દમણ: (Daman) સંઘપ્રદેશ દમણના ખારીવાડ વિસ્તારમાં આવેલા એક એપાર્ટ. ના સાતમા માળે એક ફ્લેટમાંથી હત્યા (Murder) કરાયેલી લાશ (Dead Body) મળી આવતા ચકચાર મચી ગઈ હતી.
- પત્નીએ દરવાજો ખોલ્યો અને બેડરૂમમાંથી પતિની હત્યા કરાયેલી લાશ પોલીસને મળી આવી
- દમણમાં એક ફ્લેટમાંથી પુરુષની હત્યા કરાયેલી લાશ મળી આવતા પત્નીની ધરપકડ
- મૃતકના શરીરે તિક્ષ્ણ હથિયાર વડે ગંભીર ઈજાના નિશાન મળી આવ્યા
પોલીસ પાસેથી મળેલી માહિતી પ્રમાણે દમણના ખારીવાડમાં ગોકુલધામ એપાર્ટમેન્ટના સાતમા માળે ફ્લેટ નં.708માં રહેતા અને ઉમરગામ નોકરી કરતા 48 વર્ષિય સંજીવ બેનરજીની લાશ શુક્રવારે મોડી રાત્રે તેના જ બેડરૂમમાંથી મળી આવી હતી. ફ્લેટમાંથી અતિ દુર્ગંધ આવતા ઘટનાની જાણ પડોશાએ પોલીસને કરતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ફલેટનો દરવાજો ખટખટાવતા અંદરથી મૃતકની પત્નિએ દરવાજો ખોલ્યો હતો. જે બાદ પોલીસે અંદર જઈ જોતા પોલીસના પણ હોંશ ઉડી ગયા હતા. બેડરૂમમાં સંજીવની લાશ પડેલી જોવા મળી હતી.
પોલીસ તપાસમાં મૃતક સંજીવ બેનરજીના શરીરે કોઈ તિક્ષ્ણ હથિયાર વડે ગંભીર રીતે વાર કરવામાં આવ્યા હોય એ પ્રમાણેના ઈજાઓના નિશાન જોવા મળ્યા હતા. જે જોતા પ્રાથમિક તપાસ દરમ્યાન સંજીવની પત્ની મમતા બેનરજીએ જ કોઈ હથિયાર વડે સંજીવને કોઈ કારણસર મોતને ઘાટ ઉતાર્યો હોય એવું સામે આવ્યું હતું. જે બાદ પોલીસે પત્ની મમતાની પૂછપરછ શરૂ કરી હતી, પરંતુ પત્નીએ સંતોષકારક જવાબ નહીં આપતાં પોલીસે તેની અટક કરી પોલીસ મથકે લઈ ગઈ હતી. મૃતક સંજીવ અને તેની પત્નીને એક 3 વર્ષ અને એક 7 મહિનાના બાળક પણ છે. ત્યારે હાલ તો પોલીસે આ મામલે ફોરેન્સિક ટીમની મદદ લઈ તપાસ હાથ ધરી છે. મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે મરવડની સરકારી હોસ્પિટલમાં લઈ જવાની કાર્યવાહી કરી આ મામલે હત્યાનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
ભીલાડ નજીક ટ્રેન અડફેટે અજાણ્યા યુવકનું મોત
વાપી : વાપી રેલ્વે પોલીસ સ્ટેશનની હદમાં આવતા ભીલાડ રેલ્વે સ્ટેશનની દક્ષિણે કિ.મી.નં.૧૬૦/૦૫-૦૯ની વચ્ચે અપ લાઇન ઉપર એક અજાણ્યો યુવક (ઉવ. આશરે ૩૮)નો બુધવારે સાંજે ૧૯/૩૭ વાગે ટ્રેન નં.૧૯૦૨૦ અપ હરીદ્રાર-બાંદ્રા એક્સપ્રેસ ટ્રેન આગળ લાઇન ક્રોસ કરવા જતા આકસ્મિક રીતે ટ્રેનની અડફેટમાં આવી જતા માથાના અને શરીરના ભાગે થયેલી ગંભીર ઇજાને લઈ સ્થળ પર જ મોતને ભેટ્યો હતો. મરણ જનાર પુરૂષ શરીરે મજબુત બાંધાનો, રંગે ઘઉંવર્ણ, ઉંચાઇ ૫x૫ની છે. તેણે શરીરે કાળા કલરનું આખી બાયનું ટીશર્ટ તથા તેની નીચે કાળા કલરની બનિયાન તેમજ કમ્મરે બ્લ્યુ કલરનો જીન્સનો બર્મુડો ચડ્ડો પહેર્યો છે. આ બનાવની જાણ ભીલાડ ઓનડ્યુટી સ્ટેશન માસ્તર ભગત પ્રસાદ ચેન્નઇપ્રસાદ પ્રસાદએ વાપી રેલવે પોલીસને કરતાં પોલીસની ટીમે ભીલાડ પહોંચી લાશનો કબજો મેળવી દફત્તરે નોંધ કરી વધુ તપાસ હેકો. નરેશ બચુ કરી રહ્યા છે.