નવી દિલ્હી: IPLની આ સિઝનમાં મહેન્દ્ર સિંહ ધોનીની (Mahendra Singh Dhoni ) કપ્તાનીવાળી ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) એક પછી એક ઝટકો લાગી રહ્યો છે. ઈજાના (Injured) કારણે એક બાદ એક ખેલાડી IPLમાંથી બહાર થઈ રહ્યા છે. ત્યારે રાજસ્થાન રોયલ્સ (RR) સામે રમાયેલી મેચમાં મળેલી હાર બાદ ચેન્નાઈની ટીમને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો એક સ્ટાર ઓલરાઉન્ડર ખેલાડી ઈજાના કારણે ચેન્નાઈ સુપર કિંગ્સની ઓછામાં ઓછી આગામી ત્રણ મેચમાંથી બહાર થઈ ગયો છે. અમે વાત કરી રહ્યા છીએ દક્ષિણ આફ્રિકાની સિસાંડા મગાલાની. ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચ દરમિયાન રવિચંદ્રન અશ્વિનને કેચ લેતી વખતે તેની આંગળીમાં ઈજા પહોંચી હતી.
કોચે એક મોટું અપડેટ આપ્યું
મગાલાએ રોયલ્સ સામે માત્ર બે ઓવર નાંખી અને એકપણ વિકેટ લીધા વિના 14 રન કર્યા હતા. સીએસકેના કોચ સ્ટીફન ફ્લેમિંગને મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં મગાલાની ઈજા અંગે અપડેટ પૂછવામાં આવ્યું હતું. ફ્લેમિંગે પુષ્ટિ કરી કે મગાલાને આંગળીમાં ઈજા થઈ છે અને તે ઓછામાં ઓછા આગામી બે અઠવાડિયા માટે બહાર રહેશે. ચેન્નાઈ સુપર કિંગ્સ પાસે આગામી બે અઠવાડિયામાં ત્રણ મેચ રમવાની છે. તેઓ આગામી 17 એપ્રિલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચ માટે બેંગલુરુ જશે, ત્યારબાદ 21 એપ્રિલે સનરાઈઝર્સ હૈદરાબાદ અને 23 એપ્રિલે કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચ રમશે.
બેન સ્ટોક્સ વિશે આ કહ્યું
આ જ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, સ્ટીફન ફ્લેમિંગે અન્ય CSK ખેલાડીઓ વિશે પણ અપડેટ આપ્યું હતું. તેમણે કહ્યું કે બેન સ્ટોક્સ પર દરરોજ નજર રાખવામાં આવી રહી છે. તે ટૂંક સમયમાં CSK માટે રમવા માટે ઉપલબ્ધ થશે. દીપક ચહર થોડા અઠવાડિયા માટે મેદાનની બહાર રહેશે. આગામી મેચ માટે પ્લેઈંગ 11માં સિસાંડા મગાલાના સ્થાને શ્રીલંકાના મતિશા પથિરાનાને સામેલ કરવામાં આવે તેવી શક્યતા છે. તે જોવાનું રસપ્રદ રહેશે કે શું પથિરાના IPL 2023ની તેની પ્રથમ મેચ સોમવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે રમે છે કે નહીં. CSKના ચાહકોને આશા હશે કે બેન સ્ટોક્સ પણ પસંદગી માટે ઉપલબ્ધ રહેશે.