ગાંધીનગર: (Gandhinagar) અરબી સમુદ્રમાં (Sea) આકાર પામેલું બિપોરજોય વાવાઝોડુ (Cyclone) હાલમાં મુંબઈથી 790 કિમી અને પોરબંદરથી 810 કિમી દૂર રહેલુ છે. સ્કાયમેટ તથા હવામાન વિભાગના કહેવા મુજબ, આ વાવાઝોડુ પ્રતિ કલાકના 3 કિમી જેટલુ અંતર કાપીને આગળ વધ્યું છે. એટલે કે તેની આગળ વધવાની ઝડપ ઓછી છે. આગામી 48 કલાકમાં તે ઉત્તર – પૂર્વ તરફ આગળ વધશે. એક વેસ્ટર્ન ડિસ્ટબન્સની સિસ્ટમ પણ ઉત્તરાખંડ ઉપર સક્રિય છે. જયારે દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ ઉપર પણ ચક્રવાતી હવાના દબાણની સિસ્ટમ સક્રિય થયેલી છે. જેના પગલે રાજયમાં આગામી 13મી જૂન સુધી તોફાની પવન અને ગાજવીજ સાથે ભારે વરસાદની વકી રહેલી છે. દરિયા કિનારે ઉંચા મોજા ઉછળી શકે છે.
- બિપોરજોય વાવાઝોડાને લીધે સૌરાષ્ટ્રના દરિયામાં કરંટ
- પોરબંદરથી 810 કિમી દૂર, હવે કરાંચી કે ઓમાન તરફ ફંટાશે
આ વાવાઝોડુ આમ તો ઓમાન કે કરાંચી તરફ સરકી રહ્યું છે, જો કે તે નજીક આવતા ગુજરાત પર તેજ ગતિએ પવન ફૂંકાવવા ઉપરાંત ભારે વરસાદ લાવે તેવી સંભાવના છે. જેના પગલે માછીમારોએ હજુયે દરિયો ખેડવા જવુ નહીં સ્પષ્ટ ચેતવણી ઈશ્યુ કરાઈ છે. સૌરાષ્ટ્ર તથા કચ્છના દરિયાકાંઠે બંદર પર ભયજનક સિગ્નલ લગાવી દેવાયા છે. જયારે દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્ર – કચ્છના સાગરકાંઠે પ્રતિ કલાકના 30થી 50 કિમીની ઝડપે તેજ ગતિે પવન ફૂંકાશે, ઉપરાંત ગાજવીજ સાથે ભારે વરાસદની સંભાવના રહેલી છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના કહેવા મુજબ હવે રાજયમાં આગામી તા.13મી જૂન સુધી પ્રતિ કલાકના 30થી 50 કિમી ઝડપે પવન ફૂંકાવવા સાથે વરસાદ થશે. જેમાં વડોદરા , ભરૂચ , સુરત , નવસારી , ડાંગ , વલસાડ , તાપી , દમણ , દાદરા નગર હવેલી , જુનાગઢ , દીવ , અમરેલી , ભાવનગર, ગીર સોમનાથ , પોરબંદર , રાજકોટ , જામનગર અને દ્વારકા સહિતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.
અમદાવાદ એરપોર્ટ પર આવેલા હવામાન વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે આજે રાજયના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 40 ડિ.સે., ડીસામાં 39 ડિ.સે., ગાંધીનગરમાં 40 ડિ.સે., વલ્લભ વિદ્યાનગરમાં 41 ડિ.સે., વડોદરામાં 39 ડિ.સે., સુરતમાં 35 ડિ.સે., વલસાડમાં 35 ડિ.સે., ભૂજમાં 39 ડિ.સે., નલિયામાં 35 ડિ.સે., કંડલા એરપોર્ટ 40 ડિ.સે., અમરેલીમાં 41 ડિ.સે, ભાવનગરમાં 40 ડિ.સે., રાજકોટમાં 42 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 42 ડિ,સે., અને કેશોદમાં 38 ડિ.સે. જેટલું મહત્તમ તાપમાન નોંધાયુ હતું.