સુરત : સામાન્ય લોકો તો ઠગ ટોળકીના હાથે છેતરાતા હોવાના કિસ્સા વારંવાર પ્રકાશમાં આવતા જ હોય છે પરંતુ એલ એન્ડ ટી કંપનીના (Larsen & Toubro) ડીજીએમ કક્ષાની વ્યક્તિને છેતરવામાં પણ ગઠિયાઓ સફળ થઇ ગયા છે. આ ટોળકીનો ભોગ બનેલા ડીજીએમએ લાખો રૂપિયા ગુમાવવાનો વારો આવતા મામલો સાઇબર ક્રાઇમમાં (Cyber Crime) પહોંચ્યો છે. વેસુ ખાતે રહેતા અને એલએન્ડટી કંપનીમાં ડેપ્યુટી જનરલ મેનેજરને યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ (Youtube Channel Subscribe) કરવાનો ટાસ્ક પૂરો કરી રોકાણ પર 15 મિનિટમાં 30 ટકા વળતરની લાલચ આપી ગઠિયાઓએ 29.89 લાખ પડાવી લીધા છે.
આ બનાવની મળતી માહિતી અનુસાર વેસુ ખાતે આગમ એન્કલેવમાં રહેતા 54 વર્ષીય સુપ્રભાત વિમલક્રિષ્ના દાસગુપ્તા એલએન્ડટી કંપનીમાં ડેપ્યુટી જનરલ મેનેજર છે. ગઇ તારીખ 6 મે ના રોજ તેમના વોટ્સએપ પર અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. કોલ કરનાર મહિલાએ તેનું નામ મીરા હોવાનું તેમજ તે લોજિક ઇન્ફર્મેશન સિસ્ટમ્સમાં કામ કરતી હોવાનું જણાવ્યું હતું. તેમનો નંબર નોટરી ડોટ કોમ પરથી મળ્યો હોવાનું મીરાએ તેમને જણાવ્યું હતું. ત્યાર બાદ મીરાએ તેમને યુ ટ્યુબ ચેનલોને સબસ્ક્રાઇબ કરીને રોજના 500થી 3 હજાર કમાવવાની ઓફર આપી હતી. ડીજીએમ તેની વાતમાં આવી જતાં મીરાએ તેમને વોટ્સએપ પર એક લિંક મોકલી હતી. જેમાં બે ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ઓફર આપી એક કોડ મોકલી ટેલિગ્રામ એપ્લિકેશનમાં લોગ ઇન થઈ લક્ષ્મી સાથે સંપર્ક કરવા કહ્યું હતું.
ત્યારબાદ તેમને કોડ શેર કરવાનું કહેતાં ત્રીજી ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટે લીંક મોકલી નામ, ઉંમર, બેંક ખાતાની વિગતો માંગી હતી. ત્યારબાદ તેમના ખાતામાં 150 રૂપિયા જમા કરાવ્યા હતાં. બાદમાં લક્ષ્મીએ એક ટેલિગ્રામ વર્ક ગ્રુપમાં જોડાવવા લીંક મોકલતા તેમાં જોડાયા હતા. આ રીતે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબના નામે સિલસિલો યથાવત રહ્યો હતો. લક્ષ્મીએ પ્રેપેડ ટાસ્કમાં ભાગ લઇ 15 થી 30 મિનિટમાં રોકાણની રકમ પર 30 ટકા વળતરની લાલચ આપી હતી. તેના માટે પહેલા રૂપિયા ટ્રાન્સફર કરવાનું કહેતા તેમણે 1000 ટ્રાન્સફર કરતાં તેમના ખાતામાં 1300 રૂપિયા જમા થઇ ગયા હતાં. આમ લાલચમાં આવીને ટાસ્ક મેળવતા ગયા અને પૂરો કરતા ગયા હતાં. પછી તેમની પાસેથી ટૂકડે ડૂકડે ચીટર ટોળકીએ રૂપિયા 29.89 લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતાં.