પારડી: (Pardi) દમણથી (Daman) દારૂનો (Alcohol) જથ્થો ભરી નીકળેલી કાર કોસ્ટલ હાઈવે ઉપર ઉમરસાડી માંગેલવાડ પાસે ખાડીના પૂલના રેલીંગ સાથે ધડાકાભેર અથડાતા સિમેન્ટ સળીયાની રેલીંગ તૂટી ગઈ હતી. આ સાથે જ કારનું ટાયર પણ છુટુ પડી ગયું હતું. આ કારને ઘટના સ્થળે છોડી ચાલક ફરાર થઈ ગયો હતો. જો કાર બ્રિજ પર અટકી નહીં હોત તો ૩૦ ફૂટ નીચે ખાડીમાં ખાબકી હોત. આ ઘટનાની જાણ થતા પારડી પોલીસ (Police) દોડતી થઈ હતી.
કોસ્ટલ હાઈવે ઉપર ઉમરસાડી માંગેલવાડ ખાતે કોથરખાડીના બ્રિજ ઉપર રાત્રીના એક કાર દમણથી વલસાડ તરફ જતા રોડ ઉપર બ્રિજની રેલીંગ સાથે અથડાઈ હોવાની પોલીસને જાણ થતા પારડી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જે બાદ પોલીસે તપાસ કરી તો કારનું જમણી સાઈડનું ટાયર છુટુ પડી ગયું હતું. પોલીસે અંદર તપાસતા વચ્ચેના ભાગે પૂઠાના બોક્સમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જો કે કારનો ચાલક કાર છોડી નાસી છૂટ્યો હોવાનું જણાયું હતું. કારમાંથી મળેલી આરસી બુકમાં કારનો નં. જીજે ૨૧ એએ ૭૦૨૯ હોવાનું અને તેનો માલિક સાવંતકુમાર હીરૂભાઈ હળપતિ (રહે.પારડી, અંબાલાલ વાડી) હોવાનું બહાર આવ્યુ હતું. પોલીસે દારૂ સાથે કાર ટોઈંગ કરી પારડી પોલીસ મથકે લાવી પ્રોહિ.ની વિવિધ કલમ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આરક સિસોદ્રા ગામ પાસેથી 1.14 લાખના વિદેશી દારૂ ભરેલા ટેમ્પા સાથે એક ઝડપાયો, ત્રણ વોન્ટેડ
નવસારી : નેશનલ હાઇવે નં. 48 પર આરક સિસોદ્રા ગામ પાસેથી નવસારી એલ.સી.બી. પોલીસે બાતમીના આધારે 1.14 લાખના વિદેશી દારૂ ભરેલા ટેમ્પા સાથે એકને ઝડપી પાડ્યો હતો. જયારે પોલીસે અન્ય ત્રણને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, નવસારી લોકલ ક્રાઈમ બ્રાંચ પોલીસે બાતમીના આધારે નેશનલ હાઇવે નં. 48 ઉપર આરક સિસોદ્રા પાટિયા પાસેથી અશોક લેલન્ડ ટેમ્પો (નં. જીજે-14-એક્સ-1394) ને રોકી તપાસ કરી હતી. જેમાંથી પોલીસને 1.14 લાખના વિદેશી દારૂની 1368 નંગ બાટલીઓ મળી આવતા મૂળ પોરબંદર તુંબડા વિસ્તાર બોખીરા અને હાલ સુરતના ઓલપાડ તાલુકાના સાયણ ઉમરા ફટક હરેક્રિષ્ના રેસિડન્સીમાં રહેતા રોહિત રાજુભાઈ કારાવદરને ઝડપી પાડ્યો હતો. પોલીસે રોહિતની પૂછપરછ કરતા ઓલપાડ તાલુકાના સાયણ સુગર રોડ પર રહેતા સુરેશ અને તેના બે સાગરીતોએ સેલવાસથી દારૂ ભરી આપી કામરેજ ટોલનાકા પહેલા સુરેશના કહેવા મુજબ પહોંચાડવા માટે જણાવ્યું હોવાની કબુલાત કરી હતી. જેથી પોલીસે સુરેશ અને બે સાગરીતોને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ સહિત 3 લાખનો ટેમ્પો, 5500 રૂપિયાનો મોબાઈલ અને 1550 રૂપિયા રોકડા મળી કુલ્લે 4,21,050 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તજવીજ હાથ ધરી છે.