ઓડિશા: બંગાળની ખાડી(Bay of Bengal) પર બનેલા વાવાઝોડા ‘અસાની'(Cyclone Asani)ની અસર આંધ્રપ્રદેશ, ઓડિશા, તમિલનાડુ, પુડુચેરી અને આસપાસના રાજ્યોમાં દેખાવાનું શરૂ થઈ ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ભારે પવન સાથે વરસાદી ગતિવિધિઓ ચાલુ છે. તોફાનને જોતા ઘણી ફ્લાઈટ્સ પણ રદ કરવામાં આવી છે. ચક્રવાતી આસાની વિશાખાપટ્ટનમથી લગભગ 330 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં છે. જે ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે. ત્યારબાદ વાવાઝોડું ઉત્તર-ઉત્તર-પૂર્વ તરફ આગળ વધે તેવી શક્યતા છે. અસાનીની ચેતવણી વચ્ચે ઓડિશાથી લઈને આંધ્રપ્રદેશ સુધીની રાજ્ય સરકારો એલર્ટ પર છે. બીજી તરફ વિશાખાપટ્ટનમમાં ભારે વરસાદ વરસ્યો હતો.
દરિયામાં બોટ પલટી
આ વાવાઝોડા પહેલા જ ઓડિશાનો દરિયો તોફાની બન્યો છે. ગંજમ જિલ્લાના ચત્રપુર નજીક આર્યપલ્લી ખાતે તોફાની દરિયામાં માછીમારોની બોટ પલટી ગઈ હતી. જેનો રૂંવાટા ઉભા કરી દેનારો વિડીયો સામે આવ્યો છે. જો કે આ તમામ માછીમારોનો આબાદ બચાવ થયો હતો. તમામ માછીમારો તરીને કિનારે પહોંચવામાં સફળ રહ્યા હતા અને કોઈ જાનહાનિ થઈ ન હતી.
વિશાખાપટ્ટનમમાં ભારે વરસાદ
‘અસાની’વાવાઝોડાનો કહેર આંધ્રપ્રદેશમાં જોવા મળ્યો છે. વિશાખાપટ્ટનમમાં અસાની ની અસરના કારણે ભારે વરસાદ પડી રહ્યો છે. જેને લઈને ઠેર ઠેર પાણી ભરાયા હતા. અસાનીને લઈને ઓડિશાથી લઈને આંધ્ર પ્રદેશની તટીય સરકારો હાઈ એલર્ટ પર છે. વાવાઝોડાના કારણે સમુદ્રમાં મોટી હલચલ થઈ રહી છે. આ તોફાન પશ્ચિમ બંગાળમાં પણ કહેર લાવશે. તેના કારણે કલકત્તામાં ભારે વરસાદ થઈ રહ્યો છે. જેના કારણે જન જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. કલકત્તાના કેટલાય વિસ્તારમાં પાણી ભરાયા છે, જેને લઈને લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
દરિયા કિનારે લોકોની અવર-જવર બંધ રાખવા સૂચન
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વાવાઝોડા આસાનીની અસરને કારણે દરિયામાં ગતિવિધિ વધુ તીવ્ર થવાની સંભાવના વચ્ચે આગામી કેટલાક દિવસો સુધી માછીમારોને દરિયાકાંઠેથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું છે. દરિયાકાંઠાના વિસ્તારો અને દરિયાકિનારા પર પ્રવાસન સંબંધિત પ્રવૃત્તિઓ 13 મે સુધી સ્થગિત રાખવાનું પણ સૂચન કરવામાં આવ્યું છે.
વાવાઝોડાની અસરનાં પગલે આટલી ફ્લાઇટ્સ રદ
આસાનીની અસરને ધ્યાનમાં રાખીને, ઇન્ડિગોએ વિશાખાપટ્ટનમ એરપોર્ટથી 23 ફ્લાઇટ્સ રદ કરી છે. આ ઉપરાંત ચેન્નાઈ એરપોર્ટ પર હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ, જયપુર અને મુંબઈ સહિતની 10 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. ચક્રવાત આસાનીને કારણે ઓડિશાના ગંજમમાં વહીવટીતંત્રે આજે અને આવતીકાલ માટે ગોપાલપુર સહિત તમામ બીચ બંધ રાખવાની જાહેરાત કરી છે.