ગોધરા: મોરવાહડફ તાલુકામાં આવેલ હડફ ડેમના તમામ ગેટના મિકેનિકલ ભાગો બદલવાની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી હડફ ડેમના પાંચેય ગેટ ૨ ફૂટ સુધી ખોલી તેમાંથી ૨૩૧૨ ક્યુસેક પાણી નદીમાં છોડવાનું શરૂ કરાયું હતુ. જ્યારે ડેમ માંથી પાણી છોડવામાં આવતા મોરવા હડફ પાસે પસાર થતી પાનમ નદીમાં મંડપ નો કાપડ ધોઇ રહેલા ચાર કરતા વધુ લોકો ફસાઈ જતા ડેમનુ પાણી બંધ કરીને તમામને બચાવી લેવામાં આવ્યા હતા. પંચમહાલ જિલ્લાના મોરવાહડફ તાલુકામાંથી પસાર થતી હડફ નદી પર વર્ષ ૧૯૮૬માં હડફ ડેમ બાંધવામાં આવ્યો હતો,અને તેના કુલ ૫ ગેટ બનાવવામાં આવ્યા હતા, ત્યારે વર્ષ ૨૦૧૨માં આ ડેમના ગેટના રબર સીલ, વાયર રોપ સહિતના મિકેનિકલ ભાગો બદલવામાં આવ્યા હતા.તે જ પ્રકારે હાલ પણ હડફ ડેમમાં આવેલ ૫ ગેટના રબર સીલ, વાયર રોપ સહિતના મિકેનિકલ ભાગો બદલવાની જરૂરિયાત હોવાથી તેની કામગીરી હાથ ધરવામાં આવનાર છે.
જેને લઈને તંત્ર દ્વારા હડફ ડેમને ક્રેસ્ટ લેવલ ૧૫૫.૫૩ સુધી ખાલી કરવાનો નિર્ણય લેવામાં આવતા આજે હડફ ડેમ વિભાગના અધિકારીઓ દ્વારા હડફ ડેમના તમામ ગેટ ૨ ફૂટ સુધી ખોલીને ૨૩૧૨ ક્યુસેક પાણી નદીમાં છોડવાનું શરૂ કરાયું છે.હાલ હડફ ડેમની જળસપાટી ૧૬૩.૧૦ મીટર છે જે ડેમમાં પાણી છોડવાથી ડેમના ક્રેસ્ટ લેવલ ૧૫૫.૫૩ મીટરે પહોંચશે તો ભવિષ્યમાં કોઈ હોનારત ન સર્જાય તે માટે હડફ ડેમના મિકેનિકલ ભાગો બદલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.આ કામગીરી વહેલી તકે પૂર્ણ થાય તે માટે હડફ ડેમના ગેટ ખોલી તેમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. બીજી તરફ હડફ ડેમમાંથી પાણી છોડવામાં આવતા નદી કાંઠાના વિસ્તારમાં આવતા માતરિયા વેજમા,મોરવા હડફ સહિતના ગામોના લોકોને નદીની આસપાસ ન જવા માટે તંત્ર દ્વારા સૂચના પણ આપવામાં આવી છે.
ડેમના પાણીમાં ફસાયેલા ચારને બચાવાયા
હડફ ડેમની મરામત કામગીરીને લઈને ડેમ ખાલી કરવા માટે હડફ નદીમાં પાણી છોડાયું હતું,ત્યારે મોરવાહડફ ગામ પાસે હડફ નદીના પાણીમાં મંડપનું કાપડ ધોવા માટે ગયેલા 4 ઉપરાંત વ્યક્તિઓ નદીના પાણી ફસાયા હતા,જેની જાણ આસપાસ સ્થાનિક રહીશો અને તંત્રને થતાં મોરવાહડફ તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ અને સ્થાનિક રહીશો દોડી આવ્યા હતા,ત્યારબાદ ડેમમાંથી છોડવામાં આવતું પાણી બંધ કરાવી નદીમાં ફસાયેલા વ્યક્તિઓને લોકો બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.જોકે હડફ સિંચાઈ વિભાગ દ્વારા ડેમમાંથી પાણી છોડતા પહેલા નદીના કાંઠા વિસ્તારના લોકોને નદીની આસપાસ નહીં જવા માટે એલર્ટ કરાયા હતા,તેમ છતાં લોકોએ નદીમાં જવાનું ટાળ્યું નહીં.