Charchapatra

ત્રીજી લહેરની રાહે નાનાં બાળકોને નુકસાન

શિક્ષણ ક્ષેત્રે ઘણી મોટી ખોટ આ કોરોના કાળ દરમિયાન વર્તાય છે અને એ છે બાળકોની ઘટતી જતી માનસિક સમજશક્તિ, બાળકના મગજ ઓનલાઈન એજ્યુકેશનના એકધારા પ્રવાહથી નબળાં પડવા લાગ્યાં છે. બાળકોની સમજશક્તિ સંકુચિત અને ધીમી પડી રહી છે. સાથે સાથે લખવાની ક્ષમતા પણ ઓછી થઇ છે. ધોરણ 6 થી 8 ની શાળાઓ હાલ શરૂ છે ત્યારે શિક્ષકો આ બાબતનો અનુભવ કરી જ રહ્યા છે. બાળકની શીખવાની ક્ષમતા અને ગ્રહણશક્તિ કેટલી નબળી પડી ગઈ છે. જો મોટાં બાળકોની આ હાલત હોય તો કોરી સ્લેટ જેવાં બિચારાં કુમળાં ફુલ એકડીયા-બગડીયા બાળકોની શું હાલત હશે?

જે બાળકે શાળાના પટાંગણને કયારેય જોયું જ નથી, પોતાના વર્ગખંડ અને શિક્ષક કેવા હશે એનો જેમને ખ્યાલ જ નથી એવાં બાળકો પણ પાસ થઇને બે વર્ષનો મોટો કૂદકો લગાવી આગળના ધોરણમાં તો પહોંચી જવાનાં! પરંતુ વિચારો તો ખરા કે એમની આ પાયાની ખોટ એમની શિક્ષણ લાઇફ સુધી સાલશે. જેમનો પાયો જ કાચો હશે એમની ઇમારત કેવી રીતે ટકી શકે? તો હવે કોરોનાની ત્રીજી લહેરની રાહ જોઇને બેસી રહેલી સરકારે વહેલી તકે જાગી ધોરણ 1 થી 5 ની શાળાઓ પણ શરૂ કરી દેવી જોઇએ. શિક્ષણજગતને રાજરમત ન બનાવાય એ વિચારવું જોઇએ. હાલમાં નાનાં બાળકો બધી જ જગ્યાએ હરતાંફરતાં ન હશે? માતા-પિતા સાથે ભીડભાડવાળી જગ્યાએ પણ ન જતાં હશે? અને જો હા તો પછી શાળાએ શા માટે નહીં? તો હવે છેલ્લા દોઢ વર્ષથી ઘરની ચાર દિવાલોમાં શિક્ષણ લઇને સડી રહેલા નાનકડા મગજમાં વધુ ગંદકી જમા ન થાય તે પહેલાં શાળાઓ જલ્દી શરૂ કરવાનો નિર્ણય લેવાવો જોઈએ.
અમરોલી  – પાયલ વી. પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top