Sports

સાયકલિસ્ટની જાતીય સતામણી પ્રકરણથી ભારતીય રમતજગત પર અવળી અસર થવાની દહેશત

મહિલા સાયકલિસ્ટની જાતીય સતામણીના આરોપોને પગલે ભારતીય રમતજગત પર અવળી અસર પડવાની સંભાવના છે. આમ પણ દેશમાં રમતને એક કેરિયર વિકલ્પ તરીકે લેવામાં આવતો નથી ત્યારે આવી ઘટના રમત તરફી વાતાવરણ પણ ઉંધી અસર પાડી શકે છે. તાજેતરમાં સ્લોવેનિયામાં બનેલી ઘટનાનું વર્ણન કરતાં મહિલા સાયકલિસ્ટે મુખ્ય કોચ પર શારીરિક સતામણીનો આરોપ મૂક્યો હતો. તે પછી ભારતીય રમતજગતમાં રોષની લાગણી છે. ખાસ કરીને મહિલા ખેલાડીઓમાં આ મામલે ખાસ્સો રોષ જોવા મળી રહ્યો છે. ભારતની ચેમ્પિયન શૂટર મનુ ભાકરથી લઈને તીરંદાજી ચેમ્પિયન દીપિકા કુમારીએ મોટા બદલાવની માગ ઉઠાવીને મહિલા ખેલાડીઓ સાથે મહિલા કોચને મોકલવાની અને આવુ કૃત્ય કરનારાઓને કાયમ માટે હાંકી કાઢવાનો સૂર વ્યક્ત કર્યો છે.

ભારત જેવા દેશમાં રમતને હજુ પણ કેરિયરનો યોગ્ય વિકલ્પ માનવામાં આવતો નથી અને તેવા સમયે સ્લોવેનિયાના પ્રવાસે ગયેલી ભારતીય સાયકલિસ્ટ ટીમની એક મહિલા સાયકલિસ્ટે ત્યાં કોચ દ્વારા મહિલા ખેલાડીઓના શારીરિક શોષણની ઘટના બહાર લાવતા ભારતમાં માતા-પિતાને તેમની પુત્રીઓને રમતમાં કેરિયર બનાવતી અટકાવશે એવો ડર ભારતીય રમતગમત જગતમાં ડોકિયા કરવા માંડ્યો છે. ભારતીય રમતજગતના હાલના અને માજી ખેલાડીઓના મતે સત્તાધીશોએ આવા મુદ્દાઓને સમજદારીપૂર્વક હેન્ડલ કરવા જોઈએ.

એક મહિલા સાઇકલિસ્ટે તાજેતરમાં સ્લોવેનિયામાં તેની સાથે બનેલી એક ભયાનક ઘટના શેર કરી, જેમાં ટીમના મુખ્ય કોચે તેની જાતિય સતામણી કરવાનો પ્રયાસ કર્યો હતો. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI)એ આ મહિલા સાઈકલિસ્ટને તરત જ સ્વદેશ પરત બોલાવી લઇને એક કમિટી દ્વારા આ મામલે તપાસ કરાવવામાં આવી હતી અને જેના પ્રાથમિક રિપોર્ટમાં મહિલા સાયકલિસ્ટની વાત સાચી હોવાનું જણાતા કોચને તાત્કાલિક બરતરફ કરવામાં આવ્યો હતો, આ કોચની સામે તપાસ ચાલુ રાખવામાં આવી હતી. સ્લોવેનિયામાં બનેલી આ ઘટનાથી ઘણા ભારતીય એથ્લેટ્સ હજુ પણ વાકેફ નહોતા પરંતુ જ્યારે તેમને આ વિશે કહેવામાં આવ્યું તો તેઓએ રોષ વ્યક્ત કર્યો હતો.

દેશની ટોચની તીરંદાજ દીપિકા કુમારીએ અધિકારીઓને મહિલા ખેલાડીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા વિનંતી કરવાની સાથે જ જે કોઇપણ ખેલાડીઓ સાથે આવી ઘટના બની હોય તે તમામ ખેલાડીઓને કોઈપણ ડર વિના આવી ઘટનાઓ જાહેર કરવા જણાવ્યું હતું. વિશ્વની ત્રીજા ક્રમાંકિત તિરંદાજ અને ત્રણ વખતની ઓલિમ્પિયન દીપિકાએ કહ્યું હતું કે આ ખૂબ જ આઘાતજનક ઘટના છે. તમારે આવી વ્યક્તિઓને કાઢી મૂકવી જોઈએ. રમતગમતમાં આપણી સંસ્કૃતિ તદ્દન સ્વતંત્ર છે જેમાં છોકરાઓ અને છોકરીઓ બંને સાથે પ્રેક્ટિસ કરે છે, એક છત નીચે રહે છે અને સુરક્ષિત અનુભવે છે. હાલના સમયમાં માતાપિતા પોતાની પુત્રીઓન રમતમાં કેરિયર બનાવે તે બાબતે ખંચકાટ અનુભવે છે અને્ તેવા સમયે જો આવી ઘટનાઓ સામે આવતી રહેશે તો તેઓ તેમને રમતમાં મોકલવાનું બંધ કરશે. તેથી આવા ગુનેગારોને રમતમાંથી કાઢવા જોઇએ અને એ બાબત સત્તાધીશોએ સમજવી જોઇએ. રમતમાં ખેલાડીની અને ખાસ કરીને મહિલા ખેલાડીઓની સલામતી એ સૌથી મહત્વની બાબત છે એ સમજવાની જરૂર છે.

