SURAT

સુરતમાં કસ્ટોડિયલ ડેથ: સારોલી પોલીસ સ્ટેશનમાં કાપડ દલાલનું મોત થતાં ચકચાર

સુરત: સુરતમાં (Surat) વધુ એક કસ્ટોડિયલ ડેથનો (Custodial Death) બનાવ સામે આવ્યો છે. કાપડ દલાલ (Textile Broker) ના કસ્ટોડીયલ ડેથ પ્રકરણમાં સારોલી પોલીસ (Saroli Police) સામે આક્ષેપ થતા ચર્ચાનો વિષય બન્યો છે. સારોલી પોલીસે રાત્રિ ડ્રાઈવમાં (Night Drive) ત્રણ સવારી જનારા પૈકી એકને પકડ્યો હતો.

  • કાપડ દલાલ સંદીપ વેકરીયાનું સારોલી પોલીસ મથકમાં શંકાસ્પદ મોત
  • બૂટ કાઢવા જતા પગ લપસતા દીવાલ સાથે અથડાઈને મૃત્યુ થયાનું પોલીસનું નિવેદન
  • મૃતકના પરિવારજનોએ સારોલી પોલીસ પર ગંભીર આક્ષેપ
  • સીસીટીવી ફૂટેજ અને તટસ્થ તપાસની માગ કરી

મૃતક સંદીપ ભરત વેકરીયા કાપડની દલાલી કરતા હોવાનું સામે આવ્યું છે. સારોપી પોલીસે કહ્યું હતું કે, પોલીસ સ્ટેશનની અંદર પગ લપસી જતા સંદીપનું મોત થયું હતું. મૃતકનું પેનલ પોસ્ટ મોર્ટમ કરાવીને મૃત્યુનું સાચું કારણ જાણવાનો પ્રયાસ કરાશે.

મહેશ કાનાણી (મૃતકના સંબંધી) એ કહ્યું હતું કે, મારા મામાના દીકરો સંદીપ વેકરીયા ઘરે ન આવ્યો હોવાથી મામાએ ફોન કર્યા હતાં. 3થી 4 ફોન રિસિવ ન થયા પરંતુ મામા પ્રયત્ન કરતાં હતાં. આ દરમિયાન રાત્રિના 9.11 વાગ્યે સંજય નામના વ્યક્તિએ ફોન ઉઠાવીને કહ્યું કે, સંદીપને સારોલી પોલીસ સ્ટેશનમાં ઈજા થતાં સારવાર માટે સ્મીમેર લઈ ગયા છે.

સ્મીમેર હોસ્પિટલમાં 9.35 વાગ્યે તેને મૃત જાહેર કરાયો હતો. જેથી અમે પરિવારજનો સારોલી પોલીસ સ્ટેશન દોડી ગયા હતાં. ત્યાં ડીસીપી, એસીપી, પીઆઈ સહિતના અધિકારીઓએ કહ્યું કે, સંદીપને ટ્રીપલ સવારીના કેસમાં પકડ્યો હતો જેમાં એક ભાગી ગયો અને આ બે વ્યક્તિને પોલીસ સ્ટેશન લાવ્યા હતા.

દરમિયાન બૂટ કાઢતી વખતે લથડી જતાં તેનું દિવાલ સાથે માથું અથડાયું હતું. બાદમાં અમે તપાસ કરી તો એવી કોઈ દીવાલ નથી કે જ્યાં માથું અથડાય તો મોત નીપજી શકે. જેથી અમારી માંગણી છે કે આ કેસમાં નિષ્પક્ષ, ન્યાયી અને તટસ્થ તપાસ કરીને અમને સીસીટીવીનું રેકોર્ડિંગ આપવામાં આવે એવી માગ કરી હતી.

કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં ડીસીપી ઝોન વન ભક્તિ ઠાકરએ જણાવ્યું હતું કે, સંદીપ તેના બે મિત્રો સાથે બાઈક પર આવી રહ્યો હતો. બાઈક પર ફેન્સી નંબર પ્લેટ હોવાથી પોલીસે સંદીપને રોક્યો હતો. સંદીપ સાથે બાઈક પર બેસેલો એક મિત્ર બાઈક પરથી ઉતરી ભાગી જતા પોલીસ સંદીપ અને તેના મિત્રની બાઈક ડિટેન કરી પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા.

પોલીસ સ્ટેશન પહોંચતા જ સંદીપના મોંઢામાથી ફીણ નીકળતા તે બેભાન થયો હતો. તાત્કાલિક સંદીપને 108 એમ્બ્યુલન્સ મારફતે સ્મિમેર હોસ્પિટલ લઈ જવાયો હતો જ્યાં તેને ડોકટરો મૃત જાહેર કર્યો હતો. હાલ સમગ્ર મામલે એસ.ડી.એમની હાજરીમાં પેનલ પોસ્ટમોર્ટમ થઇ રહ્યું છે. કેસની તપાસ એસીપી બી ડિવિઝન પી.કે પટેલ દ્વારા કરવામાં આવશે.

Most Popular

To Top