નડિયાદ, તા.૨૭
ડાકોરમાં ભણતાં રાધનપુરના એક યુવકે ભોજનાલયમાં કામ કરતી યુવતિ સાથે પરિચય કેળવી તેણીને સિવણ ક્લાસમાં એડમિશન અપાવવાના બહાને નડિયાદ લઈ જઈ યુવકે મેરેજ સર્ટીફિકેટ ઉપર સહી કરાવી લીધી હતી. જોકે, યુવતિને આ લગ્ન મંજુર ન હોવાથી યુવક સાથે છુટાછેડા લઈ અન્ય યુવક સાથે લગ્ન કરી લીધાં હતાં. જેના બે મહિના બાદ યુવતિ ડાકોર આવી તે વખતે યુવકે તેણીનું અપહરણ કર્યું હતું અને અમદાવાદ તેમજ રાધનપુર લઈ જઈ ૧૯ દિવસ સુધી ગોંધી રાખી અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું હતું.
ડાકોરમાં રહેતી ૨૦ વર્ષિય યુવતિ બે વર્ષ અગાઉ ગામમાં જ આવેલ એક ભોજનાલયમાં કામ કરતી હતી. તે વખતે ડાકોરની સંસ્કૃત પાઠશાળામાં ભણતો સંદિપ હિરાલાલ રાવલ (રહે.નાની પીંપળી, રાધનપુર, જિ.પાટણ) નામનો વિદ્યાર્થી અવારનવાર ભોજનાલયમાં જમવા જતો હતો. સંદિપને ભોજનાલયમાં કામ કરતી યુવતિમાં રસ પડ્યો હતો. જેથી તે રોજ જમવા માટે તે ભોજનાલયમાં જવા લાગ્યો હતો. દરમિયાન સંદિપે સૌપ્રથમ યુવતિ સાથે સામાન્ય વાતચીત શરૂ કરી હતી. જે બાદ સંદિપે તેણી પાસેથી મોબાઈલ નંબર મેળવ્યો હતો અને ફોન ઉપર વાતચીત શરૂ કરી હતી. જોકે, થોડા સમય બાદ યુવતિએ ભોજનાલયમાં કામ છોડી દીધું હતું.
જે બાદ યુવતિને સીવણનું કામ શીખવાની ઈચ્છા જાગી હતી. યુવતિએ આ અંગે સંદિપને પણ વાત કરી હતી. જેથી સંદિપે મારા ભાઈબંધનું સિવણકામ ડાકોરમાં ચાલું છે, તું તારૂ આધારકાર્ડ અને લિવિંગ સર્ટિફિકેટ લઈને મારી સાથે નડિયાદ આવજે હું ત્યાં કામ કરી અપાવીશ તેવું યુવતિને જણાવ્યું હતું. જે તે વખતે યુવતિએ સંદિપ ઉપર વિશ્વાસ મુક્યો હતો અને તા.૨૬-૭-૨૦૨૧ ના રોજ તેઓ બંને નડિયાદ ગયાં હતાં. જ્યાં સંદિપે યુવતિના ભોળપણનો લાભ ઉઠાવ્યો હતો અને બંનેએ હાર પહેરીને સાથે ફોટા પડાવ્યાં હતાં. જે બાદ વકીલની ઓફિસમાં લઈ જઈ મેરેજ સર્ટીફિકેટમાં યુવતિની સહી કરાવી લીધી હતી. જે બાદ બંને જણાં પરત ડાકોર આવ્યાં હતાં. જેના એકાદ મહિના બાદ યુવતિએ સંદિપને ફોન કરી સિવણક્લાસ અંગે પુછ્યું હતું. તે વખતે સંદિપે સિવણ ક્લાસનું તો થયું નથી…પણ આપણા બંનેના કોર્ટ મેરેજ થઈ ગયાં હોવાનું જણાવ્યું હતું. જે સાંભળીને યુવતિ ચોંક ઉઠી હતી અને તેણે આ મેરેજ કેવી રીતે થયાં તેમ સંદિપને પુછ્યું હતું.
જેના જવાબમાં સંદિપે યુવતિના મોબાઈલમાં મેરેજ સર્ટીફિકેટનો ફોટો મોકલી આપ્યો હતો. જે બાદ સંદિપ મેરેજ સર્ટી થકી બ્લેકમેલ કરી યુવતિને તેની સાથે રહેવા દબાણ કરતો હતો. પરંતુ યુવતિ સંદિપ સાથે રહેવા તૈયાર થઈ ન હતી. જેથી દિવાળીના અરસામાં સંદિપ તે યુવતિને લઈને ફરી નડિયાદ ગયો હતો અને છુટાછેડા લીધાં હતાં. જે બાદ એપ્રિલ ૨૦૨૨ માં યુવતિના અન્ય યુવક સાથે લગ્ન પણ થયા હતાં અને તે તેની સાસરીમાં ખુશીથી રહેતી હતી. લગ્નના બે મહિના બાદ યુવતિ તેના પિયર ડાકોર ખાતે આવી હતી.
દરમિયાન તારીખ ૧૦-૬-૨૦૨૨ ના રોજ સંદિપે રસ્તામાં તે યુવતિને રોકી હતી અને મારે તારી સાથે ખાસ વાત કરવી છે તેમ કહી ગાડીમાં બેસાડી, મોબાઈલ જપ્ત કરી લીધો હતો અને અમદાવાદના સાબરમતી વિસ્તારમાં રહેતાં તેના મિત્ર જયેશના ઘરે લઈ ગયો હતો. જ્યાં સાતેક દિવસ ગોંધી રાખ્યાં બાદ, સંદિપના મુળ વતન નાની પીપળી ગામે લઈ ગયો હતો અને ત્યાં જયંતિભાઈના ઘરમાં ૧૯ દિવસ સુધી ગોંધી રાખી હતી. જે દરમિયાન સંદિપે અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. દરમિયાન ઘરમાલિક જયંતિભાઈના પુત્રીનો મોબાઈલ વડે યુવતિએ તેના પરિવારજનોને જાણ કરી હતી. જેથી તેઓ પોલીસની મદદથી યુવતિને છોડાવી લાવ્યાં હતાં. આ મામલે ભોગ બનનાર યુવતિની ફરીયાદને આધારે ડાકોર પોલીસે સંદિપ હિરાલાલ રાવલ સામે ગુનો નોંધ્યો હતો.