SAI એ જો કોઈ મહિલા ખેલાડી ટીમમાં હોય તો મહિલા કોચનો સમાવેશ કરવો એવું રાષ્ટ્રીય રમત ફેડરેશનો માટે ફરજિયાત બનાવ્યું છે. ભારતની ચેમ્પિયન શૂટર મનુ ભાકરે કહ્યું કે અમારી રમતમાં મહિલા કોચની વ્યવસ્થા પહેલેથી જ છે. મનુએ કહ્યું હતું કે અમારી પાસે હંમેશા એક મહિલા કોચ અથવા મેનેજર હોય છે જે પ્રવાસમાં અમારી સાથે મુસાફરી કરે છે. એટલા માટે મને લાગે છે કે મહિલા ખેલાડીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે દરેક રમતમાં આ સમાન બાબત અપનાવવી જોઇએ. ભારતીય ટીમના માજી કેપ્ટન અને BCCI (ક્રિકેટ બોર્ડ ઓફ ઈન્ડિયા) એપેક્સ કાઉન્સિલના સભ્ય શાંતા રંગાસ્વામીએ રમતોને આગળ ધપાવવા માટે વધુને વધુ મહિલાઓને કોચિંગ સહિતના સ્ટાફમાં સામેલ કરવાની હિમાયત કરી હતી.

શાંતા રંગાસ્વામીએ કહ્યું હતું કે કર્ણાટક ક્રિકેટમાં, અમારી પાસે તમામ વય જૂથો માટે મહિલા સહાયક સ્ટાફ છે. જો વધુ મહિલાઓ રમતમાં આવશે તો તે માત્ર વાતાવરણને જ સુરક્ષિત નહીં બનાવે પણ તે તેમને પોતાની કોચિંગ કેરિયરને સુધારવામાં પણ મદદ કરશે. ભારતીય હોકી ટીમના માજી કેપ્ટન અને નેશનલ પુરૂષ હોકી ટીમના કોચ સરદાર સિંહ કહે છે કે આવી ઘટનાઓ રમતને બદનામ કરે છે. “SAI દ્વારા મહિલા ખેલાડીઓ સાથે મહિલા કોચને મોકલવા સંબંધિત લેવામાં આવેલું પગલું આવકાર્ય છે. પણ ખરેખર તેનો અમલ ઘણાં પહેલાથી થવાની જરૂર હતી.

બેડમિન્ટન ખેલાડી પારુપલ્લી કશ્યપે કહ્યું હતું કે કોઇપણ રમતમાં આવા વ્યક્તિ’ માટે કોઈ સ્થાન હોવું જોઈએ નહીં. તેણે એવું પણ ઉમર્યું હતું કે અમેરિકા જેવો દેશ પણ આમાંથી પસાર થયો છે. મહિલા ખેલાડીઓ માનસિક રીતે મજબૂત હોય છે, તેમને સમસ્યાનો ઉકેલ તરત જ શોધવો જોઈએ પરંતુ ક્યારેક તેઓ શરમ અનુભવે છે અને કહી શકતી નથી. જ્યારે આવું થાય છે ત્યારે તમે પ્રેશર અનુભવો છો. તમામ ખેલાડીઓની વાતોને જો ધ્યાને લેઇએ તો એવો સૂર ઊભો થાય છે કે કોચિંગ સ્ટાફમાં આવી વ્યક્તિઓને સ્થાન હોવું ન જોઇએ અને બની શકે તો તેમની કોચિંગ કેરિયર પર કાયમ માટે પડદો જ પાડી દેવો જોઇએ. ભારતમાં જે રીતે હાલમાં રમત તરફી માહોલ ઊભો થયો છે અને દેશના આંતરિયાળ વિસ્તારોમાંથી પણ સારી પ્રતિભાઓ સામે આવી રહી છે અને માતાપિતાનું વલણ પણ પહેલા કરતાં થોડું બદલાયું છે.

આજે હોકી, ક્રિકેટ, શૂટીંગ, તિરંદાજી, એથ્લેટિક્સ, બેડમિન્ટન, ટેબલટેનિસમાં પણ મહિલા ખેલાડીઓની સંખ્યા વધી રહી છે તેની પાછળનું કારણે રમત તરફી ઊભો થયેલો માહોલ છે, ત્યારે આવી ઘટનાઓ એ માહોલને ફરી પલટાવી શકે છે અને તેથી જ આ બાબતને ગંભીરતાથી લઇને જે તે રમત ઓથોરિટીએ પોતાની મહિલા ખેલાડીઓની સુરક્ષા માટે જરૂરી પગલા ઉઠાવીને તેમની સાથે બને તો જે કોચિંગ સ્ટાફ હોય તેમાં મોટાભાગની મહિલાઓ હોય તેવી તકેદારી રાખવી જોઇએ.

