ચેન્નાઈ(Chennai): બંગાળની ખાડીમાંથી (BangalBay) ઉદ્દભવેલું મિચૌંગ ચક્રવાત (Cyclone Michoung) આજે 5 ડિસેમ્બરે આંધ્રપ્રદેશના (AndhraPradesh) દરિયા કિનારે ટકરાયું છે. વાવાઝોડાના લેન્ડફોલના લીધે ચારેતરફ તબાહી મચી ગઈ હતી. 90 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાના લીધે બધું વેરવિખેર થઈ ગયું હતું. બપોરે 1 વાગ્યે વાવાઝોડું મિચૌંગ આંધ્રપ્રદેશના બાપટલા નજીક નેલ્લોર-મછલીપટ્ટનમ વચ્ચે ટકરાયું છે. હવામાન વિભાગ અનુસાર વાવાઝોડાની અસર 3 કલાકથી વધુ રહેશે.
ચક્રવાતને પગલે આંધ્રપ્રદેશમાં હાઈ એલર્ટ છે. રાજ્ય સરકારે તિરુપતિ, નેલ્લોર, પ્રકાશમ, બાપટલા, કૃષ્ણા, પશ્ચિમ ગૌદાવરી, કાકીનાડા અને કોનાસીમા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ 8 જિલ્લામાં એસડીઆરએફ અને એનડીઆરએફની 5-5 ટીમો તૈનાત છે.
આ તરફ તમિલનાડુમાં મંગળવારે વરસાદ ઘટ્યો હતો. આ અગાઉ સોમવારે વાવાઝોડાના લીધે ચેન્નાઈમાં ભારે વરસાદ પડ્યો હતો, જેના લીધે ચેન્નાઈ એરપોર્ટ સહિત સમગ્ર શહેરમાં ઠેરઠેર પાણી બરાઈ ગયા હતા. ટ્રેનો રદ કરવી પડી હતી. 16 કલાક બાદ ચેન્નાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ફ્લાઈટની ઉડાનો શરૂ થઈ છે. આ અગાઉ 4 ડિસેમ્બરે રનવે પર પાણી ભરાઈ જવાના લીધે 70 ફ્લાઈટ્સ રદ કરવી પડી હતી, જ્યારે 30 ફ્લાઈટ્સને બેંગ્લુરુ ડાયવર્ટ કરવી પડી હતી.
સાયકલોનના લીધે 5 રાજ્યોમાં એલર્ટ
આજે એટલે કે 05 ડિસેમ્બરે ‘સાયક્લોન મિચૌંગ’. દક્ષિણ આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે અથડાયું છે. તોફાન ત્રાટકે તે પહેલા જ પૂર્વ કિનારાના 5 રાજ્યો એલર્ટ મોડ પર આવી ગયા હતા. મિચૌંગ વાવાઝોડું માત્ર તમિલનાડુ કે આંધ્રપ્રદેશ નહિં પરંતુ અન્ય રાજ્યોને ભારે અસર પહોંચાડી શકે છે.
હવામાન વિભાગ અનુસાર આંધ્રપ્રદેશના દરિયા કાંઠે લેન્ડફોલ થયા બાદ વાવાઝોડું ઓડિશા, પુડુચેરી-તેલંગાણા, ઝારખંડ અને છત્તીસગઢને અસર પહોંચાડી શકે છે. વાવાઝોડાની અસરના લીધે ઓડિશામાં હળવો વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે 6 ડિસેમ્બર સુધી ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. પુડુચેરી-તેલંગાણામાં પણ સરકારે એલર્ટ જાહેર કર્યું છે. દરિયા વિસ્તારોમાં કલમ 144 લાગુ કરાઈ છે. તેલંગાણા પ્રશાસને રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત કર્ણાટક, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ અને ઝારખંડમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે.