Sports

કોમનવેલ્થ-2022માં 22 ગોલ્ડ સાથે ભારત 61 મેડલ જીત્યું, આ મામલે ભારત વિશ્વનો ચોથો દેશ બન્યો

બર્મિંઘમ : કોમનવેલ્થ ગેમ્સ 2022માં (CWZ 2022) સિલ્વર મેડલ સાથે શરૂ થયેલા ભારતના અભિયાનનો અંત પણ સિલ્વર મેડલ સાથે જ આવ્યો હતો. જો કે આ દરમિયાન ભારતે 22 ગોલ્ડ, 16 સિલ્વર અને 23 બ્રોન્ઝ સહિત કુલ 61 મેડલ જીતીને પોતાનું અભિયાન સંપન્ન કર્યું હતું. બર્મિંઘમ 2022માં ભારતને પહેલો મેડલ સંકેત સરગરે વેઇટલિફ્ટીંગમાં સિલ્વર જીતીને અપાવ્યો હતો અને સોમવારે અંતિમ દિવસે ભારતીય ટીમે હોકીમાં મેળવેલા સિલ્વર મેડલ સાથે ભારતીય અભિયાનનું સમાપન થયું હતું.

ભારત વતી પહેલો ગોલ્ડ પણ વેઇટલિફ્ટીંગમાં જ આવ્યો હતો, જે ઓલિમ્પિક્સની સિલ્વર મેડલિસ્ટ મીરાબાઇ ચાનુએ જીત્યો હતો અને તે પછી અંતિમ ગોલ્ડ અચંતા શરત કમલે ટેબલ ટેનિસમાં જીતીને ભારતને અપાવ્યો હતો. ભારતને વેઇટલિફ્ટીંગમાં આ વખતે 3 ગોલ્ડ સાથે કુલ 10 મેડલ જીત્યા હતા, જો કે સર્વાધિક 12 મેડલ ભારતે રેસલિંગમાં જીત્યા હતા, જેમાં ભારતીય રેસલરોએ 6 ગોલ્ડ, 1 સિલ્વર અને 5 બ્રોન્ઝ જીત્યા હતા. ભારતે છેલ્લે 2018માં ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં 26 ગોલ્ડ સાથે કુલ 66 મેડલ જીતીની યજમાન ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ પછી ત્રીજા સ્થાને રહ્યું હતું. જો કે તે સમયે ભારતે શૂટીંગમાં 16 મેડલ જીત્યા હતા. આ વખતે કોમનવેલ્થ ગેમ્સમાંથી શૂટીંગની ઇવેન્ટ હટાવી દેવાઇ હોવા છતાં અને નીરજ ચોપરાની ગેરહાજરી છતાં ભારતીય રમતવીરોએ રેસલરો, વેઇટ લિફ્ટરો તેમજ શટલરોના પ્રભાવક પ્રદર્શનથી 61 મેડલ જીત્યા છે.

ભારતે બર્મિંઘમ કોમનવેલ્થ ગેમ્સમાં જીતેલા મેડલ્સ
રમત ગોલ્ડ સિલ્વર બ્રોન્ઝ કુલ

  • રેસલિંગ 6 1 5 12
  • વેઇટલિફ્ટીંગ 3 3 4 10
  • એથ્લેટિક્સ 1 4 3 8
  • બોક્સિંગ 3 1 3 7
  • બેડમિન્ટન 3 1 2 6
  • ટેબલટેનિસ 3 1 1 5
  • જૂડો 0 2 1 3
  • લોન બોલ્સ 1 1 0 2
  • સ્કવોશ 0 0 2 2
  • હોકી 0 1 1 2
  • પેરા ટેબલટેનિસ 1 0 1 2
  • પેરા પાવરલિફ્ટીંગ 1 0 0 1
  • ક્રિકેટ 0 1 0 1
  • કુલ 22 16 23 61

કોમનવેલ્થ ગેમ્સમાં કુલ 200થી વધુ ગોલ્ડ જીતનારો ભારત ચોથો દેશ બન્યો
બેડમિન્ટન મહિલા સિંગલ્સની ફાઇનલમાં પીવી સિંધુએ ગોલ્ડ મેડલ જીત્યો તેની સાથે જ કોમનવેલ્થ ગેમ્સના ઇતિહાસમાં સોમવારે પોતાનો 200મો ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. બર્મિંઘમ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે કુલ મળીને 22 ગોલ્ડ મેડલ જીત્યા હતા અને તેની સાથે ભારતે અત્યાર સુધીની કોમનવેલ્થ ગેમ્સમાં જીતેલા ગોલ્ડની સંખ્યા 203 થઇ ગઇ હતી. કોમનવેલ્થ ગેમ્સમાં કુલ ગોલ્ડ મેડલ જીતનારા દેશોમાં સૌથી પહેલા 1003 ગોલ્ડ સાથે ઓસ્ટ્રેલિયા પહેલા સ્થાને છે. તેના પછી 773 ગોલ્ડ સાથે ઇંગ્લેન્ડનો ક્રમ આવે છે અને કેનેડા 510 ગોલ્ડ ત્રીજા સ્થાને છે. ભારતને કોમનવેલ્થ ગેમ્સમાં પહેલો ગોલ્ડ 1958માં મિલ્ખા સિંહે અપાવ્યો હતો. તે પછી ભારતે 1962 અને 1986 સિવાયની દરેક ગેમ્સમાં ગોલ્ડ જીત્યો હતો.

Most Popular

To Top