોમાં દીપડાની દહેશત વચ્ચે મોઢામાં શિકાર લઇને ફરતો દીપડાનો વિડીયો વાયરલ થતા લોકોમાં ગભરાટનો માહોલ યથાવત રહેવા પામ્યો છે. જો કે વિડીયો ક્યાંનો છે તે વન વિભાગ દ્વારા પૃષ્ટિ કરવામાં આવી નથી પરંતુ સોશિયલ મિડીયામાં બામણવેલ-પૌકડા માર્ગનો હોવાનો ઉલ્લેખ કરાયો છે. સાદડવેલમાં દીપડો દેખાતા વન વિભાગ દ્વારા પાંજરૂ ગોઠવવાની તજવીજ હાથ ધરાઇ હતી.
સાદકપોરમાં દીપડાએ હાહાકાર મચાવ્યા બાદ બાજુના પિપલગભણ ગામમાં પણ દીપડો નજરે પડ્યો હતો. બાદમાં હાલે સોશિયલ મીડિયામાં દીપડાનો વિડીયો વાયરલ થયો છે તેમાં રાત્રિ દરમ્યાન દીપડો તેના મોઢામાં કોઇ શિકારને દબોચી માર્ગ પરથી પસાર થઇ ઝાડી ઝાંખરામાં જતો નજરે પડી રહ્યો છે. આ રસ્તો બામણવેલ-ખૂંધ-પોંકડા માર્ગનો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો કે વન વિભાગે તેની પુષ્ટી કરી ન હતી.
વન વિભાગે સાદકપોરના પહાડ ફળિયામાં બે, ચાડિયા અને હાઇસ્કૂલ પાસે એક-એક તથા ખુડવેલ પિપલગભણ અને દેગામમાં મળી કુલ સાતેક જેટલા પાંજરા ગોઠવ્યા છે. તાલુકાના સાદડવેલ ગામના સોનારિયાના નવા ફળીયા વિસ્તારમાં દીપડો સ્થાનિકોને નજરે ચઢતા આ અંગેની જાણ શૈલેષભાઇએ કરતા વન વિભાગે પાંજરૂ ગોઠવવાની તજવીજ હાથ ધરી હતી. આમ સંખ્યાબંધ ગામોમાં દીપડાની અવરજવર વધતા લોકોની મુશ્કેલી વધવા સાથે વન વિભાગનો સ્ટાફ પણ દોડતો થઇ જવા પામ્યો છે.
- ડાંગ જિલ્લામાં લેપર્ડ પાર્ક બનાવવાની યોજના અભરાઇએ
ચીખલી જેવા વિસ્તારોમાં જંગલોમાંથી દીપડાઓનું સ્થળાંતર અટકાવવા અને કાયમી નિરાકરણ માટે વન વિભાગની ડાંગ જિલ્લામાં લેપર્ડ પાર્ક બનાવવાની યોજના અભરાઇએ ચઢી જવા પામી છે. ચીખલી તાલુકામાં આમ તો ચોમાસા બાદ શેરડીનું કટીંગ શરૂ થતા ખેતરો ખાલી થતા જાહેરમાં દીપડાની અવરજવર જોવા મળતી હતી. હાલે તો તે પૂર્વે જ અવરજવર જોવા મળી રહી છે ત્યારે શેરડીનું કટીંગ શરૂ થયા બાદ તો વધુ ગામોમાં વધુ દીપડાઓ લટાર મારતા જોવા મળે તો નવાઇ નહીં. - જંગલોમાં ખોરાક, પાણી નહીં મળતા દીપડાઓનું સ્થળાંતર
જંગલોમાં પૂરતા પ્રમાણ ખોરાક પાણી નહીં મળતા દીપડાઓ સ્થળાંતર કરતા હોય છે ત્યારે દીપડાઓને તમામ સુવિધા ઉપલબ્ધ થાય અને સ્થળાંતર અટકાવવા સાથે પ્રવાસન ઉદ્યોગને પણ ફાયદો થાય તે માટે ડાંગ જિલ્લાના સાપુતારા રોડ પર શામગહાન નજીક ઘણા સમય પૂર્વે લેપર્ડ પાર્ક બનાવવાની વિચારણા થઇ હતી. પરંતુ આજદિન સુધી તેમાં કોઇ પ્રગતિ થઇ નથી ત્યારે લોકો અને લોકોના જાનમાલની સલામતી માટે વન વિભાગ લેપર્ડ પાર્ક બનાવવાની દિશામાં આયોજન કરાઇ તે જરૂરી છે. - લેપર્ડ પાર્ક બનાવવાની યોજના હોલ્ડ પર છે
ડાંગ દક્ષિણ વન વિભાગના નાયબ વન સંરક્ષક રવિ પ્રસાદે જણાવ્યુ હતુ કે ડાંગ જિલ્લામાં લેપર્ડ પાર્ક બનાવવાની યોજના હાલે હોલ્ડ પર છે અને જગ્યાનું પણ ફાઇનલ થયેલું નથી. આ બાબતે હાલે કોઇ કામગીરી થયેલી નથી.