Dakshin Gujarat Main

દક્ષિણ ગુજરાતમાં મેઘો મન મૂકીને વરસ્યો: નાળાઓનાં વહેણ તેજ બનતા 5 કોઝવે પાણીમાં ગરકાઉ

સુરત : દક્ષિણ ગુજરાત (South Gujarat)માં છેલ્લા કેટલાય સમયથી વરસાદ (rain) ખેંચાતા ખેડૂતો (farmer) સહિત તમામ લોકો હેરાન-પરેશાન થઈ ઉઠ્યા હતા. ગરમીના ઉકળાટની સાથે વાતાવરણ વાદળછાયું રહેતા લોકોમાં ચિંતાના વમળો ઘેરાયા હતા.

વહેલી સવારથી મેઘો મન મૂકીને વરસ્યો હતો. જેમાં મેઘરાજા કૃષ્ણ જન્મ (Janmastami)ના વધામણા કરતા હોય તેમ વલસાડ જિલ્લા (valsad district)ના ઉમરગામમાં 12 ઈંચ, વાપીમાં 6, કપરાડામાં 3, વલસાડ અને પારડીમાં 2-2 ઈંચ વરસાદ વરસ્યો હતો. સંઘ પ્રદેશમાં પણ વરસાદે જોર બતાવતા દમણ (daman)માં 5 અને દાદરા નગર હવેલી (Dadra nagar haveli)માં ચાર ઇંચથી વધુ ઝીંકાયો હતો. નવસારી (navsari) જિલ્લામાં વાંસદા તાલુકામાં 2.5, ખેરગામમાં 2.2 ઇંચ, ચીખલીમાં 1.3 ઇંચ, જલાલપોરમાં 0.6 ઇંચ, ગણદેવીમાં 0.5 ઇંચ અને નવસારી તાલુકામાં 0.3 ઇંચ વરસાદ નોંધાયો હતો. ઉપરાંત ડાંગ જિલ્લામાં બે દિવસથી વરસાદી માહોલ જામતા વઘઇ તાલુકામાં 3.6 ઈંચ, સાપુતારા (saputara)માં 3.30 ઈંચ, આહવા તાલુકામાં 1.50 ઈંચ અને સુબિર તાલુકામાં 1.50 ઈંચ વરસ્યો હતો. જ્યારે વરસાદના પગલે નદી નાળાઓનાં વહેણ તેજ બનતા પાંચ કોઝવે પાણીમાં ગરકાઉ થઈ ગયા હતા.

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ મહેર કરી હોય તેમ સર્વત્ર વરસાદ વરસ્યો હતો. જેમાં સોમવારે મધ્યરાત્રિ બાદ મળસ્કેથી વરસાદે ઉમરગામ તાલુકાને હચમચાવી દીધું હતું. અને 12 ઈંચ ખાબક્તાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. જેને પગલે ઉમરગામના 16, કપરાડાના 1 અને પારડી તાલુકાના 2 રસ્તા બંધ કરાયા હતા. કલેક્ટરે ઉમરગામની મુલાકાત લઇ અધિકારીઓને સૂચન કર્યા હતા.

સંઘ પ્રદેશમાં દમણમાં પણ 5.24 ઈંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સાથે મોટી દમણ વોર્ડ નંબર 1, મચ્છી માર્કેટ, શાકભાજી માર્કેટ તથા અન્ય રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકોને અનેક પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. સાથે જ વરસાદનાં પાણી લોકોનાં ઘરોમાં પણ ભરાઈ ગયા હતા. સેલવાસમાં પણ 4 ઇંચ અને ખાનવેલમાં 5.7 મી.મી. વરસાદ પડ્યો હતો.
નવસારી જિલ્લાના વાંસદામાં અઢી અને ખેરગામમાં 2 ઇંચ વરસાદ પડ્યો હતો. ઉપરાંત ઉપરવાસમાં પણ સારો વરસાદ પડતા વાંસદાની કાવેરી નદી બંને કાંઠે વહેતી થઈ હતી. ડાંગ જિલ્લામાં બે દિવસથી વરસાદી માહોલ જામતા પાંચ કોઝવે પાણીમાં ગરકાઉ થઈ ગયા હતા. ઉપરાંત વઘઇનો ગીરાધોધ તથા ગીરમાળનો ગીરા ધોધ રમણીય બન્યા હતા. સાથે સાપુતારાનું સર્પગંગા તળાવ આ સીઝનમાં પ્રથમ વખત ઓવરફ્લો થઈ છલકાયું હતું.

ક્યાં કેટલો વરસાદ પડ્યો
ઉમરગામ 12 ઇંચ
વાપી 6 ઇંચ
વઘઇ 3.6 ઈંચ
સાપુતારા 3.30 ઈંચ
કપરાડા 3 ઇંચ
પારડી 2.5 ઇંચ
વાંસદા 2.5 ઇંચ
ખેરગામ 2.2 ઇંચ
વલસાડ 2 ઇંચ
આહવા 1.50 ઈંચ
સુબિર 1.50 ઈંચ
ચીખલી 1.3 ઇંચ
ધરમપુર 1 ઇંચ

Most Popular

To Top