દમણ: (Daman) સંઘપ્રદેશ દમણ અને ગુજરાત (Gujarat) હદની ખાડીમાં (Bay) નાહવા પડેલા દમણના ચાર યુવાન પૈકી ત્રણ જણાનું ડૂબી (Drowned) જવાથી મોત નીપજ્યું હતું. તમામ યુવાનો (Boys) નાની દમણનાં ખારીવાડ વિસ્તારના હતાં. 2 કલાક બાદ ડૂબેલા 3 યુવાનોની લાશ અલગ અલગ સ્થળેથી મળી હતી. ત્રણ યુવાનોનું અકાળે મૃત્યુ થતાં સમગ્ર વિસ્તારમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે.
- ભીલાડ નજીક બામણપૂજા ખાડીમાં નાહવા પડેલાં નાની દમણના ત્રણ યુવાનોનાં મોત
- ખારીવાડના ચાર યુવાનો સહેલવા ગયા હતાં, ત્રણ નાહવા પડ્યાં અને અચાનક વહેણ વધી જતાં તણાઈ ગયાં
- તુરંત મદદ નહીં મળતાં ડુબ્યા, કલાકોની શોધખોળ બાદ લાશ મળી: નાની દમણ પંથકમાં ગમગીનીનો માહોલ
પ્રાપ્ત માહિતી પ્રમાણે આજરોજ બપોરે નાની દમણના ખારીવાડમાં દિવ્યા દર્શન બિલ્ડિંગમાં રહેતા 4 યુવાન દમણ બામણપૂજા પાસેની ખાડીમાં નાહવા અર્થે ગયા હતા. જ્યાં તેઓ ગુજરાત હદના ભીલાડ પલસેટ ગામ તરફ જઈ 4 પૈકી 3 યુવાન બામણપૂજા ખાડીમાં નાહવા માટે ઉતાર્યા હતા. નાહવાની મઝા માણી રહ્યા હતા એ દરમ્યાન પાણીનું વહેણ વધી જતાં ત્રણેય યુવાન ડૂબવા લાગ્યા હતા. જે જોતાં ચોથા મિત્રએ કિનારેથી બચાવવા અર્થે બૂમાબૂમ કરી મદદ માટે પ્રયત્ન કર્યો હતો, પરંતુ યોગ્ય સમયે મદદ ન મળતા ત્રણેય યુવાન પાણીના વહેણમાં તણાઈ ગયા હતા.
ઘટનાની જાણ તાત્કાલિક મોટી દમણ કોસ્ટલ પોલીસ અને દમણ ફાયરને કરાતા પોલીસ અને ફાયરની ટીમે સ્થળ પર ધસી આવી યુવાનોને શોધવાની કામગીરી શરૂ કરી હતી. ઘટના ગુજરાતની હદમાં થઈ હોવાને લઈ વાપી ફાયર અને વાપી-ભીલાડ પોલીસની પણ એક ટીમ સ્થળ પર આવી પહોંચી હતી. ઘણા લાંબા પ્રયત્ન બાદ એક પછી એક એમ ત્રણેય યુવાનની લાશ અલગ અલગ સ્થળેથી મૃત અવસ્થામાં ફાયર વિભાગના તરવૈયાઓને મળી હતી.
આ ઘટનામાં 32 વર્ષીય રોહિત બોરા, 25 વર્ષીય ક્રિષ્ના જીવન બોરા અને 20 વર્ષીય સંદીપ નેગી મોતને ભેટ્યા હતા. લાશ મળ્યા બાદ દમણ પોલીસે એમ્બ્યુલન્સ મારફતે ત્રણેયની લાશને દમણની મરવડ સરકારી હોસ્પિ.માં મોકલી આપી હતી. બનાવ ગુજરાત હદમાં બન્યો હોવાને કારણે આ મામલે 0 નંબર થી ફરિયાદ ભીલાડ પોલીસને મોકલવાની કામગીરી કરવામાં આવી હતી.