પારડી: (Pardi) પારડીના બાલદા અવંતી કંપની પાસે બોરલાઈ ગામના (Villager) દંપતી દમણ ખાતે બાઈક (Bike) ઉપર નોકરીએ જતા શેરડી ભરેલા ટ્રેક્ટર સાથે ભટકાતા પતિનું મોત નીપજ્યું હતું. જ્યારે પત્નીને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડાઈ હતી.
- દમણ નોકરીએ જતા દંપતીની બાઈક ટ્રેકટરમાં ભટકાતા પતિનું મોત
- ચાલકે નંબર વગરનું ટ્રેક્ટર પાર્કિંગ લાઈટ ચાલુ કર્યા વિના રોડ ઉપર પાર્ક કરતા અકસ્માત સર્જાયો
પારડી તાલુકાના બોરલાઈ ગામે મોટા ફળિયા ખાતે રહેતા વિનોદ શુક્કર પટેલ અને પત્ની લક્ષ્મીબેન વિનોદ પટેલ બાઈક લઈને દમણ ખાતે નોકરીએ જતા હતા. તે દરમિયાન એક નંબર વગરનું ટ્રેક્ટર ટ્રોલી બાલદા અવંતી કંપની પાસે પારડીથી વાઘછીપા જતા રોડ ઉપર પાર્કિંગ લાઈટ ચાલુ કર્યા વિના અડધું ટ્રેક્ટર રોડ ઉપર અને અડધું સાઈડમાં પાર્ક કર્યું હતું. જેમાં દંપતીની બાઈક અથડાતા પતિ-પત્નીને ઇજા પહોંચી હતી.
બંનેને પારડી મોહન દયાળ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે વિનોદ પટેલને મૃત જાહેર કર્યો હતો. જ્યારે લક્ષ્મીબેન પટેલને માથા તેમજ પગના ભાગે ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં ઘટના સ્થળેથી ટ્રેક્ટર ચાલક પોતાનું વાહન સ્થળ ઉપર મૂકી ભાગી છૂટ્યો હતો. ઘટના અંગે પારડી પોલીસ મથકે સંબંધી જયેશ ગુલાબ પટેલે ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.