શ્રીલંકામાં ભારે વિનાશ મચાવ્યા બાદ દિતવાહ વાવાઝોડું હવે તેજ ગતિથી ભારત તરફ આગળ વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આ વાવાઝોડું આવતી તા. 30મી નવેમ્બરે તમિલનાડુ અને આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે ટકરાઈ શકે છે. શ્રીલંકામાં આ વાવાઝોડાના કારણે અત્યાર સુધીમાં 123 લોકોના મોત થયા છે અને હજારો લોકો પોતાના ઘરોમાંથી બેઘર બન્યા છે.
વાવાઝોડાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તમિલનાડુ સરકારે હાઈ-અલર્ટ જાહેર કરી દીધું છે. SDRFની ટીમો દરિયાકાંઠાના વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે અને લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે શેલ્ટર્સ તૈયાર રાખવામાં આવ્યા છે.
વાવાઝોડું હાલ કરાઈકલથી 170 કિમી, પોંડિચેરીથી 280 કિમી અને ચેન્નાઈથી લગભગ 380 કિમી દૂર હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. અંદાજ છે કે આજની મોડી રાતથી આવતીકાલે વહેલી સવાર વચ્ચે વાવાઝોડું દક્ષિણ ભારતના કિનારે પહોંચશે.
આવતા 24 કલાક દક્ષિણ ભારત માટે ભારે ગણાઈ રહ્યા છે. તમિલનાડુ, પોંડિચેરી અને આંધ્ર પ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પ્રશાસન દ્વારા નદીઓ અને બંધના વિસ્તારોમાં સતત દેખરેખ રાખી રહી છે. ઘણા કિનારાના વિસ્તારોમાં માછીમારોને ઊંડા સમુદ્રમાં ન જવાની ચેતવણી આપવામાં આવી છે.
શ્રીલંકામાં છેલ્લા એક અઠવાડિયામાં ભારે વરસાદ, વાવાઝોડું અને ભૂસ્ખલનના કારણે મોટી તબાહી સર્જાઈ છે. 43 હજારથી વધુ લોકોને ઘર છોડીને શેલ્ટર્સમાં આશરો લેવો પડ્યો છે.
આવી સ્થિતિમાં ભારત સૌથી પહેલા સહાય માટે આગળ આવ્યું છે. ભારતીય નૌસેના અને વાયુસેનાની મદદથી શ્રીલંકા સુધી 21 ટન રાહત સામગ્રી, 8 ટન રેસ્ક્યૂ સાધનો અને NDRFના જવાનો મોકલવામાં આવ્યા છે. ઓપરેશન સાગરબંધુ હેઠળ મોટી રાહત કામગીરી ચાલી રહી છે.
શ્રીલંકામાં ફસાયેલા ભારતીય નાગરિકો માટે કોલંબો એરપોર્ટ પર હેલ્પડેસ્ક શરૂ કરવામાં આવ્યું છે. તેમજ હેલ્પલાઈન નંબર +94 773727832 જાહેર કરવામાં આવ્યો છે.
વાવાઝોડાથી થનારી સ્થિતિને ધ્યાનમાં રાખીને તમિલનાડુના મુખ્યમંત્રીએ ઉચ્ચ અધિકારીઓ સાથે તાત્કાલિક બેઠક યોજી છે. સંવેદનશીલ વિસ્તારોની જવાબદારી સિનિયર મંત્રીઓને સોંપવામાં આવી છે. આ વચ્ચે પૂણે અને વડોદરા પરથી પણ NDRFની 10 જેટલી ટીમો ચેન્નઈ માટે રવાના કરવામાં આવી છે. રામેશ્વરમ-ચેન્નઈ રેલ માર્ગની 11 ટ્રેનોના રૂટ બદલી દેવાયા છે અને કેટલીક ટ્રેનો રદ પણ કરવામાં આવી છે.
દક્ષિણ ભારતમાં આવતા કલાકોમાં સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. જેને ધ્યાનમાં રાખીને પ્રશાસન તમામ તૈયારીઓ સાથે સતર્ક છે.