પારડી: (Pardi) પારડી તાલુકાના ઉદવાડા ગામમાં દરિયાઈ માર્ગેથી વલસાડના દાંતી ગામે બોટ (Boat) મારફતે દારૂ લઈ જતા છ ખેપીયાને પારડી પોલીસે ઝડપી પાડ્યા હતા. જિલ્લા પોલીસ વડાની મળેલી સૂચના મુજબ પારડીના પી.આઈ મયુર પટેલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ જે.એન.સોલંકીની ટીમે ઉદવાડા ગામમાં સોંડ ફળિયામાં દરિયા કિનારે રેડ કરી હતી. દરિયા કિનારે (Beach) પોલીસે છાપો (Raid) મારી કૃતિકા કૃપા બોટમાંથી રૂ.૩.૩૬ લાખનો દારૂનો (Alcohol) જથ્થો પકડી પાડ્યો હતો.
- મધદરિયે બોટ બંધ થઇ જતા અન્ય બોટમાં ટ્રાન્સફર કરાતો દારૂનો જથ્થો ઝડપાયો
- હાઇવે પર પોલીસનું ચેકિંગ વધતા દારૂની હેરાફેરી માટે બુટલેગરોએ નવો કિમીયો અજમાવ્યો
- પારડીના ઉદવાડા દરિયા કિનારે બોટમાંથી રૂ.3.36 લાખના દારૂ સાથે 6 ખેપિયા ઝડપાયા
દમણના કડૈયાના દરિયામાંથી બોટ વલસાડના છરવાડા રવાના થયા બાદ મધદરિયે બોટ બંધ થઇ જતા ઉદવાડાના દરિયા કિનારે લંગારાઈ હતી. અન્ય બોટમાં જથ્થો ટ્રાન્સફર કરાતો હતો, ત્યારે પોલીસ દોડી જતા છ શખ્સને પકડી પાડ્યા હતા. જ્યારે ત્રણ શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે. આ બોટમાંથી દારૂની બોટલ નંગ 5424 જેની કિં.રૂ.3,36,000 નો દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. દારૂ લઈ આવેલા આશિષ ઉર્ફે અજય નરસિંહ ટંડેલ, ધર્મેશ બાબુ પટેલ (બંને રહે નાની દમણ), યોગેશ ઉર્ફે યોગી હરિ ટંડેલ, જીગર ઉર્ફે જગુ ટંડેલ બંને (રહે. કોલક), ભુપેન્દ્ર નટવર ટંડેલ અને મયુર ટંડેલ (બંને રહે મોટીદાંતી)ને દારૂના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. જ્યારે પોલીસે હેમંત ઈશ્વર કામડી (રહે.નાની દમણ), જયેશ પટેલ તથા અન્ય એક મળી 3ને વોન્ટેડ જાહેર કર્યા હતા. પારડી પોલીસે ગુનો નોંધી બોટ, દારૂ સહિત કુલ રૂ. 15.82 લાખનો મુદ્દા માલ કબજે કર્યો હતો. વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.