યાત્રાધામ ડાકોરમાં (Dakor) VIP દર્શનના ચાર્જ વસૂલવા મામલે જોરદાર વિરોધ (Protest) ઉઠ્યો છે. કેટલાક હિંદુ સંગઠનોમાં આ બાબતે નારાજગી જોવા મળી રહી છે. શનિવારે આ મામલે હિન્દુ સંગઠનો અને આસપાસના ગામના સરપંચોએ મંદિર (Temple) પ્રશાસને લેખીત રજૂઆત કરી સાંજ સુધીમાં નિર્ણય પાછો ખેંચવા અપીલ કરી છે. એટલું જ નહીં આમ નહીં થાય તો ઉપવાસ અને ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
- ડાકોરમાં VIP દર્શન અને મહિલાઓની જાળીએથી દર્શન મામલે વિવાદ
- નિર્ણય પાછો નહીં લેવાય તો ઉપવાસ આંદોલન કરવાની ચીમકી
ડાકોરમાં શનિવારે મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનોના યુવાનો અને ઠાસરા તાલુકાના સરપંચ એસોસિએશનના સરપંચો મંદિર પહોંચ્યા હતા. જ્યાં તેઓએ ઉગ્ર વિરોધ સાથે મંદિરના મેનેજરને આવેદન પત્ર આપ્યું હતું. ‘ભગવાન તો પ્રેમના ભૂખ્યા તમે પૈસાના ભૂખ્યા’ના નારા સાથે વિરોધ પ્રદર્શન કરાયું હતું. આ સાથે જ તેઓએ અલ્ટીમેટર આપ્યું હતું કે જો આજે સાંજે 6 વાગ્યા સુધીમાં નિર્ણય પાછો ખેંચવામાં નહીં આવે ઉપવાસ સાથે આંદોલન કરવામાં આવે તેવી ચીમકી આપવામાં આવી હતી.
યુવા ક્ષત્રિય સમાજ ખેડા જિલ્લાના ઉપપ્રમુખ અને ખીજલપુરના સરપંચના પ્રતિનિધિ અક્ષય પરમારે જણાવ્યું હતું કે ભક્તિને પૈસા સાથે કદી પણ તોલવી જોઈએ નહીં. તેઓએ જણાવ્યું હતું કે જો આજે સાંજે 6 વાગ્યા સુધીમાં આ નિર્ણય બદલવામાં નહીં આવે તો અમે ઉપવાસ આંદોલન કરીશું. જણાવી દઈએ કે અગાઉ પાવાગઢ, અંબાજી સહિત અનેક ધાર્મિક સ્થાનો પર મનસ્વી નિર્ણય કરાતા મામલો વિવાદમાં સપડાયો હતો. આમ ફરી એક વખત ડાકોર મંદિર દર્શનના મામલે વિવાદમાં સપડાયું છે.
શું છે મામલો?
ડાકોરના રણછોડરાયજી મંદિરમાં VIP દર્શનનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં હવે ભક્તોએ ભગવાનના નજીકથી દર્શન કરવાં માટે પૈસા ચૂકવવા પડશે. મંદિરમાં ઠાકોરજીના સન્મુખ ઉંબરા સુધી જઈને દર્શન કરવા માટે વ્યક્તિદીઠ 500 રૂપિયા ચુકવવા પડશે. ઉપરાંત મહિલાઓની લાઈનમાં પુરૂષે જઈ દર્શન કરવા હોય તો 250 રૂપિયા ચાર્જ વસૂલાશે. મહિલાઓ માટેની દર્શનની જાળીએથી પુરુષો દર્શન કરી શકશે. આ જાહેરાત મુજબ દર્શન પણ ખુલ્લા મુકવામાં આવ્યા હતા. આ સેવા ગુરૂવારથી શરૂ કરવામાં હતી. ભક્તોએ આ નિર્ણયથી નારાજગી દર્શાવી હતી જે અંગેનો વિરોધ થઈ રહ્યો છે.