દાહોદ: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ૭૨મા પ્રજાસત્તાક પર્વના મંગળ પ્રભાતે, પોલીસ બેન્ડવાદકો દ્વારા રાષ્ટ્રગીતની ગૌરવશાળી ધૂનની સુરાવલીઓ અને ભારતીય વાયુદળના હેલિકોપ્ટરમાંથી પુષ્પ પાંખડીઓની વર્ષા વચ્ચે રાષ્ટ્ર ધ્વજ ત્રિરંગો લહેરાવ્યો હતો. દાહોદના નગરજનો નવજીવન કોલેજ ગ્રાઉન્ડ ખાતે ઉમટી પડયાં હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.
ત્યાર બાદ રાજયપાલ અને મુખ્યમંત્રીએ ખુલ્લી જીપમાં પરેડનું નીરીક્ષણ કર્યું હતું. આ અવસરે પોલેન્ડના કોન્સલ જનરલ ડોમ્યન આઈઝેક વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા. ૧૨ જેટલી પ્લાટુનમાં ગુજરાત પોલિસદળના ૪૯૦ ઉપરાંત જવાનોએ આઈ.પી.એસ અધિકારી અને પરેડ કમાન્ડન્ટ વિકાસ સુંદા નેતૃત્વમાં પરેડ યોજાઇ હતી.
પોલીસ બેન્ડની સુમધુર સુરાવલીઓ સાથે તાલ મિલાવતી, પ્રભાવશાળી કૂચ કદમ ગણવેશધારી ટૂકડીઓએ રજૂ કરી હતી. ત્યારે લોકોએ હર્ષનાદથી પોલીસની શિસ્તબધ્ધતાને વધાવી લીધી હતી.
ગુજરાત પોલીસના અશ્વદળના કરતબો નિહાળી લોકો દંગ!
૬૦૩ અશ્વો સાથે દેશના સૌથી મોટા અશ્વદળ એવા ગુજરાત પોલીસના માઉન્ટેડ યુનિટ દ્વારા દાહોદ ખાતે રજૂ કરવામાં આવેલા કૌશલ્યોને નિહાળી ઉપસ્થિત સૌ કોઇ દંગ રહી ગયા હતા. અશ્વદળના કાર્યક્રમની શરૂઆત સ્ટેન્ડિંગ સેલ્યુટથી થઇ હતી. જેમાં એક જવાન દોડતા અશ્વ ઉપર ઉભા રહીને મહાનુભાવોને સલામી આપી હતી. બાદમાં ટેન્ટ પે્ન્ગિંગમાં તેજ ગતિથી આવતા ઘોડેસવાર દ્વારા જમીન ઉપર રાખવામાં આવેલા નિશાનને ભાલાથી તાકવામાં આવ્યું હતું.
તેમાં ઇન્ડિયન ફાઇલ, ત્રિપલ ટેન્ટ પેન્ગિંગ પણ થયા હતા. બાદમાં શો જમ્પિંગ કરવામાં આવ્યું હતું. જે અશ્વની વિધ્ન દોડ સમાન હોય છે. અશ્વદળના કૌશલ્યની ઉપસ્થિતિઓ તાળીઓના નાદ સાથે સરાહના કરી હતી. એ બાદ શ્વાન દળ દ્વારા કાર્યક્રમની રજૂઆત કરવામાં આવી હતી. જેમાં નશીલ પદાર્થ શોધવા, એસોલ્ટ, દોડ જેવી બાબતો દર્શાવાઇ હતી. ગુજરાત પોલીસમાં તાજેતરમાં સામેલ થયેલા બેલ્જીયમ મલિનો પ્રકાશના શ્વાનોએ પણ તેમાં ભાગ લીધો હતો.
આદિવાસી સંસ્કૃતિનો ઉજાગર કરતાં નૃત્યોની રંગારંગ પ્રસ્તુતિ
મેવાસી નૃત્ય : વડોદરાના શિનોરમાં સગાઇ જેવા શુભ પ્રસંગોમાં ભીલ, તડવી અને વસાવા વિવિધ વાધ્યો સાથે આગવા પોશાકમાં ભાઇઓ પઘડી અને મોરપીંછ લગાવી અને બહેનો ઘરેણાં પહેરી નૃત્ય કરે છે.
રાઠવા નૃત્ય : છોટાઉદેપુરના રાઠવા સમાજમાં આ નૃત્ય ફાગણ મહિનામાં આ નૃત્ય ગેર (ટોળા) સ્વરૂપે અન્ય ગામમાં જઇ રજૂ કરાય છે. નૃત્ય કરનારને ભેટ સોગાતો અપાય છે. જે હોળી માતાને અર્પણ કરાય છે.
ડાંગી નૃત્ય : ડાંગ જિલ્લાના સ્ત્રી અને પુરુષો શરીરના વિવિધ અંગોનું હલનચલન અને ચહેરાના હાવભાવ સાથે ગુજરાત અને મહારાષ્ટ્રની આદિવાસી સંસ્કૃતિ દર્શાવે છે.
સાગબારા હોળી નૃત્ય : નર્મદા જિલ્લાના સાગબારાના આદિવાસી ભાઇ – બહેનો મહા શિવરાત્રીના મેળા પછી દેવ મોગરા માતાનું પુજન કરી હોળી સુધી આ નૃત્ય કરે છે.
દાહોદ હોળી નૃત્ય : ભીલ સમાજના લોકો દરેક શુભ પ્રસંગોએ માથે પાઘડી, ઝુલડી, પગમાં ઘુઘરા તથા હાથમાં તલવાર અને તીર કાંમઠાં સાથે સજ્જ થઇ ઢોલ, કુંડી અને થાળીના તાલે નૃત્ય કરે છે.