2010માં મહિલા હોકી ટીમની સભ્યએ કોચિંગ સ્ટાફના એક સભ્ય સામે જાતિય સતામણીના આરોપ મૂક્યા હતા
ભારતીય રમતજગતમાં કોચ દ્વારા જાતિય સતામણીના આરોપ અગાઉ પણ લાગી ચુક્યા છે. આ પહેલા મહિલા હોકી ટીમની એક સભ્યએ કોચિંગ સ્ટાફના એક સભ્ય દ્વારા જાતિય સતામણી થતી હોવાનો આરોપ મૂકતા ભારતીય હોકી જગતમાં ખળભળાટ મચી ગયો હતો. 20 જુલાઈ, 2010ના રોજ મહિલા ટીમની સભ્યએ કોચિંગ સ્ટાફમાંના એક સભ્ય સામે જાતીય સતામણીનો આક્ષેપ કરતી લેખિત ફરિયાદ મોકલતા ભારતીય હોકી એક નવા વિવાદથી ઘેરાઈ ગઈ હતી.

મહિલા સભ્યે આરોપ મૂક્યો હતો કે કેનેડા અને ચીનના પ્રવાસ દરમિયાન કોચિંગ સ્ટાફમાંથી એકે સેક્સ્યુઅલ ફેવર માટે પૂછ્યું હતું અને અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતું. જેની સામે આ આક્ષેપ મૂકાયો હતો તે વ્યક્તિ શાહરૂખ ખાન અભિનીત 2007ની સુપરહિટ ફિલ્મ ચક દે ઈન્ડિયા માટે પ્રેરણા આપનાર એમ કે કૌશિક હતો. ભારતીય મહિલા હોકી ટીમના કોચ એમકે કૌશિક ટીમના સભ્યો દ્વારા જાતીય ગેરવર્તણૂકના આરોપો બાદ શરમજનક સ્થિતિમાં મૂકાયા હતા. રમત મંત્રાલયને પણ આ મામલે એક પત્ર મોકલવામાં આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે, “ મિસ્ટર કૌશિક જુનિયર છોકરીઓ પાસે સેક્સ્યુઅલ ફેવર માટે પૂછે છે અને ‘ગેમ મીટિંગ’ના બહાને તેમના રૂમમાં બોલાવીને અભદ્ર ટિપ્પણીઓ કરે છે.” જે તે સમયે કેટલીક ટીવી ચેનલોએ ટીમના અધિકારીની કેટલીક છોકરીઓ સાથે ક્ષોભજનક સ્થિતિમાં હોય તેવી વિડિયો ક્લિપિંગ્સ પ્રસારિત કરી હતી અને તે સમયે ખાસ્સો વિવાદ સર્જાયો હતો.

24

ગોવાના સ્વીમિંગ કોચ સુરજીત ગાંગુલીએ સગીરાનું જાતિય શોષણનો પ્રયાસ કરતાં તેમની હકાલપટ્ટી થઇ હતી
સપ્ટેમ્બર 2019માં ગોવાના જાણીતા સ્વીમિંગ કોચ સુરજીત ગાંગુલી પર સગીર છોકરીની છેડતીનો આરોપ લાગ્યા બાદ તેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. છેડતીની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા હતા અને તે બાબતે એક પત્રકાર અને ફિલ્મ નિર્માતાએ આ વીડિયો તેમજ ફોટાઓ શેર કરવાની સાથે તેમાં જે તે સમયના રમતમંત્રી કિરણ રિજિજૂને ટેગ કરીને આ મામલે પગલા ભરવાની અપી કરી હતી . કિરણ રિજિજુએ તેના પર કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. મંત્રીના આદેશ બાદ ગોવા સ્વિમિંગ એસોસિએશને ગાંગુલીને પદ પરથી હટાવી દીધા હતા. 14 વર્ષિય પીડિતા ગાંગુલી પાસે સ્વીમિંગની ટ્રેનિંગ લઈ રહી હતી. સ્પોર્ટ્સ જગતને કલંકિત કરનારી આ ઘટના પર રિજિજુએ કડક કાર્યવાહીની વાત કરીને આ કોચને બરખાસ્ત કરવાની સાથે જ તેને ક્યાંય નોકરી ન મળે તેવી વ્યવસ્થા ગોઠવી હતી. જે તે સમયે આ વીડિયો અને ફોટાઓએ ખાસ્સી ચર્ચા જગાવી હતી અને તેને પગલે રમતજગત પર અવળી અસર પડી હતી અને માતાપિતા પોતાની પુત્રીઓ રમતમાં જાય તેવું ઇચ્છવા માંડયા હતા.

Most Popular

To Top