દમણ: (Daman) સંઘપ્રદેશ દાનહ-દમણ-દીવ પ્રશાસન દ્વારા આયોજિત મોન્સૂન ફેસ્ટિવલમાં (Monsoon Festival) શનિવારે મોટી દમણ લાઈટ હાઉસ (Daman Light House) દરિયા કિનારા (Beach) પાસે બોલિવૂડની ખ્યાતનામ સિંગર શ્રેયા ઘોષાલનો (Shreya Ghoshal) લાઈવ ઈન કોન્સર્ટ કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો. જેમાં ગાયિકા શ્રેયા ઘોષાલે તેમના સુરીલા અવાજથી એક પછી એક બોલિવૂડના (Bollywood) ગીતોની રમઝટ બોલાવી ઉપસ્થિત શ્રોતાઓને નાચવા પર મજબૂર કરી દીધા હતા. આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં દમણ તથા આસપાસના રહેવાસીઓની સાથે મોટી સંખ્યામાં પર્યટકો આ કાર્યક્રમને નિહાળવા ઉમટી પડ્યા હતા અને શ્રેયા ઘોષાલને સાંભળવાનો આનંદ ઉઠાવ્યો હતો.
દમણમાં મોન્સૂન ફેસ્ટિવલ અંતર્ગત સાંસ્કૃતિક પરેડ યોજાઈ
દમણ : સંઘપ્રદેશ દાનહ-દમણ-દીવ પ્રશાસન દ્વારા મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન કરાયું છે. જેના ઉદઘાટન પ્રસંગે દમણના નમો પથ પર ખાસ સાંસ્કૃતિક પરેડનું આયોજન કરાયું હતું. દાનહ-દમણ-દીવના પ્રશાસક પ્રફુલ પટેલના નેતૃત્વ હેઠળ મોન્સૂન ફેસ્ટિવલની શરૂઆત કરવામાં આવી હતી. જ્યાં મોન્સૂન ફેસ્ટિવલનું ઉદઘાટન ખાસ સાંસ્કૃતિક પરેડ સાથે કરવામાં આવ્યું હતું. શુક્રવારે પ્રશાસકની ઉપસ્થિતિમાં કાર્યક્રમની શરૂઆત કરાર્ઈ હતી. ત્યારબાદ પ્રશાસકે સૌની સામે ચંદ્રયાન-3 નું મોડેલ રજૂ કર્યું હતું.
ત્યારબાદ દમણ, દાનહ, મણિપુર તથા અન્ય રાજ્યમાંથી આવેલા વિવિધ સમાજના કલાકારો અને વેસ્ટર્ન કલ્ચરલ આર્ટ સેન્ટર મળી કુલ 600 જેટલા કલાકારો દ્વારા આદિવાસી નૃત્ય, રોડ શો, કાર્ટૂન કેરેક્ટર, લાઈવ મ્યુઝિક બેન્ડ, વેસ્ટ ઝોન કલ્ચર જેવા વિવિધ સાંસ્કૃતિક નૃત્યોની પ્રસ્તુતિ રજૂ કરાઈ હતી. જે બાદ પ્રશાસકે પરેડને ફ્લેગ ઓફ કર્યું હતું. આ પ્રસંગે કાર્યક્રમ નિહાળવા અર્થે દમણ અને આસપાસના વિસ્તારમાં રહેતા અને પર્યટકો મળી આશરે 15 હજારથી વધુ લોકો દરિયા કિનારે ઉપસ્થિત રહ્યા હતા.
દમણની શ્રીનાથજી કોલેજમાં મહિલા પીએસઆઇનો સન્માન સમારોહ યોજાયો
દમણ : સંઘપ્રદેશ દમણના વરકુંડ સ્થિત શ્રીનાથજી કોલેજમાં દમણ પોલીસ વિભાગના મહિલા પીએસઆઇ હિરલ પટેલ જેમને હાલમાં જ ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા એકસેલન્સ ઈન ઇન્વેસ્ટીગેશન વર્ષ 2023 માટે મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. તેના ઉપલક્ષ્મમાં બીબીએ, બીસીએ તથા બીકોમ કોલેજમાં સન્માન સમારંભ યોજાયો હતો. કોલેજના આચાર્ય ડો.શિવાંગીબેન પટેલ દ્વારા મહિલા પીએસઆઇને શાલ ઓઢાડીને સન્માન કરાયું હતું. આ પ્રસંગે મહિલા પીએસઆઇએ કોલેજના વિદ્યાર્થીઓને પ્રેરણાદાયક પ્રવચન પણ આપ્યું હતું.