વિશ્વના તમામેતમામ ધર્મમાં દાનનો મહિમા ગવાયેલો જોવા મળે છે. જે કંઇ આપણે મેળવીએ છીએ તેમાં બીજાનો ભાગ છે જ અને એ સમજીને પોતાની શક્તિ પ્રમાણે જે દાન કરે છે તેના ઘરમાં લક્ષ્મીનો વાસ રહે છે. પૈસો સુખ નથી આપતો પરંતુ એ પૈસામાંથી દાનથી લક્ષ્મી બને છે તે સુખ આપે છે. પાછળથી સમાજમાં એવી માન્યતા દૃઢ થઇ ગઇ કે પૈસો જ સુખ આપે છે તેથી ગમે તે માર્ગે આવેલો પૈસો પણ લોકોને માન્ય બની ગયો છે.
ગીતામાં અધ્યાય 17માં શ્રીકૃષ્ણે સ્પષ્ટ જણાવ્યું છે કે, દાન કરવું એ મારો ધર્મ છે એમ સમજી યોગ્ય સ્થળે કાળ અને પાત્રનો વિચાર કરીને આપણા પર જેઓએ ઉપકાર ન કર્યો હોય તેવાને દાન અપાય તેને સાત્ત્વિક દાન ગણાવ્યું છે પંરતુ કોઇએ ઉપકાર કર્યો હોય અને તેઓને જો દાનથી મદદ કરવામાં આવે તો તેને સાત્ત્વિક દાન ગણેલું નથી. અયોગ્ય સ્થળે, અયોગ્ય સમયે અને અપાત્રને આદરસત્કાર વિના જે દાન આપવામાં આવે છે તે તામસ દાન છે. તેથી દાન આપતી વખતે પણ આપનારના મનની સ્થિતિની સીધી અસર દાન પર પડે જ છે.
એક ઘરે સામાજિક કાર્યક્રમ હતો તેથી ઘણા લોકોની અવરજવર તે ઘરમાં થતી હતી. સાંજને સમયે ભિક્ષુક બારણે ઊભો રહી કંઇ આપી જાઓની બૂમ પાડતો હતો. ઘરમાંથી વડીલે કહ્યું કે, પેલો ભિક્ષુક બૂમ પાડયા કરે છે તેથી તેને આપીને રવાના કરો. ભિક્ષુકને કંઇ અપાયું પણ ખરું પરંતુ તેમાં દાન પાછળની ઉત્તમ ઋષિ કલ્પના જળવાઈ નથી. બૂમ પાડયા કરે છે તેને શાન્ત કરવા માટે આપેલું દાન ઉત્કૃષ્ટ નથી જ. પુરાણોમાં પણ દાનનો મહિમા તો ગવાયો જ છે. તેમાં વિવિધ પાત્રો રચીને દાન અપાય છે તેની વાત કરેલી છે. મૂળ વાત તો દાન આપતી વખતે આપનારનો હાથ ઊંચો રહે છે અને દાન લેનારનો હાથ નીચો રહે છે.
આ પ્રકારનો ખ્યાલ પણ દાતાના મનમાં રહેવો ન જોઇએ. આજે તો દાનમાં પણ હું આટલું દાન આપું પરંતુ મારું કે મારા પિતાજીનું નામ સંસ્થા સાથે જોડાવું જોઇએ. આવાં સરતી દાનો આજે ઠેરઠેર જોવા મળે છે. જે દેશમાં શ્રીકૃષ્ણ જેવી વ્યક્તિએ ગૃહસ્થીઓ માટે કેવું જીવન જીવવું જોઇએ તે અંગે શ્રીમદ્દ ભગવદ્દ ગીતા રચેલું અને તેમાં ગૃહસ્થીઓ માટે ઠેરઠેર યોગ્ય માર્ગદર્શન મળી રહે તે પર પ્રકાશ પાડયો છે. દાન અંગે પણ દાતાની દાન આપતી વખતે માનસિકતા કઇ છે તેના પર પણ દાનનો આધાર છે. કોઇ પણ જાતની અપેક્ષા વિના, દાન કરવું છે એ ભાવનાથી જે દાન થાય તે દાનને ઊંચા પ્રકારનું દાન ગણેલું છે. આજે મોટાં મોટાં સુરતી દાનો અપાય છે. તેમાં તકતી પર કે મકાન પર દાતાનું નામ આવે તથા તરત જ તે દાન અંગે વર્તમાનપત્રોમાં ફોટો સાથે વિશેષ નોંધ હોય તે દાન સાત્ત્વિક દાન નથી. શું આપ્યું તે અગત્યનું નથી પરંતુ દાન આપતી વખતે દાતાના મનની સ્થિતિ કેવી છે તેના પર જ દાન સાત્ત્વિક છે કે દાન તામસિક છે તેનો આધાર રહે છે.