SURAT

મીટર કાપવા આવેલા વીજકંપનીના કર્મચારીને ગ્રાહકે તમાચા મારી દીધા, પાંડેસરાની ઘટના

સુરત : (Pandesara) પાંડેસરામાં વીજ કનેક્શન (Electric connection) કાપવા (Cut) માટે ગયેલા ડીજીવીસીએલ (DGCCL) કંપનીના જૂનિ. આસિસ્ટન્ટને તમાચો (Slap) મારી દેવામાં આવતા પોલીસ ફરિયાદ (Police Complain) થઇ હતી. આ અગાઉ પણ ઉધનામાં ડીજીવીસીએલના સ્ટાફને માથામાં ફટકો મારી દેવામાં આવ્યો હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ભટાર નવી વસાહતમાં રહેતા મૃગેશ કલ્યાણજી ચૌધરી (ઉ.વ.૨૬) ડીજીવીસીએલ કંપનીમાં પાંડેસરા સબ ડિવિઝનલ ઓફિસમાં જૂનિયર આસિસ્ટન્ટ તરીકે નોકરી કરે છે. મૃગેશભાઇ અને બીજા ઇલેક્ટ્રિશયન પાંડેસરા નાગસેન નગરમાં તપાસ માટે ગયા હતા. અહીં કમલાબેન કિશોર રણદીવ નામના એક ગ્રાહકે રૂા.1305 રૂપિયાનું બીલ નહીં ભરતા તેનું કનેક્શન કાપવાની કાર્યવાહી કરવામાં આવી રહી હતી. આ દરમિયાન કમલાબેનનો પુત્ર પ્રકાશ આવ્યો હતો અને મૃગેશભાઇની સાથે માથાકૂટ કરવા લાગ્યો હતો, અને અચાનક જ એક તમાચો મારી દેતા હોબાળો મચી ગયો હતો. મૃગેશભાઇએ આ બાબતે તેના ઉપરી અધિકારીઓને જાણ કરી દીધી હતી. બનાવ અંગે પોલીસે પ્રકાશ રણદીવની સામે મારામારી અને ફરજમાં રૂકાવટનો ગુનો નોંધ્યો હતો.

મોડી રાત્રે મસ્કતિ હોસ્પિ.ની સામેની વખારમાં આગ લાગતા દોડાદોડી થઈ ગઈ
સુરત : શહેરના કોટ વિસ્તારમાં મસ્કતિ હોસ્પિટલની સામે એક લાકડાની વખારમાં આગ લાગતા અફરા-તફરી મચી જવા પામી હતી. જો કે મનપાના લાશ્કરોએ દોઢ-બે કલાકની જહેમત બાદ આગને કાબુમાં લઇ લીધી હતી.

મળતી વિગત મુજબ મસ્કતિ હોસ્પિટલની સામે મનપાના મલ્ટી લેવલ પાર્કિંગની બાજુમાં એક લાકડાની વખારમાં મોડી રાત્રે 10 વાગ્યાની આસપાસ કોઇ કારણોસર આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. જો કે મનપાના ફાયર કંટ્રોલમાં જાણ થતા ફાયર ઓફિસર મહેશ પટેલ અને લાશ્કરો તુરંત દોડી ગયા હતા અને બે કલાક સુધી સતત પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. સદનસીબે આગ મોડી રાત્રે લાગી હોવાથી કોઇ વ્યક્તિ વખારમાં હાજર નહોતા તેથી કોઇ જાનહાની થઇ નહોતી. પરંતુ લાકડા વ્હેરવાની મશીનરી તેમજ લાકડાનો જથ્થો ખાક થઇ ગયો હતો.

Most Popular

To Top