દમણ: (Daman) સંઘપ્રદેશ દમણના ખારીવાડ ગોકુલધામ સોસાયટીમાં (Society) સાતમા માળે રહેતા 48 વર્ષીય બંગાળી બાબુની હત્યાનો (Murder) ભેદ આખરે ઉકેલાઈ ગયો છે. મૃતક સંજીવ બેનરજીની ત્રીજી પત્નીએ (Wife) કોઈ વાતને લઈને થયેલા ઝઘડા બાદ નજીકમાં તૂટેલી કાચની બોટલ વડે ઉપરા છાપરી જીવલેણ ઘા કરી પતિને મોતને ઘાટ ઉતાર્યો હોવાનું પોલીસ (Police) તપાસમાં બહાર આવ્યું છે.
- ત્રીજી પત્ની ‘મમતા બેનરજી’એ કાચની બોટલના ઉપરા છાપરી ઘા કરી પતિને મોતને ઘાટ ઉતાર્યો હતો
- દમણમાં બંગાળી પુરુષની હત્યા તેની પત્નીએ જ કરી હોવાનું સામે આવ્યું
- મૃતકને બે પત્ની હોવા છતાં તે આરોપી પત્ની સાથે ત્રીજા લગ્ન કરીને દમણમાં રહેતો હતો
19 મે-23 ના શુક્રવારે મોડીરાત્રે ખારીવાડના ગોકુલધામ સોસાયટીના સાતમાં માળે ફ્લેટમાંથી દુર્ગંધ આવતી હોવાની જાણ રહીશોએ પોલીસને કરી હતી. પોલીસની એક ટીમ સ્થળ પર આવી ફ્લેટનો દરવાજો ખટખટાવતાં અંદરથી મહિલાએ દરવાજો ખોલ્યો હતો. જેની સાથે એક નવજાત બાળક અને એક 3 વર્ષનું બાળક જોવા મળ્યું હતું. પોલીસે બેડરૂમમાં તપાસ કરતાં સંજીવ બેનરજીની લાશ લોહીલુહાણ હાલતમાં પડેલી જોવા મળી હતી. પોલીસે મૃતકની લાશનો કબજો લઈ એફએસએલની મદદથી તપાસ શરૂ કરી આ મામલે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. મૃતક સંજીવની પત્ની મમતા બેનરજીની શંકાના આધારે અટક કરી પૂછપરછ શરૂ કરી હતી.
બિલ્ડીંગના સીસીટીવી કેમેરા ફૂટેજ અને રૂમમાં કાચના પડેલા ટૂકડાના આધારે તપાસને આગળ વધારી હતી. જ્યાં સંજીવ બેનરજીની હત્યા પત્ની મમતા દ્વારા જ કરાઈ હોવાનું પોલીસને જણાતા આ અંગે સઘન પૂછપરછ કરતા આખરે પત્ની મમતાએ કોઈ વાતને લઈને થયેલા ઝઘડા બાદ ઉશ્કેરાટમાં આવીને નજીકમાં પડેલી કાચની તૂટેલી બોટલ વડે વાર કરી પતિને મોતને ઘાટ ઉતાર્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપી પત્નીની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરી છે. પોલીસ તપાસમાં એમ પણ જાણવા મળ્યું છે કે, મૃતક સંજીવની બે પત્ની હોવા છતાં તે આરોપી પત્ની મમતા સાથે ત્રીજા લગ્ન કરીને દમણમાં સંસાર માંડીને રહેતો હતો. ત્યારે આરોપી પત્નીએ હાલમાં જ 8 દિવસ અગાઉ એક નવજાત બાળકને જન્મ આપ્યો હતો અને સાથે પરિવારમાં એક 3 વર્ષનું બાળક પણ છે.