દમણ: (Daman) સમગ્ર દેશભરની સાથે સંઘપ્રદેશ દમણમાં વસતા ખ્રિસ્તી સમુદાય (Christian) દ્વારા ભગવાન ઈસુના જન્મદિવસ નાતાલ (Christmas) પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. મોટી દમણમાં પોર્ટુગીઝ સમયના 400 વર્ષ જુના ચર્ચ (Church) અવર લેડી ઓફ રેમેડીયોઝ અને બોમ જીજસ ચર્ચમાં ખ્રિસ્તી સમુદાયના લોકો મોડી રાત્રે એકત્ર થઈ ભગવાન ઈસુના જન્મને વધાવ્યો હતો.
ઈસુના જન્મોત્સવની સાથે જ ઉપસ્થિત ખ્રિસ્તી સમુદાયના લોકોએ એકબીજાને નાતાલ પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. આ ઐતિહાસિક ચર્ચને રંગબેરંગી લાઈટિંગનો શણગાર કરવામાં આવે છે. આ દિવસે ખાસ વિશેષ પ્રાર્થનાનું પણ આયોજન કરવામાં આવે છે. કહેવાય છે કે નાતાલ પર્વને ધ્યાનમાં રાખી સમગ્ર વિશ્વના ખ્રિસ્તી સમુદાયના પરિવારો 25 દિવસનો ઉપવાસ રાખે છે. સાથે ઘર અને આસપાસના રસ્તાઓ પર રોશનીનો શણગાર કરે છે, સાથે દરરોજ પ્રાર્થના સભા તથા ઈશુના ગીતો ગાવાની સાથે ઘરમાં વિવિધ સ્વાદિષ્ટ ભોજન, મીઠાઈ બનાવી નાતાલ પર્વની ઉજવણી કરતા હોય છે. આ વર્ષે પણ દમણના મોટી દમણ જ્યાં ખ્રિસ્તી પરિવારોના ઘરો પર નાતાલ પર્વ નિમિત્તે વિશેષ લાઈટિંગ જોવા મળી હતી.